હિન્દુ અને જૈન સમુદાય માટે ઓર્ગન ડોનેશન વર્કશોપનું આયોજન

Wednesday 28th November 2018 01:45 EST
 
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં હિન્દુ અને જૈન સમુદાયને ઓર્ગન ડોનેશન માટે ‘ઓપ્ટ આઉટ’ સિસ્ટમથી માહિતગાર કરવા લોર્ડ જિતેશ ગઢિયા અને NHSબ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT) દ્વારા બીજી નવેમ્બર, ૨૦૧૮ના રોજ સંયુક્તપણે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં ૩૦ હિન્દુ અને જૈન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હિન્દુ અને જૈન ઓર્ગન ડોનર્સ વધારવા પર ભાર મૂકાયો હતો. ઓર્ગન ડોનેશન માટે નવો કાયદો ૨૦૧૯ના સ્પ્રિંગ સુધીમાં ઘડાઈ જશે અને એપ્રિલ ૨૦૨૦થી અમલી બનશે. નવી વ્યવસ્થામાં નિર્ણયપ્રક્રિયામાં પણ નિકટના પરિવારજનો સંકળાયેલા રહેશે. NHSBTના જ્હોન ફોરસાઈથે સહુનું સ્વાગત કર્યું હતું.

લોર્ડ જિતેશ ગઢિયાએ જણાવ્યું હતું કે પાર્લામેન્ટમાં ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૮ની મીટિંગ પછી આ કાર્યક્રમમાં લોકોની હાજરીથી તેઓ ખુશ છે. તેઓ હાઉસ ઓફ લોર્ડ્સમાં બિલને સક્રિય ટેકો આપશે. તેમણે હિન્દુ અને જૈન સમુદાયોને મહત્ત્વના સંદેશા પહોંચાડવા કોમ્યુનિકેશન સ્ટ્રેટેજીને યોગ્ય ભંડોળ મળે તેમજ ઓર્ગન ડોનેશન અંગે વંશીયતા અને ધર્મ આધારિત સુધારાયેલા ડેટાની આપણને જરુર હોવા વિશે પણ કહ્યું હતું.

NHSBTના આન્દ્રેઆ ટોફાએ કહ્યું હતું કે સરકારે NHSબ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટને ઓર્ગન ડોનર રજિસ્ટરમાં નવી બાબત સામેલ કરવા જણાવ્યું છે જેથી અંગદાતા તરીકે નોંધણી કરાવતા લોકો અંગદાન તેમના ધર્મ કે માન્યતામાં કેવી રીતે બંધ બેસે છે તે વિશે તેમના પરિવાર કે અન્યો સાથે વાતચીત કરી શકે કે નહિ, તેની નોંધ રજિસ્ટ્રેશન રેકોર્ડ પર જણાવી શકે. ટોફાએ કોમ્યુનિકેશન્સ કેમ્પેઈન વિકસાવવા અંગે પણ સમજ આપી હતી. BAME કોમ્યુનિટીઓમાં ‘હું જેમને પ્રેમ કરું છું તેમને કોઈ દિવસ ટ્રાન્સપ્લાન્ટની જરુર પડી શકે’ તે મુદ્દો સૌથી વધુ પ્રેરણાદાયી હોવાનું પણ તેમણે કહ્યું હતું.

કીરિટ મોદીએ ઓર્ગન ડોનેશન અંગે ચાવીરુપ આંકડા રજૂ કર્યા હતા. અંગદાતા બનીને તમે નવ લોકોને મદદ કરી શકો છો કારણકે ગત વર્ષે ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોતા મોતનો શિકાર બનેલામાં ૨૦ ટકા અશ્વેત, એશિયન અથવા વંશીય લઘુમતી મૂળના હતા. બે ચર્ચાજૂથની રચના કરવામાં આવી હતી, જેમાં હિન્દુ ગ્રૂપનું અધ્યક્ષસ્થાન ડો. નીલ સોનેજીએ સંભાળ્યું હતું અને પ્રમોદ ઠક્કરે ચર્ચા-આયોજનની નોંધ કરી હતી. જૈન ગ્રૂપનું અધ્યક્ષસ્થાન મનહરભાઈ મહેતાએ સંભાળ્યું હતું અને મીના મોદીએ ચર્ચા-આયોજનની નોંધ કરી હતી. મીરાબહેન ઠક્કરે હિન્દુ ગ્રૂપ તરફથી અને જૈન ગ્રૂપ તરફથી મીના મોદીએ ફીડબેકની રજૂઆત કરી હતી. હિન્દુ વિચાર દર્શાવતા ત્રણ વિડિયો તેમજ લીફલેટ્સ તૈયાર કરાશે. વીડિયો માટે ભંડોળની જવાબદારી ડો. નીલ સોનેજી અને લીફલેટ્સનું કામકાજ લેસ્ટરના જલારામ મંદિરના પ્રમોદ ઠક્કર સંભાળશે.

રમેશભાઈ ઓઝા, દેવ પટેલ, સંજીવ ભાસ્કર, જય શેટ્ટી, પ્રણબ ભારોટ, રશ્મિકાંત જોશી, જિતેશ ગઢિયા તેમજ અન્ય રાજકારણીઓ સહિત ધાર્મિક અને હિન્દુ સમુદાયના અગ્રણીઓ મહત્ત્વની કામગીરીઓસંભાળશે. વધુ કાર્યવાહીના આયોજન અર્થે મનહરભાઈ મહેતા, નિલેશ શાહ, ધીરુભાઈ ઘેલાણી, નેમુભાઈ ચંદેરિઆ, વિજય શેઠ, મીના મોદી તેમજ મહાવીર ફાઉન્ડેશન, લેસ્ટર જૈન સમાજ, માન્ચેસ્ટર જૈનસમાજના પ્રતિનિધિઓનું બનેલું જૂથ ડિસેમ્બરના આરંભે મળશે.

ભાવિ રણનીતિ અને કાર્યવાહી આયોજન માટે હિન્દુ અને જૈન ઓર્ગન ડોનેશન સ્ટીઅરિંગ ગ્રૂપની રચનના પણ નિર્ણય લેવાયો હતો, જેમાં કીરિટ મોદી (અધ્યક્ષ- [email protected]), પ્રમોદ ઠક્કર, કીરિટ મિસ્ત્રી, જય પટેલ, મનહરભાઈ મહેતા સત્ય શર્મા, અક્ષય રાજંગમ અને ભારતી ભીખા ઉપરાંત, BAPS નીસડન હિન્દુ મંદિર અને ઓશવાલ એસોસિયેશનના પ્રતિનિધિનો સમાવેશ કરાશે. પાર્લામેન્ટમાં ૧૨ સપ્ટેમ્બરની મીટિંગમાં ઉપસ્થિત તમામને આ ગ્રૂપમાં સામેલ થવા આમંત્રિત કરાશે. સંયુક્ત યાદી તૈયાર કરી શકાય તે માટે દરેકે પોતાના નામ અને સંપર્કની વિગતો લોર્ડ ગઢિયાના આસિસ્ટન્ટ અર્જુન ગઢવીને પૂરી પાડવા સહમતિ દર્શાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter