કોરોના વાઇરસ મહામારીના કારણે લોકડાઉનનો સમય છે. કામકાજી લોકો પાસે ઘરમાં બેસી રહેવા અથવા ઘેર બેસીને કામ કરવા કરવા સિવાય વિશેષ પ્રવૃત્તિ રહી નથી. આવા સમયે, બેસવાની કે કામ કરવાની ખોટી આદતો સ્લિપ્ડ ડિસ્ક અને સાયેટિકાની સમસ્યાઓ ઉભી કરે છે.
ઘણા પેશન્ટ્સ શરીરના સમગ્ર નીચલા હિસ્સામાં ઝણઝણાટી, બહેરાશ - ખાલી ચડવી કે ભારેપણાની સાથોસાથ કમરની નીચેના હિસ્સામાં પીડાની ફરિયાદ કરે છે. મોટા ભાગે આવા પેશન્ટનો ઈતિહાસ તપાસીએ તો તેમના વ્યવસાયમાં સતત - લાંબો સમય બેસી રહેવું પડતું હોય છે. લાંબો સમય પ્રવાસ અને ભારે વજન ઊંચકવામાં આવે તે પણ અન્ય કારણો છે.
પેશન્ટને શારીરિક અવસ્થામાં બદલાવ કરવાનો હોય ત્યારે સખત પીડા થાય છે અને થોડી મિનિટો સુધી તો ચાલવા અથવા બરાબર ઉભા રહેવામાં પણ તકલીફ થાય છે. આવાં લક્ષણો સ્લિપ્ડ ડિસ્ક (ગાદી ખસી જવી)નો કેસ હોય છે જે, સાયેટિકા (sciatica)માં પરિણમે છે.
આપણે સહુ પહેલા કરોડસ્તંભ - મેરુદંડની સમજ મેળવીએ -
કરોડસ્તંભ વર્ટીબ્રા તરીકે ઓળખાતા ઘણા હાડકાનો બનેલો છે. માનવ કરોડમાં સર્વાઈકલના ૭, ડોરસાલના ૧૨, લમ્બરના ૫ અને સેક્રોકોકોજીઅલના ૯ થઈને ૩૩ વર્ટીબ્રા (મણકા) છે. આ દરેક હાડકું દબાયેલા સિલિન્ડરના આકારનું હોય છે અને દરેક વર્ટીબ્રા વચ્ચે ઈન્ટરવર્ટીબ્રલ ડિસ્ક (ગાદી) હોય છે. આ ડિસ્કમાં બહારનો મજબૂત હિસ્સો એન્યુલસ ફાઈબ્રોસસ ફાઈબ્રસ - રેષાં ધરાવે છે અને તેના કેન્દ્રમાં ન્યુક્લીઅસ પલ્પોસસ નામે જેલી જેવો પોચો ભાગ રહે છે. આપણી કરોડમાં આઘાત - ધક્કા શોષવા માટે ડિસ્ક મહત્ત્વપૂર્ણ છે.
સ્પાઈનલ કોર્ડ એટલે કે કરોડરજ્જુમાં મગજમાંથી આવતી ચેતાઓ - નર્વ્સ છે જેનું રક્ષણ કરોડ કરે છે. સ્પાઈનલ કોર્ડમાંથી આવતી ચેતાઓ વર્ટીબ્રામાંથી પસાર થાય છે અને શરીરના વિવિધ ભાગમાંથી સંદેશાઓની આપ-લે કરે છે. સર્વાઈકલ ભાગમાંથી આવતી ચેતાઓ બંને હાથમાં તેમજ લમ્બર ભાગમાંથી આવતી ચેતાઓ બંને પગને સંદેશાઓનું વહન કરે છે. માનવશરીરમાં સાયેટિક ચેતા સૌથી લાંબી ચેતા છે, જે નિતંબથી સાથળ અને પીંડીમાં થઈ પગમાં પહોંચે છે.
વર્ટીબ્રા સાથે જોડાયેલાં મજબૂત લિગામેન્ટ્સ - કૂર્ચા કે અસ્થિબંધ કરોડને વધારાનો ટેકો અને તાકાત આપે છે. વિવિધ પ્રકારના સ્નાયુઓ પણ તેને વીંટળાય છે અને કરોડના વિવિધ હિસ્સા સાથે જોડાય છે.
સ્લિપ્ડ ડિસ્ક શું છે?
જ્યારે આઉટર રિંગ - એન્યુલસ ફાઈબ્રોસસ નબળાં પડે છે અથવા ફાટી જાય છે તે વખતે અંદરના ભાગની ગાદી જેવી જેલી - ન્યુક્લીઅસ પલ્પોસસ બહાર આવવા લાગે તેવી સ્થિતિને સ્લિપ્ડ ડિસ્ક કે મણકાની ગાદી ખસી ગયાનું કહેવાય છે.
સ્લિપ્ડ ડિસ્કના કારણો શું છે?
