આખી દુનિયામાં થતાં મૃત્યુના મોટા કારણોમાંથી હૃદયરોગ પણ એક છે. જોકે, જ્હોન્સ હોપકિન્સ મેડિકલ સ્કૂલના કાર્ડિયોલોજિસ્ટ ડો. રોજર બ્લુમેન્થલ જણાવે છે કે, જો યોગ્ય કાળજી લેવામાં આવે તો 80 ટકા હૃદય રોગ અટકાવી શકાય છે. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી અને અમેરિકન હાર્ટ એસોસિએશન સહિત 13 તબીબી સંસ્થાઓની નવા માર્ગદર્શિકા અનુસાર કોલેસ્ટ્રોલ પરીક્ષણ અને નિયંત્રણ હવે અગાઉ કરતાં વહેલાં શરૂ કરવું જોઈએ. ચાલો સમજીએ કે, આપણે કઈ ઉમરે પરીક્ષણ શરૂ કરી દેવું જોઈએ અને લો-ડેન્સિટી લિપોપ્રોટીન (LDL) એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર કેટલું હોવું જોઈએ.
કોલેસ્ટ્રોલ પરીક્ષણ ક્યારે કરાવવું
માર્ગદર્શિકા અનુસાર બદલાતી જીવનશૈલીને કારણે કોલેસ્ટ્રોલ પરીક્ષણ 10 વર્ષની ઉમરે શરૂ થવું જોઈએ.
LDL અને HDL કોલેસ્ટ્રોલ
LDL (લો-ડેન્સિટી લિપોપ્રોટીન) ખરાબ જ્યારે HDL(હાઇ-ડેન્સિટી લિપોપ્રોટીન) સારું કોલેસ્ટ્રોલ છે. લોહીમાં LDLના ઉચ્ચ સ્તરથી રક્તવાહિનીઓમાં બ્લોકેજ બને છે અને હૃદય પર દબાણ વધે છે. આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે સ્વસ્થ આહાર, કસરત અને સ્વસ્થ જીવનશૈલી ખૂબ જ જરૂરી છે. ફક્ત પૂરક દવાઓ પર આધાર રાખશો નહીં. તમારી જીવનશૈલી સુધારશો તો ઘણા અંશે કોલેસ્ટ્રોલને અંકુશમાં રાખી શકશો.


