સ્માર્ટવોચ કે નુકસાનકારી બેક્ટેરિયાનું જંગલ?

હેલ્થ બુલેટિન

Friday 29th September 2023 09:01 EDT
 
 

સ્માર્ટવોચ કે નુકસાનકારી બેક્ટેરિયાનું જંગલ?
ટેકનોલોજીના વર્તમાન યુગમાં સમય જોવાં સહિત અને કાર્ય માટે સ્માર્ટવોચનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે પરંતુ, શું તમે જાણો છો કે કાંડા પર પહેરાયેલી આ સ્માર્ટવોચ હાનિકારક બેક્ટેરિયાની ચાલતીફરતી દુકાન છે જે તમને બીમાર પાડી શકે છે? એમેરિકી વિજ્ઞાનીઓ ચેતવણી આપે છે કે લગભગ ચોવીસે કલાક કાંડા પર રહેતા આવાં ઉપકરણોની સફાઈ ન રખાય તો ગુમડાં, ડાયેરીઆ અને સેપ્સિસૃ ચામડીના કોહવાટ જેવી બીમારીઓ થઈ શકે છે. આ બધાથી બચવા માટે સારાં ડિસઈન્ફેક્ટન્ટનો ઉપયોગ કરવો જોઈએ. ફ્લોરિડા એટલાન્ટિક યુનિવર્સિટીની ટીમ દ્વારા જાણીતી બ્રાન્ડ્સની સ્માર્ટવોચ અને રિસ્ટબેન્ડ્સના સ્વેબ્સ લઈ કેટલા જીવાણુઓ રહે છે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મળેલાં પરિણામો આઘાતજનક હતાં કારણકે મોટા ભાગના પર ન્યુમોનિયા લાવતા ઈ.કોલી અને સ્ટેફીલોકોકસ બેક્ટેરિયા ખદબદતા હતા. ગોલ્ડ, સિલ્વર જેવી ધાતુઓના બનેલા વોચ બેન્ડ્સ (પટ્ટા) વધુ સ્વચ્છ હતા અને તેમની સરખામણીએ પ્લાસ્ટિક, રબર અને કાપડના બેન્ડ્સમાં સૌથી વધુ બેક્ટેરિયાનો સંગ્રહ થયેલો હતો. ‘એડવાન્સીસ ઈન ઈન્ફેક્શિયસ ડિસીસીઝ’ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ મુજબ 85 ટકા વોચબેન્ડ્સમાં ગુમડા અને ચામડીના ચેપ લાવતા સ્ટેફીલોકોકસ બેક્ટેરિયા જણાયા હતા જ્યારે 30 ટકા રિસ્ટબેન્ડ્સમાં યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન ( UTI) સહિત અનેક ગંભીર ચેપ લાવતા સ્યૂડોમોનાસ બેક્ટેરિયા જણાયા હતા જેને જાહેર આરોગ્ય માટે ચિંતાજનક ગણાવી શકાય.

•••

વેઈટ લોસ સર્જરીથી હાડકાં નબળાં પડે?
બાળકો અને વયસ્કોમાં સ્થૂળતા વધતી જાય છે તેની સાથે વજન ઘટાડવાની સર્જરીનો મહિમા પણ વધી રહ્યો છે. જોકે, જર્નલ રેડિયોલોજીમાં પ્રકાશિત અભ્યાસમાં સંશોધકોએ એવી ચિંતા વ્યક્ત કરી છે કે આ પ્રકારની સર્જરીથી યુવા પેશન્ટ્સમાં હાડકાની ઘનતા ઘટી શકે છે તેમજ હાડકાં નબળાં પડવાનું પણ જોખમ રહે છે. અમેરિકન એકેડેમી ઓફ પીડિઆટ્રિક્સ અને અમેરિકન સોસાયટી ફોર મેટાબોલિક એન્ડ બેરિયાટ્રિક સર્જરી દ્વારા ભારે સ્થૂળતાના કેસીસમા સર્જરીની ભલામણો કરાવા સાથે આ પ્રકારની સર્જરી વધી છે. વજન ઘટવાથી અનેક લાભ થાય છે તે હકીકત હોવાં છતાં જોખમ પણ રહેલુ છે. બોસ્ટનમા હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સશોધકો મુજબ આવી સર્જરી પછી બોન મેરોની ચરબીમા વધારો જોવાં મળ્યો છે જે નબળાં હાડકાંનું બાયોમાર્કર છે. વિકસતાં બાળકોમાં હાડકાં નબળાં પડવાના કારણે ફ્રેક્ચર્સ અને સાંધાના રોગોનું પ્રમાણ વધે છે.

•••

ખાદ્યપદાર્થો - પીણાંમાં ઉમેરેલી ખાંડથી કિડનીમાં પથરી
પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો અને પીણાંમાં ઉમેરેલી ખાંડ અથવા તો કૃત્રિમ સ્વીટનર્સના કારણે સ્વાદ અને સુગંધમાં ફેરફાર અવશ્ય જોવા મળે છે પરંતુ, લોકોમાં કિડનીમાં પથરી થવાનું પ્રમાણ વધી રહ્યુ છે. ઉમેરેલી શુગરનાં કારણે યુરિન થવાનું પ્રમાણ ઘટે છે અને યુરિનરી કેલ્શિયમનુ પ્રમાણ વધે છે જેના પરિણામે પથરી થવાનું જોખમ વધે છે. યુએસ નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એક્ઝામિનેશન સર્વે 2007-2018માં સરેરાશ 48 વર્ષની વયના 28,303 વયસ્કોને અભ્યાસમાં સામેલ કરાયા હતા. અભ્યાસમાં 600થી ઓછી અને 3500થી વધુ કેલરી લેતી સ્ત્રીઓ અને 800થી ઓછી અને 4200થી વધુ કેલરી લેતા પુરુષોનો સમાવેશ કરાયો ન હતો. આ લોકોના ડેટામાં કિડની સ્ટોન્સના ઈતિહાસ અને તેમના વર્તમાન ખોરાક અને પીણાંના વપરાશ દ્વારા લેવાતી ઉમેરેલી શુગરના પ્રમાણનો સમાવેશ થયો હતો. તેમા જણાયું હતું કે જે લોકોએ વધુ પ્રમાણમાં ઉમેરેલી શુગર લીધી હતી તેમને કિડનીમાં પથરી થવાની શક્યતા વધુ હતી. જે લોકોએ તેમની કુલ એનર્જીના 25 ટકાથી વધુ એનર્જી ઉમેરેલી શુગરમાંથી મેળવી હતી તેમને કિડનીમાં પથરી થવાનું જોખમ 88 ટકા જણાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter