ન્યૂ યોર્કઃ તાજેતરમાં થયેલો એક અભ્યાસ કહે છે કે, હાથ વડે જમવાથી ભોજન વધુ સ્વાદિષ્ટ લાગે છે. અલબત્ત, ભોજન સ્વાદિષ્ટ લાગવાને કારણે જરૂરત કરતાં વધુ જમાય જાય છે એ એક જોખમ ખરું. ભોજનને આંગળી અડે એટલે સ્પર્શથી સંદેશો મગજને પહોંચે તેથી કોળિયો મોં સુધી પહોંચે ત્યાં સુધીમાં તો મગજને જાણ થઈ જાય છે કે ભોજન સ્વાદિષ્ટ છે! ન્યૂ યોર્કની સ્ટિવન્સ યુનિર્સિટીએ ૪૫ વોલિયેન્ટરોને ચીઝના ટુકડાને હાથમાં પકડીને ખાતા પહેલાં તેને જોવા કહ્યું હતું. અભ્યાસ હેઠળના લોકોમાંથી અડધાએ ચીઝને કોકટેઇલ સ્ટિકથી ખાધો હતો, તો અડધાએ તેને આંગળીથી પકડીને ખાધો હતો. આ અભ્યાસમાં ભાગ લેનારાઓમાં જેમને પોતાના આહાર પર સ્વનિયંત્રણ હતું, તેઓને ચીઝ વધુ સ્વાદિષ્ટ લાગ્યું હતું, પરંતુ કેટલું ખાવું તેના પર જેમનું નિયંત્રણ ન હતું, તેવા લોકોને ચીઝના સ્વાદમાં ખાસ ફરક જણાયો ન હતો.
બીજા પ્રયોગમાં ૧૪૫ અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના એક જૂથને ફિટ અને સ્વસ્થ રહેવા માટે પોતાના આહાર માટે સાવચેત હોવાની કલ્પના કરવા જણાવ્યું હતું. જ્યારે બીજા જૂથને પોતાના વજનની ચિંતા કર્યા વિના ભોજન લેવા માટે કહેવાયું હતું. દરેકને ચાર ડોનટ્સ સાથે એક કપ આપવામાં આવ્યો હતો. એક જૂથને કોકટેઈલ સ્ટીક આપી હતી, જ્યારે બીજા જૂથને નહીં. પહેલાં પ્રયોગમાં જેમને આહાર ઉપર પોતાનું નિયંત્રણ હતું અને હાથથી આહાર લેતા હતા, તેઓને આહાર સ્વાદિષ્ટ લાગ્યો હતો, જ્યારે જેઓ ધારે એટલું ખાતા હતા અને સ્ટિકનો ઉપયોગ કરતા હતા, તેમને આહાર ખાસ સ્વાદિષ્ટ લાગ્યો ન હતો!