સ્મોકરના કપડાંમાંથી નીકળતું કેમિકલ પણ સ્મોકિંગ જેટલું જ ખતરનાક!

Thursday 14th May 2020 05:07 EDT
 
 

ન્યૂ હેવનઃ યેલ યુનિવર્સિટીના સંશોધકોએ સ્મોકરના કપડાંને કેન્દ્રમાં રાખીને તદ્ન અલગ સંશોધન કર્યું છે. સંશોધન પ્રમાણે જે લોકો સતત સ્મોકિંગ કરે છે એવા લોકોનો સમુહ એકઠો થાય છે ત્યારે તેમના કપડાંમાંથી એક કલાકમાં ૧૦ સિગારેટમાંથી નીકળતા ધુમાડા જેટલું નિકોટિન હવામાં ભળતું હોય છે. જે સ્મોકરની સાથોસાથ તેની આસપાસ બેસનારાના શરીરને પણ નુકસાન પહોંચાડે છે.
યેલ યુનિવર્સિટીના સંશોધકોએ સ્મોકરના કપડાંમાંથી છૂટા પડતા પદાર્થ અંગે અભ્યાસ કર્યો હતો. સંશોધકોએ દાવો કર્યો હતો કે સ્મોકરના કપડાંમાંથી હવામાં ભળતા કેમિકલ્સ પર પહેલી વખત સંશોધન થયું છે. આ સ્ટડી પ્રમાણે સતત સ્મોકિંગ કરતા માણસના કપડામાં નિકોટિનનો મોટો જથ્થો જમા થઈ જાય છે. એ જથ્થો પછી કપડામાંથી છૂટો પડે છે અને સ્મોકર ઉપરાંત તેની આસપાસમાં બેસનારાને પણ નુકસાન પહોંચાડે છે.
સંશોધકોએ એક સિનેમા હોલનો અભ્યાસ કર્યો હતો. એક નોન-સ્મોકિંગ સિનેમા હોલની હવામાં કેટલા કેમિકલ્સ છે તેનો અભ્યાસ થયો હતો. આ પછી સિનેમા હોલમાં જનારા લોકોમાંથી કેટલા લોકો કેટલું સ્મોકિંગ કરે છે તેનો સર્વે કરાયો હતો. સિનેમા હોલ પૂરો ભરાઈ ગયો પછી એમાં બેઠેલા કુલ લોકોમાંથી લગભગ ૪૦ ટકા લોકો સ્મોકિંગ કરતાં હોવાનું જણાયું હતું અને એમાંથી પણ ૩૦ ટકા લોકો તો સતત સ્મોકિંગ કરવાની ટેવ ધરાવતા હતા. એક કલાક પછી હોલની હવાનો ફરી વાર સ્ટડી થયો હતો. બીજા કલાકે પણ હોલની હવાનો અભ્યાસ થયો હતો.
સતત સ્મોકિંગ કરતા લોકોની આસપાસની હવાનો અભ્યાસ કરીને સંશોધકોએ તારણ કાઢ્યું હતું કે જે સિનેમા હોલમાં સિગારેટ પીને આવેલા લોકોની સંખ્યા ઠીક-ઠીક હતી તેની હવામાં એક કલાકમાં ૧૦ સિગારેટમાંથી નીકળતા ધુમાડા જેટલું નિકોટિન છૂટું પડયું હતું.
સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે સ્મોકિંગ કરી લીધા પછી સ્મોકરની આસપાસ રહેવાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ તેના કપડાંમાંથી સતત એક અલગ પ્રકારની ગંધ આવતી હોય છે. એ ગંધ ખરેખર તો નિકોટિન સહિતના ઘાતક પદાર્થોનો જથ્થો હોય છે એવું નિષ્ણાતોએ તારવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter