કિડની આપણા શરીરનું ખૂબ મહત્ત્વનું અંગ છે. આપણા શરીરમાંથી દૂષિત પદાર્થોને બહાર કાઢે છે અને લિક્વિડનું સંતુલન બનાવી રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પરંતુ કિડની સાથે જોડાયેલી બીમારીઓ સામાન્યપણે ત્યાં સુધી જાણવા મળતી નથી જ્યાં સુધી તે ગંભીર તબક્કે પહોંચી ન જાય. એવામાં સ્વસ્થ કિડની માટે આપણે શું કરવું જોઈએ? કયા ફૂડ્સ ખાવા જોઇએ કે જેથી કિડનીની બીમારીથી તમે અને તમારા પરિવારજનો બચી શકો. ચાલો જાણીએ તેના વિશે.
સ્વસ્થ કિડની માટે આટલું અવશ્ય કરો
• યોગ્ય માત્રામાં પાણી પીઓ: દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીઓ, જેથી શરીરમાં દુષિત પદાર્થો બહાર નીકળી જાય.
• સંતુલિત આહારઃ તાજાં ફળ, શાકભાજી અને આખા અનાજ ખાઓ.
• બ્લડપ્રેશર નિયંત્રિત રાખોઃ હાઇ બ્લડપ્રેશર કિડની પણ દબાણ સર્જે છે. તેને આહાર- વ્યાયામથી નિયંત્રિત કરો.
• નિયમિત વ્યાયામ: દરરોજ વ્યાયામ કરવાની આદત શરીરમાં રક્તસંચારને વધુ સારો કરે છે અને કિડનીને સ્વસ્થ રાખે છે.
• દારૂ-ધૂમ્રપાનથી બચોઃ આ બંને કિડનીને નુકસાન પહોંચાડે છે.
• પેઇન કિલરનું વધુ સેવન ન કરોઃ કોઇ પણ જાતની પેઇન કિલરનો વધુ પડતો ઉપયોગ જોખમી છે. શક્ય હોય ત્યાં સુધી ટાળો.
• મેદસ્વિતાથી બચોઃ મેદસ્વિતા કિડની રોગનું જોખમ વધારે છે.
• સ્ટ્રેસ ઘટાડોઃ વધુ પડતો તણાવ બ્લડપ્રેશર વધારી શકે છે, અને જેનાથી કિડની પર અસર પડે છે.
આવા કોઇ પણ સંકેતોની ઉપેક્ષા ટાળો
• પગ, પગની ઘૂંટી અથવા તો ચહેરા પર સોજો.
• વારંવાર પેશાબ જવું. ખાસ કરીને રાત્રે.
• પેશાબમાં લોહી આવવું અથવા ફીણવાળો પેશાબ.
• સતત ઊલટી થવી, ભૂખ ન લાગવી.
• હાઇ બ્લેડપ્રેશર, જે કન્ટ્રોલમાં આવતું નથી.
• ફેફસાંમાં સતત પાણી ભરાવાના કારણે સતત શ્વાસ ચઢવો.
કિડની પર જોખમ વધારતી આ બીમારીઓ
• ડાયાબિટીસ: વધુ પડતો ડાયાબિટીસ આ કિડની ફેલ થવામાં સૌથી મોટું કારણ છે. તેને કન્ટ્રોલમાં રાખો.
• મેદસ્વિતા: કિડની પર વધુ દબાણ નાંખે છે.
• યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન: આ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.
• કિડની સ્ટોનઃ જો યોગ્ય સમયે સારવાર ન થાય તો ચેપ ઉત્પન્ન થઈ શકે છે.
કિડનીની કાળજી માટે જરૂરી ટેસ્ટ
• બલ્ડ ટેસ્ટઃ સીરમ ક્રિએટિનિન, બ્લડ યુરિયા નાઇટ્રોજન (બીયુએન) ટેસ્ટ કરાવવો જોઇએ.
• યુરિન ટેસ્ટઃ પેશાબમાં પ્રોટીન, લોહી અને ચેપની તપાસ કરાવવી પણ જરૂરી છે.
• ઇમેજિંગ ટેસ્ટ: અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેનથી કિડની સ્ટોન, સિસ્ટ, અન્ય સમસ્યાની માહિતી મળી શકે છે. જો સંકેતો છે તો આ ટેસ્ટ કરાવો.
કિડની સાથે જોડાયેલા આ દાવા
કેટલા સાચા? કેટલા ખોટા?
• મિથઃ સ્વસ્થ કિડની માટે દિવસમાં 4-5 લિટર પાણી પીવું જરૂરી છે.
ફેક્ટ: જરૂરિયાતથી વધુ પાણી પીવાથી કિડની પર વધુ દબાણ થઇ શકે છે. જેટલી જરૂરિયાત છે, તેટલું જ પાણી પીઓ.
• મિથઃ માત્ર વૃદ્ધોને જ કિડની સાથે જોડાયેલી બીમારીઓ થાય છે.
ફેક્ટઃ કોઈ પણ ઉમરમાં કિડનીની સમસ્યા થઇ શકે છે.
• મિથઃ ભોજનમાં વધારે પ્રોટીન ખાવાથી કિડની ખરાબ થાય છે.
ફેક્ટઃ સંતુલિત માત્રામાં પ્રોટીન જરૂરી છે. પરંતુ વધારે રેડ મીટ કિડની પર અસર કરી શકે છે.


