સ્લો પોઇઝન પ્લાસ્ટિકના કેમિકલથી વર્ષે એક લાખ અકાળે મોતનો ખતરો

Sunday 12th December 2021 09:01 EST
 
 

આજકાલ પ્લાસ્ટિકની બનેલી ચીજવસ્તુઓનો વધુ પડતો વપરાશ લોકો માટે સ્લો પોઇઝન સમાન સાબિત થઇ રહ્યો છે. અમેરિકન વૈજ્ઞાાનિકોએ આ અંગે લોકોને એલર્ટ કરતા કહ્યું છે કે બાળકોના રમકડાં, શેમ્પૂ અને ખાવાના પ્લાસ્ટિક કન્ટેનરમાં રહેલા કેમિકલ્સથી દર વર્ષે એક લાખ લોકોના અકાળે મોત થઇ શકે છે. પ્લાસ્ટિકમાં હાજરી ધરાવતું થૈલેટ્સ નામનું કેમિકલ બહુ નુકસાનકારક છે. છેલ્લા એક દાયકામાં વ્યક્તિમાં નપુંસકતા તથા મેદસ્વિતાના કેસો વધ્યા છે અને આ સમસ્યાને થૈલેટ્સ કેમિકલ સાથે સીધું કનેક્શન હોવાનું સામે આવ્યું છે. આ બાબતને ધ્યાને રાખીને કેટલાક દેશોમાં તેનો વપરાશને ઘટાડી નાખવામાં આવ્યો છે.
રિસર્ચર ડો. લિયોનાર્ડો ટ્રેસેન્ડના જણાવ્યા મુજબ થૈલેટ્સનો ઉપયોગ મુખ્યત્વે પ્લાસ્ટિકના ઉત્પાદનોને મજબુત બનાવવા માટે કરવામાં આવતો હોય છે. જેમ કે ફ્લોરીંગ, પ્લાસ્ટીક પેકેજિંગ અને ગાર્ડન ઇક્વિપમેન્ટસ. આનાથી મોતનું જોખમ વધી જાય છે. આનું જોખમ સમજવા માટે અમેરિકાની એનવાઇયૂ લૈંગૂન હેલ્થના રિસર્ચરોએ દસ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો, જેમાં ૫૫થી ૬૪ વર્ષની ઉંમરના ૫૩૦૦થી વધુ વયસ્કોને સામેલ કરવામાં આવ્યા હતા. આ લોકોના શરીરમાં થૈલેટ્સ કેમિકલનું પ્રમાણ જાણવા માટે તેમના યુરીન સેમ્પલ લેવામાં આવ્યા અને તેની તપાસ કરવામાં આવી હતી. આ રિપોર્ટના પરિણામ અને મોતના જોખમ વચ્ચેના કનેક્શનને સમજવામાં આવ્યું હતું.
જર્નલ એન્વાયરર્ન્મેન્ટ પોલ્યુશનના અહેવાલ મુજબ જે લોકોમાં થૈલેટ્સનું પ્રમાણ વધારે હતું તેમને મોતનું જોખમ વધારે હતું. અમેરિકામાં આનાથી અંદાજે વર્ષે એક લાખથી વધુ લોકોના મોત થઇ શકે છે. સંશોધકો કહે છે કે થૈલેટ્સ તત્વ ધરાવતી પ્લાસ્ટિકની બનેલી ચીજવસ્તુઓમાં ખાવા-પીવાથી મોં વાટે કે શ્વાસ દ્વારા તેના કણ શરીરમાં પહોંચવાનું જોખમ વધી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter