હેલ્થ ટિપ્સઃ અનેક તકલીફોમાં અક્સીર અજમો અને જીરું

ભારતીય રસોડામાં જોવા મળતા અજમો અને જીરુ સ્વાસ્થ્યની સુખાકારી જાળવવા માટે બહુ ઉપયોગી છે. તો આવો, આજે આપણે જાણીએ તેના ઉપયોગ અંગે...

Saturday 11th April 2026 09:55 EDT
 
 

ભારતીય રસોડામાં જોવા મળતા અજમો અને જીરુ સ્વાસ્થ્યની સુખાકારી જાળવવા માટે બહુ ઉપયોગી છે. તો આવો, આજે આપણે જાણીએ તેના ઉપયોગ અંગે...  

• અજમોઃ અજમો એ રસોડામાં મળી આવે એવું એક ઉપયોગી ઔષધ છે. ગુવારના શાકમાં અને ચણાના લોટમાંથી બનતાં ઘણાં ફરસાણમાં અજમો વપરાય છે. સુવાદાણા અને વરિયાળી સાથે અજમો મેળવીને મુખવાસ બનાવી શકાય છે. જમ્યા બાદ આવો મુખવાસ લેવાથી ખોરાકનું પાચન થાય છે અને ગેસ, ગોળો કે પેટનો દુખાવો થતો નથી. પેટમાં ચૂંક આવતી હોય કે આફરો ચડયો હોય તો અજમો ફાકી જવાથી તરત રાહત થાય છે. શરદી કે કફ થયાં હોય તો હળદર-અજમાવાળું દૂધ પીવાની આપણે ત્યાં પ્રથા છે. પેટના દુખાવામાં અજમો, સુવા અને સંચળની ફાકી અક્સીર છે. માથાના દુખાવામાં વપરાતા મોટા ભાગના પેઈન બામમાં અજમાનો અર્ક નખાતો હોય છે. છાતીમાં દુખતું હોય તો ચપટીક અજમો અને મીઠું ફાકી જવાથી તત્કાળ રાહત થાય છે. પગની એડીના દુખાવામાં શેકેલી મેથી અને અજમો સરખા ભાગે ખાંડી ફાકડી લેવાથી લાભ થાય છે. પ્રસૂતા સ્ત્રીને અજમો, સૂંઠ, ગોળ ખવરાવવાથી તેની પાચનક્રિયા વેગીલી બને છે અને ભૂખ પણ સારી લાગે છે. સરળતાથી અપાનવાયુ છૂટે છે અને તેથી કમરનો દુખાવો દૂર થાય છે.
• જીરું: અજમાની જેમ જ રસોડામાં વપરાતું જીરું પણ એક ઉત્તમ ઔષધ છે. તેના નિયમિત સેવનથી ભૂખ ખૂલે છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ખાધેલા ખોરાકનું પાચન થાય છે એ માટે આપણે ત્યાં છાશમાં ધાણાજીરું કે એકલા જીરુંનું ચૂર્ણ નાખીને પીવાની પ્રથા છે. છાશ કે દહીંમાં જીરું નાખીને લેવાથી ઝાડા, ઊલટી અને અરુચિ દૂર થાય છે. ધાવણ બગડયું હોય કે ન આવતું હોય ત્યારે સુવાવડ બાદ જીરાપાક ખવરાવવામાં આવે છે. તે ગર્ભાશયને પણ શુદ્ધ કરે છે. શરીર ધોવાતું હોય અને શ્વેતપ્રદર કે લોહીવાની તકલીફ હોય તો અડધી ચમચી જીરાના ચૂર્ણમાં એટલી જ ખાંડ મેળવી ફાકી જવાથી અને ઉપર ચોખાનું ધોવરામણ પીવાથી ફાયદો થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter