હૃદયરોગનું કારણ બની શકે છે ભાતનો વધુ પડતો ઉપયોગ

Friday 17th December 2021 08:09 EST
 
 

સામાન્ય રીતે ચોખા અને તેમાંથી બનતી વાનગીઓને સ્વાસ્થ્ય માટે સારી અને હળવી માનવામાં આવે છે. બીમાર, વૃદ્ધ અને બાળકોને આ વાનગીઓનું સેવન વધુ કરવા જણાવાય છે જેથી પાચનમાં રાહત રહે. જોકે થોડાક સમય પહેલાં માન્ચેસ્ટર અને સલફોર્ડ યુનિર્વિસટીના સંશોધકોએ એક સ્ટડીમાં એવો દાવો કર્યો છે કે જે લોકો તેમના ભોજનમાં ભાતનો વધુ પડતો ઉપયોગ કરે છે તેમને હાર્ટ એટેક અને હાર્ટ ડિસીઝનો વધારે ખતરો રહેતો હોય છે. તે ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓએ તો ભાતનો ઓછો ઉપયોગ કરે તે જ યોગ્ય છે. નિષ્ણાતોનું કહેવું છે કે જે ઠેકાણે ખેડૂતો ડાંગરની વધારે ખેતી કરે છે તે જમીનમાં આર્સનિકનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. તે ઉપરાંત જો આવા વિસ્તારમાં પૂર આવે તો આર્સનિકનું પ્રમાણ અત્યંત વધી જતું હોય છે. આ આર્સનિક બીજા ટોક્સિન્સની સાથે મળીને આપણા શરીરમાં કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝનું કારણ બની શકે છે. જો નિયમિત રીતે ભાતનું સેવન કરનાર લોકો મેદસ્વી હોય અને તેમને ધૂમ્રપાનની આદત હોય તો હૃદયરોગની સંભાવના ઘણી વધી જાય છે. તેથી આવા લોકોને ભાતનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવાની સલાહ સંશોધકોએ આપી છે.
સંશોધકોનું કહેવું છે કે લોકોના મનમાં એક સવાલ ઊઠે છે કે આપણી જૂની પેઢી તો ઘણા લાંબા સમયથી ભાત ખાતી આવી છે તેમ છતાં પણ તેમનામાં કોઈ પણ પ્રકારનો રોગ જોવા મળતો નહોતો. સંશોધકોના જણાવ્યા અનુસાર જૂની પેઢીના લોકો ભાત ખૂબ ખાતા હતા, પરંતુ તેઓ શારીરિક શ્રમ પણ ખૂબ કરતા હતા અને તેથી જ તેઓ તંદુરસ્ત જીવન વિતાવી શકતા હતા. જ્યારે નવી પેઢીમાં શારીરિક શ્રમ અને કસરતનો અભાવ જોવા મળે છે તેને કારણે તેમને અનેક પ્રકારના રોગો થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter