બાળકો ઘર અને આસપાસના સામાજિક વાતાવરણમાંથી ઘણું શીખે છે અને બાળપણમાં સાંભળેલી નાની-નાની વાતો પણ તેમના આત્મવિશ્વાસ, વિચારસરણી અને નિર્ણયો પર ઊંડી અસર કરે છે. જો બાળકોને શરૂઆતથી જ યોગ્ય આદતો શીખવવામાં આવે તો તેઓ ભાવનાત્મક રીતે મજબૂત બને છે અને પોતાની ભૂલોમાંથી પણ શીખે છે.
સામાન્ય જણાતા આ ગંભીર વિષય પર ‘13 થિંગ્સ સ્ટ્રોંગ કિડ્સ ડુ’ના લેખક અને ચિકિત્સક એમી મોરિન, હેડસ્પેસના ફેમિલી થેરાપિસ્ટ નવીન ખલ્ફાન અને અમેરિકાના પિટ્સબર્ગના મનોવિજ્ઞાની નતાલી બર્નસ્ટીને એવી સાત આદતોનું વર્ણન કર્યું છે, જે બાળકોને શીખવવી જોઈએ અને સમયાંતરે તેનું પુનરાવર્તન પણ કરવું જોઈએ.
બાળકોને માનસિક મજબૂત બનાવતી આદતો
1) હંમેશા મનના ‘સારા અવાજ’ને સાંભળો
થેરાપિસ્ટ મોરિન કહે છે કે, દરેક વ્યક્તિના મગજમાં બે અવાજ હોય છે. એક આપણને એવું કરવાનું કહે છે જે આપણને તાત્કાલિક આનંદ આપે છે અને બીજો આપણને સાચો રસ્તો બતાવે છે. બાળકોએ નક્કી કરવાનું છે કે કોનું સાંભળવું. આ પાઠ તેમનો આત્મવિશ્વાસ વધારે છે. તેમને શીખવે છે, કે દરેક વ્યક્તિને ક્યારેક ખોટું કરવાનું મન થાય છે, પરંતુ સાચું પસંદ કરવું એ સમજદારીભર્યું છે.
2) મદદ માગતા ક્યારેય ખચકાશો નહીં
બાળકોને એ શીખવવું જરૂરી છે કે, તેમને બધું એકલા સમજવાની કે સંભાળવાની જરૂર નથી. જરૂર પડ્યે તેઓ મદદ લઈ શકે છે. થેરાપિસ્ટ નવીન ખલ્ફાન કહે છે કે, મદદ માગવાથી આપણે નબળા છીએ એવી લાગણી થઈ શકે છે, પરંતુ ખરેખર તો પોતાની નબળાઈનો સ્વીકાર જ તાકાત છે.
3) બધાને ખુશ કરવા જરૂરી નથી
બાળકો જેમ-જેમ મોટા થાય છે, તેમ-તેમ તેઓ બીજાને ખુશ કરવાની આદત શીખે છે. જો તેઓ સતત બીજાની અપેક્ષાઓમાં ફિટ થવાનો પ્રયાસ કરે છે તો તે પોતાની સાચી ઓળખ ગુમાવી શકે છે. આથી, તેમને હંમેશા શીખવો કે દરેકને ખુશ કરવું જરૂરી કરવું જરૂરી નથી; તેમણે પોતાને જેવા છે તેવા સ્વીકારવા જોઈએ.
4) પોતાની સીમા નક્કી કરવાનું શીખવો
બાળકોને એ શીખવવું જરૂરી છે કે, તેમના શરીર પર તેમનો સંપૂર્ણ અધિકાર છે. કોની સાથે હાથ મિલાવવો અને કોનાથી દૂર રહેવું એ તેમણે પોતે જ નક્કી કરવું જોઈએ. થેરાપિસ્ટ ખલ્ફાનના મતે, સામાન્ય જણાતી આ બાબત બાળકોને પોતાની સીમાઓ સમજવામાં કઈ પરિસ્થિતિઓ તેમના માટે સલામત છે તે ઓળખવામાં મદદ કરે છે. આગળ જતાં જીવનમાં અયોગ્ય વ્યવહારને ઓળખી શકે છે અને પોતાનું રક્ષણ કરી શકે છે.
5) ભૂલો પણ શીખવાનો જ ભાગ છે
ભૂલો કરવી એ શીખવાનો એક આવશ્યક ભાગ છે. આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં પહેલી વાર બધું સારી રીતે કરવાનું દબાણ હોય છે. કોઈપણ કાર્ય પહેલી વારમાં સંપૂર્ણ રીતે સાચું થતું નથી. જેમકે, બાળક ચાલવાનું શીખે છે, ત્યારે તે ઘણી વાર પડી જાય છે અને ઠોકર ખાય છે અને ધીમે-ધીમે ચાલવાનું શીખે છે. તેથી, બાળકોને ભૂલોથી ડરવાનું નહીં, પણ તેમાંથી શીખવાનું અને આગળ વધવાનું શીખવો.
6) ભાવનાઓને ઓળખતાં શીખવો
મનોવૈજ્ઞાનિક બર્નસ્ટેઈન કહે છે કે, બાળકોને નાનપણથી જ તેમની લાગણીઓને ઓળખવાનું શીખવવું જોઈએ. આનાથી તેઓ નિરાશા, શરમ અથવા અસ્વીકાર જેવી લાગણીઓને વધુ સારી રીતે સંભાળી શકે છે અને તેમાં ફસાઈ જવાનું ટાળે છે. તેઓ જો એ શીખી લેશે કે પોતે શું અનુભવી રહ્યા છે તો એ સ્થિતિનો કેવી રીતે સામનો કરવો તેના વિશે પણ તેઓ જાણતા થઇ જશે.
7) પ્રેમ તમારી સાથે, તમારા કામ સાથે નહીં
એ બાળકોને લાગે છે કે, તેમના માતા-પિતા તેમને માત્ર અભ્યાસ, સ્પોર્ટ્સ કે અન્ય ગતિવિધિમાં સારા દેખાવને કારણે પસંદ કરે છે. બાળકોને એ સમજાવવું અત્યંત જરૂરી છે કે, માતા-પિતા તેમને એટલા માટે પ્રેમ કરે છે, કેમકે તેઓ તેમને પસંદ કરે છે. આ શીખ પરફેક્શનિઝમ અને ચિંતા ઘટાડે છે.


