કિડની આપણા શરીરનું ‘ફિલ્ટર’ છે, જે લોહીને શુદ્ધ કરવાનું અને ઝેરી તત્વોને બહાર કાઢવાનું મહત્ત્વનું કામ કરે છે. કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે આ આદતો કેળવવી ખૂબ જરૂરી છે.
પાણીનું યોગ્ય પ્રમાણ
હંમેશા હાઇડ્રેટેડ રહો. દિવસ દરમિયાન પૂરતું પાણી (સામાન્ય રીતે 8-10 ગ્લાસ) પીવો. આનાથી કિડનીમાંથી સોડિયમ અને ટોક્સિન્સ સરળતાથી બહાર નીકળી જાય છે. વધારે પડતું પણ પાણી પીવાનું ટાળો. જરૂર કરતાં વધારે પાણી પીવાનું ટાળો, કારણ કે તેનાથી કિડની પર લોડ વધી શકે છે. પેશાબનો રંગ આછો પીળો કે સફેદ હોય તે શરીરમાં પૂરતા પાણીની નિશાની છે.
આહારમાં સાવધાની
મીઠું વધારે ખાવાથી બ્લડ પ્રેશર વધે છે, જે કિડનીને નુકસાન કરે છે. ઉપરથી મીઠું નાખવાની કે રોજેરોજ પાપડ-અથાણાં વધુ ખાવાની આદત ટાળો. પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો. ચિપ્સ અને ફાસ્ટ ફૂડમાં સોડિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે, જે કિડની માટે હાનિકારક છે. સફરજન, બ્લુબેરી, કોબીજ અને લસણ કિડની માટે ઉત્તમ માનવામાં આવે છે.
બીપી, સુગર પર કાબૂ
જે વ્યક્તિને ડાયાબિટીસ હોય તેમની કિડની જલ્દી ખરાબ થવાનો ડર રહે છે. તેથી બ્લડ સુગરને હંમેશા કંટ્રોલમાં રાખો. હાઈ બીપીએ કિડની ફેલ થવાનું મુખ્ય કારણ છે. જો તમારું બીપી 140/90થી ઉપર રહેતું હોય, તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. માથાનો દુખાવો કે સાંધાના દુખાવાની ગોળીઓ ડોકટરની સલાહ વગર વારંવાર ન લો. તે કિડનીને સીધું નુકસાન પહોંચાડે છે. સ્મોકિંગ કરવાથી કિડનીમાં લોહીનો પ્રવાહ ધીમો પડે છે અને કિડની કેન્સરનું જોખમ વધે છે.


