આપણે આજકાલ યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુના સમાચાર અવારનવાર સાંભળતા રહીએ છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક તારણ અનુસાર, ભારતમાં થતા કુલ મૃત્યુમાંથી 27 ટકા મૃત્યુ હૃદયરોગને કારણે થઈ રહ્યાં છે. તેના માટે આજુબાજુનું વાતાવરણ, જેનેટિક્સ અને જીવનશૈલી સંબંધિત બાબતો પણ જવાબદાર હોઈ શકે છે. અલબત્ત, કેટલીક સાવધાની રાખવામાં આવે તો આ બીમારીથી ઘણી હદ સુધી બચી શકાય છે. જેમ કે, નિયમિત પૂરતી ઊંઘ, સંતુલિત ભોજન અને ધ્રુમપાન તથા નશાથી દૂર રહીને તમે આરોગ્યનું જતન કરી શકો છો. સાથે સાથે જ તમે અહીં જણાવેલી ત્રણ બાબતો પર વિશેષ ધ્યાન આપો તો હૃદયરોગના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. આવો, આપણે આ અંગે વિગતવાર જાણકારી મેળવીએ.
1) દરરોજ 50 પગથિયા ચઢોઃ હૃદયરોગનું જોખમ 20 ટકા સુધી ઓછું
કસરત હૃદયની તંદુરસ્તી માટે અત્યંત ફાયદાકારક છે. તે બ્લડપ્રેશરને સંતુલિત રાખે છે, સ્ટ્રેસ હોર્મોન ઘટાડે છે, માંસપેશીઓને લોહીમાંથી ઓક્સિજન ગ્રહણ કરવામાં મદદ કરે છે. જો તમે કસરત કરી શકતા નથી તો દરરોજ 50 પગથિયાં ચઢો અને ઉતરો. અમેરિકાની તુલેન યુનિવર્સિટીના એક રિસર્ચ અનુસાર જો તમે રોજ 50 પગથિયાંની ચઢ-ઉતર કરો છો તો તેનાથી હૃદયરોગનું જોખમ 20 ટકા સુધી ઘટે છે.
2) ડાયેટમાંથી અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ઘટાડોઃ ભોજનમાં 10 ટકા હિસ્સો તો જોખમ 6 ટકા વધુ
ભોજનમાં એવા રેડી ટુ ઈટ ઉત્પાદન ટાળો કે જેમાં અનેક પ્રકારની ફ્લેવર પ્રિઝર્વેટિવની સાથે તેમનો રંગ-સ્વાદ તેમજ તેને તાજા રાખવા માટે કેમિકલનું મિશ્રણ કરાય છે. તેને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ કહે છે. યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીના અનુસાર જો રોજના ભોજનમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનો હિસ્સો 10 ટકા છે તો તમને હૃદયરોગનું જોખમ 6 ટકા વધુ રહેશે. આ જ સરેરાશમાં જોખમ વધતું જાય છે. આથી જ ભોજનમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું પ્રમાણ ઘટાડવું જોઇએ.
3) દાંત અને પેઢાં સ્વસ્થ રાખોઃ તેનાથી પણ હૃદયને જોખમ
દાંત અને પેઢાંનું તંદુરસ્ત હોવું સારા સ્મિતની સાથે હૃદયની તંદુરસ્તી માટે પણ એટલું જ જરૂરી છે. નિષ્ણાતો કહે છે કે દાંત અને પેઢાંને નુકસાન પહોંચાડતા બેક્ટેરિયા રક્તવાહિનીમાં થઈને સીધા હૃદય સુધી પહોંચીને સોજો પેદા કરી શકે છે, જેનાથી હૃદયરોગ થવાનું જોખમ વધી જાય છે. આથી જ હૃદયની સ્વસ્થતા માટે મોંની સ્વચ્છતા જરૂરી છે.