હસે તેનું ઘર વસે અને રોગ જરૂર નાસે

શ્વાસોચ્છવાસની COPD સમસ્યા

Saturday 26th September 2026 09:10 EDT
 
 

તમે કહેવત તો સાંભળી જ હશે કે ‘હસે તેનું ઘર વસે’. આમાં જરા પણ અતિશયોક્તિ નથી. હસવામાં કોઈ પૈસો ખર્ચાતો નથી અને લાભ ભરપૂર મળે છે. યુકેમાં ફેફસાંની ખરાબ પરિસ્થિતિ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD)થી પીડાતા લાખો લોકો માટે લાફ્ટર થેરાપી નવી આશા લઈને આવી છે. સારવારના આયોજનમાં લાફ્ટર થેરાપી સામેલ કરવાથી આવા દર્દીઓમાં શ્વાસોચ્છવાસની સમસ્યાઓ હળવી બની શકે છે તેમ નવા સંશોધનમાં જણાવાયું છે. અભ્યાસના સંશોધકોનું કહેવું છે કે, ‘સાદી, ઓછી ખર્ચાળ’ હાસ્ય સારવાર COPDથી પીડાતા લોકોને અપાતી પરંપરાગત શ્વાસોચ્છવાસની કસરતોની સમકક્ષ જ કાર્ય કરે છે. માત્ર યુકેમાં જ નિદાન કરાયું નથી તેવા 600,000 લોકો સહિત આશરે 1.7 મિલિયન લોકો COPDથી પીડાય છે.
તુર્કીએમાં અંકારા બિલ્કેન્ટ સિટી હોસ્પિટલમાં COPD નિદાન સાથે સારવાર મેળવી રહેલા 63 પેશન્ટનું મૂલ્યાંકન કરાયું હતું. સંશોધકોએ આ પેશન્ટ્સના ત્રીજા ભાગને લાફ્ટર થેરાપી સેશન્સમાં સાંકળ્યા હતા અને સપ્તાહમાં ત્રણ વખત 30 મિનિટ્સના સેશન્સ આઠ સપ્તાહના સમયગાળા સુધી લેવાયા હતા. બાકીના પેશન્ટ્સને બીડેલા હોઠ મારફત શ્વોસોચ્છવાસની સામાન્ય કસરત કરાવાઈ હતી કે કોઈ સારવાર અપાઈ ન હતી. આ કસરતો કે થેરાપી અગાઉ, દરમિયાન અને પછીથી તેમના શ્વાસોચ્છવાસની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
પરિણામોએ દર્શાવ્યું હતું કે જે ગ્રૂપને કોઈ સારવાર અપાઈ ન હતી તેની સરખામણીએ લાફ્ટર થેરાપી અને બીડેલા હોઠની કસરતો સાથેના દર્દીઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. અંકારામાં હેસેટ્ટેપે યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ નર્સિંગમાં લેક્ચરર અને નર્સ ડો. ગોન્કાગુલ આલ્ડેનના જણાવ્યા અનુસાર ‘COPDથી પીડાતા લોકો રોજિંદી સામાન્ય પ્રવ઼ત્તિઓ કરવામાં પણ હાંફી જાય છે. આનાથી તેમના જીવનની ગુણવત્તા ઘટે છે અને અન્યો પર આધારિત રહેવું પડે છે. આ રોગની શારીરિક તકલીફ ઉપરાંત, માનસિક અને સંવેદનાત્મક અસરોનો પણ સામનો કરવો પડે છે. તેમને માત્ર દવાઓ ઉપરાંત, યોગ્ય અભિગમની જરૂર પડે છે. લાફ્ટર થેરાપીએ અન્ય ક્રોનિક કંડિશન્સમાં પણ લાભકારી પરિણામો દર્શાવ્યાં છે. તેની સુલભતા અને માણી શકાય તેવી સ્થિતિના કારણે COPD પેશન્ટ્સને પણ જૂની બીમારી સાથે રહેવાના રોજિંદા તણાવનો સામનો કરવામાં તેમજ શ્વસન આરોગ્યનો લાભ કરાવી શકે છે.’

ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD)ના મુખ્ય લક્ષણોઃ

• શ્વાસ લેવામાં હાંફી જવું, ખાસ કરીને પ્રવૃત્તિ કરતી વેળા • છાતીમાં સતત કફ બોલવો (જેને મોટા ભાગના લોકો સ્મોકર્સ કફ કહીને નકારી કાઢે છે) • છાતીમાં વારંવાર ચેપ લાગવો • છાતીમાં સતત ઘરઘરાટી બોલવી

COPDમાં શ્વાસ બહાર કાઢતી વખતે એરવેઝ કોલેપ્સ થઈ જાય છે જેના કારણે ખરાબ હવા ફેફસાંમાં જ ફસાઈ રહે છે. લાફ્ટર થેરાપીથી શ્વાસના સ્નાયુઓને કસરત મળે છે, અંદર રહેલી હવા બહાર નીકળવામાં મદદ મળે છે અને એન્ડોર્ફિન્સ હોર્મોન્સ રીલિઝ થવામાં ઉત્તેજન મળવાથી શારીરિક અને સંવેદનાત્મક રાહત થાય છે. જોકે, ખડખડાટ હાસ્ય COPDના લક્ષણો પર કેવી રીતે અસર કરે છે તે સમજવા વધુ અભ્યાસો કરવા આવશ્યક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter