હવે ૩૦-૪૦ની યુવા વયે ભૂલવાની બીમારી, મહિલાઓને સતર્ક રહેવાની વિશેષ જરૂર

Wednesday 16th February 2022 06:02 EST
 
 

વોશિંગ્ટનઃ ૮૦ વર્ષના વૃદ્ધ ક્યારેક ગમતા સ્ટોરનો સૌથી સરળ રસ્તો ભૂલી જાય છે, કે તેમને દોસ્તનાં નામ યાદી નથી રહેતાં કે પછી કારમાં થયેલી ઈજાની વાત મગજમાંથી નીકળી જાય છે. જો આમ થાય તો ખાસ ચિંતાની વાત નથી કારણ કે ઉંમર વધવાની સાથે મગજની કુશળતા ઘટતી જાય છે પરંતુ કોઈ ૩૦, ૪૦ કે ૫૦ની ઉંમરમાં પોતાના જ ઘરનો રસ્તો ભૂલી જાય છે તો આ ગંભીર ચિંતાનો વિષય છે. અમેરિકા સહિત દુનિયાભરમાં આ સમસ્યા ઝડપથી વકરી રહી છે. એક અહેવાલ પ્રમાણે, ૬૫ વર્ષથી વધુ ઉંમરના લગભગ ૫૩ લાખ ડિમેન્શિયા (ભૂલવાની બીમારી)ની સાથે જીવી રહ્યા છે. ૬૫ વર્ષથી ઓછી ઉંમરવાળા ૨ લાખથી વધુ છે. દુનિયામાં આવા લોકો ૫.૭ કરોડ છે.
અમેરિકન મેડિકલ એસોસિયેશનના જર્નલમાં જણાવાયું છે કે ૧ લાખ લોકોમાંથી ૧૧૯ ડિમેન્શિયાગ્રસ્ત મળી આવે છે. મેયો ક્લિનિકના ન્યૂરોલોજિસ્ટ ડો. ડેવિડ નોપમેન કહે છે કે ઓછી ઉંમરમાં ડિમેન્શિયા નિરાશાજનક ટ્રેન્ડ છે, તે જીવનનાં મહત્ત્વનાં વર્ષોને પ્રભાવિત કરે છે. ચિંતા એ છે કે તેમાં ૪૦-૫૦ વય જૂથના લોકો વધુ છે, જે મિડ કરિયરમાં છે, નિવૃત્તિથી દૂર છે અને એક પરિવારની જવાબદારી તેમના પર છે. ડો. નોપમેન કહે છે કે, યુવાઓમાં આ ફરિયાદ સામાન્ય છે. એ જાણવું મુશ્કેલ છે કે આનું કારણ ચિંતા, તણાવ, હતાશા કે પછી વધતી ઉંમર છે, પરંતુ ૫૦ની પહેલાં ડિમેન્શિયાનું મોટું કારણ અલ્ઝાઇમર છે. આ બીમારીનો એક પ્રકાર વાસ્ક્યુર ડિમેન્શિયા તરીકે ઓળખાય છે. યાદ રાખવામાં તકલીફ, ભ્રમ, ફોકસમાં પરેશાની અને ધીમી વિચારપ્રક્રિયા તેનાં લક્ષણ છે. મગજમાં લોહી પહોંચાડનારી વેસલ્સમાં અડચણથી આવું થાય છે. તો અન્ય પ્રકાર ફ્રન્ટ ટેમ્પોરલ ડિમેન્શિયા છે, તેમાં માથા કે કાનની વચ્ચેનો હિસ્સો સંકોચાઈ જાય છે. તેનાથી વ્યક્તિત્વમાં પરિવર્તન, આવેશભર્યો વ્યવહાર અને ભાવનાત્મક ઉદાસીનતા આવે છે. વ્યવહારમાં આવા ફેરફાર જોવા મળે તો સતર્ક થઈ જાઓ.
ડો. નોપમેનના મતે નાન વયે થનારા ડિમેન્શિયાની યોગ્ય ઓળખ અને સારવાર મુશ્કેલ તથા સમય માંગનારી હોઈ શકે છે. ન્યૂરોલોજિકલ ટેસ્ટ, સ્મરણશક્તિ અને ભાષાની સમસ્યાના માધ્યમથી તેની ભાળ મેળવી શકાય છે. એમઆરઆઇ મગજમાં સંકોચાતો હિસ્સો દર્શાવી શકે છે. પીઇટી સ્કેન મગજના વિભિન્ન ભાગોમાં શુગરની અસામાન્ય પેટર્નને છતી કરી શકે છે.
મહિલાઓને બમણું જોખમ
મેડિકલ જર્નલ ‘લાન્સેટ’ના તાજેતરના રિપોર્ટ મુજબ, ૨૦૫૦ સુધી ડિમેન્શિયાથી પ્રભાવિત લોકોની સંખ્યા ત્રણ ગણી વધીને ૧૫.૨ કરોડ થઈ જશે. આમાં મહિલાઓની સંખ્યા વિશેષ રહેવાની આશંકા વધુ છે. દર પાંચ વર્ષમાં મહિલાઓ પર જોખમ બમણું વધી જાય છે. વિશેષજ્ઞોનું માનવું છે કે નિયમિત વર્કઆઉટ, પોષણક્ષમ ભોજન, ધૂમ્રપાન રોકવું, ડાયાબિટીસ, હાઇ બીપી તથા હતાશા પર અંકુશ આ સ્થિતિને રોકી શકે છે. સારી ઊંઘ પણ આનો અસરકારક ઉપાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter