હીટવેવથી આ ચાર ગંભીર સમસ્યા થઇ શકે છે

Wednesday 29th July 2026 09:33 EDT
 
 

આ વર્ષે આકાશ આકરી ગરમી વરસાવી રહ્યું છે. અતિશય ગરમી અને હીટવેવ માત્ર અસ્વસ્થતા જ નહીં પરંતુ શરીર માટે ગંભીર ખતરો પણ ઉભો કરી શકે છે. તીવ્ર ગરમીમાં લાંબા સમય સુધી રહેવાથી ડિહાઈડ્રેશન, હીટસ્ટ્રોક, કિડનીને નુકસાન અને શ્વસન સમસ્યાઓનું જોખમ વધે છે. શરીર પરસેવા દ્વારા જ્યારે પોતાને ઠંડુ કરવામાં અસમર્થ હોય છે, ત્યારે શરીરનું તાપમાન ઝડપથી વધે છે. આવી પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ અવયવોને અસર થઈ શકે છે.

ત્વચાથી લઇને કિડની અને મગજ સુધી અસર

1) હીટ ક્રેમ્પ્સ

સ્નાયુમાં ખેંચાણ અથવા દુ:ખાવો થવો થવો. હીટ ક્રેમ્પસ એટલે કે ગરમીને કારણે સ્નાયુઓમાં થતું પીડાદાયક ખેંચાણ, અતિશય ગરમીમાં વધુ પડતો પરસેવો શરીરમાં પાણી અને જરૂરી મિનરલ્સ જેમ કે સોડિયમ અને પોટેશિયમ જેવા આવશ્યક તત્વોની ઉણપ પેદા થાય છે. જેના કારણે પગ, હાથ, પેટ અથવા ખભાના સ્નાયુઓમાં અચાનક ખેંચાણ અને દુઃખાવો અનુભવાય છે. આવી સ્થિતિમાં, તાત્કાલિક છાંયડો અથવા ઠંડી જગ્યા શોધો.

2) હીટ રેશઃ ત્વચા પર લાલ દાણા અને બળતરા 

હીટ રેશ અથવા ફોલ્લીઓ ગરમી અને ભેજવાળી સ્થિતિમાં વધુ પડતા પરસેવાને કારણે થાય છે. પરસેવો જ્યારે ત્વચામાં ફસાઈ જાય છે અને પરસેવાની ગ્રંથીઓ બ્લોક થઈ જાય છે, ત્યારે તે લાલ દાણા, ખંજવાળ, બળતરા અને કંઈક ખૂંચતુ હોવાનો અહેસાસ થાય છે. તે ડોક, પીઠ, બગલ અને જાંઘ પર વિશેષ જોવા મળે છે. નાના બાળકો અને વૃદ્ધોને વધુ જોખમ હોય છે.

3) હીટ એગ્ઝોશનઃ જરૂર કરતાં શરીર વધુ ગરમ થવું
હીટ એગ્ઝોશન એટલે શરીરનું વધુ ગરમ થઈ જવું. તેમાં વધુ પરસેવો થવો, નબળાઈ, ચક્કર, માથાનો દુખાવો, ઉબકા, સ્નાયુઓમાં ખેંચાણ અને ધબકારા વધી જવા જેવી તકલીફોનો સમાવેશ થાય છે. જો શરીરને સમયસર આરામ અને પૂરતું પાણી આપવામાં ન આવે, તો તે હીટસ્ટ્રોક જેવી જીવલેણ સ્થિતિ તરફ દોરી શકે છે. તાત્કાલિક ઠંડી જગ્યાએ જાઓ અને તમારા શરીરને ઠંડુ રાખો.

4) હીટ સ્ટ્રોક: ખૂબ તાવ અને નબળાઈ અનુભવવી
હીટસ્ટ્રોક એટલે કે, શરીરનું તાપમાન ખૂબ વધી જવું અને શરીરનું પોતાને ઠંડુ ન પાડી શકવું. શરીરનું તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ સુધી પહોંચી શકે છે. લક્ષણોમાં તાવ, નબળાઇ, ઝડપી ધબકારા, ઉલટી, બેભાન થવું વગેરે લક્ષણોનો સમાવેશ થાય છે. યાદ રાખો કે જો તાત્કાલિક સારવાર ન કરાય તો મગજ, હૃદય અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter