શરીરને સ્વસ્થ અને સુદ્રઢ રાખવું હોય તો જિમમાં જવું જરૂરી હોવાનું બહુમતી વર્ગનું માનવું છે, પરંતુ હકીકત એ છે કે ઊંચી ફી ભરીને રોજેરોજ જીમમાં જવા કરતાં નિયમિત કસરત કરો તો પણ તમે તન-મનના આરોગ્યને સ્વસ્થ રાખી શકો છો. તમે સમાજમાં આસપાસ નજર કરશો તો જણાશે કે આજે પણ ઘણાં લોકો એવાં છે જેઓ ક્યારેય કસરત કરતાં નથી છતાં તેઓ તંદુરસ્ત જીવન જીવે છે, દીર્ઘાયુ ભોગવે છે. આ બાબત જરૂર તમને નવાઈ પમાડતી હશે, પણ હકીકત છે. જિમમાં ગયા વિના ફિઝિકલ ફિટનેસ કેવી રીતે જાળવી રાખવી તેની કેટલીક રીતો અહીં રજૂ કરી છે. આ અસરકારક ટિપ્સ અને વ્યૂહરચનાથી તન જ નહીં, મન પણ ચુસ્ત અને દુરસ્ત રહેશે.
• સ્વસ્થ આહાર
સંતુલિત, પૌષ્ટિક આહાર તો સ્વસ્થ તન અને મનની ચાવી છે. ફળો, શાકભાજી, ઓછા પ્રોટીન અને આખા અનાજને ભોજનમાં પ્રાધાન્ય આપો. આટલું જ નહીં, મર્યાદિત પ્રોસેસ્ડ ફૂડ્સ, ખાંડ ધરાવતા નાસ્તા અને બિનઆરોગ્યપ્રદ ચરબીયુક્ત ખોરાકને મર્યાદિત કરો. અથવા તો આવા ખોરાક ખાવાનું જ ટાળો. આ સાથે તમારા શરીરની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ ભોજન નિયંત્રિત કરો અને કાળજીપૂર્વક ખાવાનો અભ્યાસ કરો.
• હાઈડ્રેટ રહો
આરોગ્ય અને ફિટનેસ માટે પર્યાપ્ત પાણી શરીરને આવશ્યક છે. આથી સારા એવા પ્રમાણમાં શરીરને હાઈડ્રેટ રાખો. પૂરતું પાણી પીઓ. પાણી તો શરીરના ઉષ્ણતામાનને નિયમિત રાખે છે. આટલું જ નહીં, પણ શરીરના સાંધા અને સ્નાયુઓને પણ સારા રાખે છે. સદાબહાર સ્વસ્થ રહેવા માટે દરરોજ આઠ ગ્લાસ પાણી પીઓ. પાણી શરીરના ઉષ્ણતામાનને તો નિયંત્રિત રાખે જ છે. સાથે સાથે જ શરીરના સાંધા અને સ્નાયુઓને પણ સારા રાખે છે. આ ઉપરાંત પાણી પાચન તંત્રને વધુ સ્વસ્થ રાખે છે. સારા અને સ્વસ્થ રહેવા માટે દરરોજ આઠ ગ્લાસ પાણી જરૂરથી પીવો.
• સક્રિય આદતો કેળવો
પરંપરાગત અર્થમાં વ્યાયામ ન કરતી વખતે તમારી દિનચર્યામાં સક્રિય આદતોનો સમાવેશ કરવાથી ફિટ રહેવામાં યોગદાન મળી રહે છે. સક્રિય આદત એટલે કેવી આદત? જેમ કે, તમે ઘરમાં કે અન્યત્ર ક્યાંય પણ પહેલા કે બીજા માળે જવા લિફ્ટ વાપરવાને બદલે દાદરા ચડીને ઉપરના માળે પહોંચો. આ જ રીતે પગપાળાં જ નીચે ઉતરો. નજીકના સ્થળે પહોંચવા માટે ચાલતા જવાની આદત રાખો. આ ઉપરાંત એવા ઘરકામમાં વ્યસ્ત રહો, જેમાં શારીરિક હલનચલનની જરૂર હોય. આ બધી પ્રવૃત્તિઓ તમારા શરીરને સદૈવ સક્રિય રાખવામાં અને કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.
• સ્ટ્રેસ મેનેજમેન્ટ
ક્રોનિક સ્ટ્રેસ - વધુ પડતો માનસિક તનાવ તમારી ફિટનેસ અને એકંદર સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. મેડિટેશન, પ્રાણાયમ, શ્વાસોચ્છશ્વાસની કસરતો અથવા તમને આનંદ હોય તેવા શોખમાં વ્યસ્ત રહેવા જેવા માનસિક તણાવ ઘટાડતા ઉપાયો અજમાવો. સ્ટ્રેસ લેવલને મેનેજ કરવાથી તમારી માનસિક અને ભાવનાત્મક સુખાકારીમાં સુધારો થાય છે. માનસિક તણાવને યોગ્ય રીતે અંકુશમાં રાખશો તો થોડાક જ દિવસમાં તમને તન અને મન પર તેની હકારાત્મક અસર જોવા મળશે.
• પૂરતી ઊંઘ
શારીરિક - માનસિક આરોગ્યની સમગ્રતયા સુખાકારીમાં પર્યાપ્ત ઉઘ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દર રાત્રિએ સાતથી નવ કલાકની ઊંઘ લેવાનો આગ્રહ રાખો. પર્યાપ્ત ઊંઘ તમારા એનર્જી લેવલમાં સુધારો તો કરશે જ છે, સાથોસાથ તે તમારી રોગપ્રતિકારક શક્તિમાં - ઇમ્યુનિટીમાં પણ સુધારો લાવે છે. જે તમારી ફિટનેસમાં મૂલ્યવાન યોગદાન આપે છે.
• એકધારું બેસવાનું ટાળો
કોઇ પણ એક જ સ્થળે લાંબો સમય બેસી રહેવું એ શારીરિક સ્વાસ્થ્ય માટે બહુ જ નુકસાનકારક છે. ભલે કોઇ કામ માટે લાંબો સમય બેસી રહેવું પડતું હોય, પણ વચ્ચે થોડા થોડા સમયના અંતરે ઉભા તો થઇ શકાય ને? એક જ સ્થળે લાંબો સમય બેસી રહેવાથી તમારા આરોગ્ય પર વિપરિત અસર પડી શકે છે. દર કલાકે તમે થોડી મિનિટો ઊભો રહેવાનું અને ચાલવાનું રાખો. પછી ભલેને એ થોડી મિનિટો માટે જ કેમ ન હોય.