કરોડના મણકાના નબળા પડી ગયેલા બાહ્ય વિસ્તારમાંથી મણકાનો આંતરિક પોચો ભાગ બહાર ધસી આવે તેના અનેક કારણ હોય છે. ઉદાહરણ જોઈએ તો, છીંક ખાવી, વિચિત્ર રીતે વળવાથી અથવા વિચિત્ર પોઝિશનમાં ભારે વજન ઊંચકવાથી પણ મણકા પર વધારાનું દબાણ આવી શકે છે. મણકામાં નબળાઈ હોય તેવા લોકોમાં પ્રોલેપ્સ-સ્થાન બદલાઈ જવા માટે આ પૂરતાં કારણ છે. ગાદીનું સ્થાન બદલાવાનું જોખમ વધારતા પરિબળોમાં આ બાબતો મુખ્ય છેઃ
(૧) કઢંગી સ્થિતિ (પોશ્ચર)માં લાંબો સમય બેસી રહેવું
(૨) વારંવાર આગળની તરફ વળવું
(૩) અયોગ્ય પોશ્ચરમાં ભારે વજન ઊંચકવું
(૪) અસાધારણ રીતે વળવું, મરડાવું, ગોળાકાર ફરવું અથવા કરોડ પર વળ ચડવો
(૫) કઢંગી સ્થિતિ (પોશ્ચર)માં લાંબો સમય મુસાફરી કરવી
(૬) ઘર અને વ્યવસાયના કામકાજમાં આગળની તરફ વધુ ઝૂકેલા રહેવું કે વળ ખાધેલી હાલતમાં રહેવું
(૭) વધતી જતી વય
આ હાલતમાં પેશન્ટને શું થાય?
(૧) પીઠમાં દુઃખાવો કે કળતર
(૨) ચેતાના મૂળમાં દુઃખાવો (લમ્બર ડિસ્ક સંકળાયેલી હોય તો સાયેટિક ચેતા)
જોકે, સમસ્યાની શરૂઆત કમર-પીઠમાં થાય છે પરંતુ, પેશન્ટને નિતંબથી સાથળ અને પીંડીમાં થઈ પગ સુધી સાયેટિક ચેતાના માર્ગમાં કોઈ પણ જગાએ ભારેપણું, ઝણઝણાટી, બહેરાશ- ખાલી ચડવી અને બળતરાના સ્વરૂપે પીડાનો અનુભવ થાય છે.
(૩) ચાલતા અથવા ઉભા રહેવા સમયે કમરના નીચલા ભાગમાં ભારેપણું, ઝણઝણાટી, બહેરાશ - ખાલી ચડવા સાથે દુઃખાવો
(૪) ભારે અસરવાળા કેસમાં શરીરના નીચલા હિસ્સાના સ્નાયુઓમાં નબળાઈ
(૫) તીવ્ર અસરવાળા કિસ્સામાં મૂત્ર કે ઝાડાનું નિયંત્રણ ખોરવાઈ જાય
નિદાન કેવી રીતે થાય છે?
નિશ્ચિત નિદાન કરવામાં વિસ્તૃત ક્લિનિકલ હિસ્ટરી અને સંપૂર્ણ ક્લિનિકલ તપાસ મહત્ત્વ ધરાવે છે. સ્લિપ્ડ ડિસ્ક સમસ્યાના ચોક્કસ સ્થાન અને તીવ્રતાનો નિર્ણય કરવામાં લમ્બર સ્પાઈનનો MRI મદદરૂપ બને છે.
સ્લિપ્ડ ડિસ્ક અને સાયેટિકાની સારવાર કેવી રીતે કરાય છે?
એર્ગોનોમિક્સઃ
• વારંવાર શરીરની પોઝિશન, શક્ય હોય તો દર ૩૦ મિનિટે, બદલતા રહો
• સીધા - ટટ્ટાર અને ટેકા સાથે બેસો
• યોગ્ય ટેક્નિક સાથે વજન ઊંચકવા કે ખસેડવાનું રાખો
ફિઝિયોથેરાપી અને પુનર્વસનઃ
મણકાની ગાદી ખસી જવાની અને સાયેટિકાની સારવારમાં ફિઝિયોથેરાપી વિશેષ મહત્ત્વની છે. ૯૫થી ૯૮ ટકા પેશન્ટ ફિઝિયોથેરાપી સારવારને ઘણો સારો પ્રતિભાવ આપે છે.
• નોન-સર્જિકલ સ્પાઈનલ ડીકોમ્પ્રેશન થેરાપીથી મણકા પર દબાણમાં નાટ્યાત્મક ઘટાડો થાય છે. આથી મણકાનો પહોળો થયેલો ભાગ અંદર તરફ ખેંચાય છે અને સંકોચાયેલી સ્પાઈનલ ચેતા પરનું દબાણ હળવું કરવામાં મદદ મળે છે. આનાથી, પીઠના દુઃખાવામાં ને સાયેટિક લક્ષણમાં સંપૂર્ણ આરામ મળે છે.
• અસરગ્રસ્ત ટિસ્યુઝને સાજા કરવાને ઉત્તેજન અને સોજાને ઘટાડવા માટે થીકલ થેરાપી
• પેઈન ગેટ મિકેનિઝમ્સ દ્વારા લક્ષણોમાં સુધારા માટે TENS
• સારવાર અને રિકવરી પ્રોસેસ દરમિયાન મલ્ટિ-વિટામીન્સનો પૂરક આહાર
• તમામ કામકાજી પ્રવૃત્તિઓમાં કરોડની સ્થિરતા સુધારવા માટે કોર સ્ટેબિલિટી કસરતો
• મેકેન્ઝી કસરતો - કરોડસ્તંભની રીહેબ કસરતોમાં - સૌથી વધુ ભલામણ કરાતી કસરતોમાં એક છે.
(લેખક મિશન હેલ્થ - અમદાવાદ, ભારતના સ્થાપક અને ડાયરેક્ટર છે.)