ઠંડીના દિવસોમાં કે ઋતુના પરિવર્તન વેળા શરદી-ખાંસી અને શ્વસન સંબંધિત તકલીફો વધી જાય છે, પરંતુ યોગ્ય પોષણ, જીવનશૈલીમાં સામાન્ય પરિવર્તન અને કેટલાક ઘરેલુ ઉપાય આ બીમારીઓથી બચાવવાની સાથે સાથે ઈમ્યુનિટી પણ વધારે છે. જેમ કે, રોજ 7થી8 કલાકની ઊંઘ, યોગ, ધ્યાન, પ્રાણાયામ વગેરે ચેપ સામે લડવાની ક્ષમતા વધારે છે. નિયમિત રીતે ચાલવું, સાઈકલિંગ કરવું કે રનિંગથી પણ ફાયદો થાય છે. આ ઉપરાંત આ ચાર ઉપાય પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારીને તમને વિવિધ શારીરિક તકલીફોથી બચાવશે.
શ્વસન તંત્રને મજબૂત કરશે હર્બલ-ટી
આદુ, મધ અને લીંબુની ચા શ્વસન તંત્રની કામગીરીને સુધારે છે. એ જ રીતે મધ - હળદર અને કાળી મરી સાથે ખાવાથી ગળાની ખરાશ દૂર થાય છે. સરસિયાના તેલમાં લસણ મિલાવીને છાતી પર માલિશ કરવાથી દુઃખાવાની તકલીફ દૂર થાય છે.
ચેપથી બચાવશે હૂંફાળા પાણીના કોગળા
હૂંફાળા પાણીના કોગળા શિયાળામાં ખૂબ જ ફાયદો કરે છે. હૂંફાળા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી ગળાની ખરાશ દૂર થાય છે. વળી, તે ચેપથી પણ બચાવે છે. આ ઉપરાંત નાક બંધ થાય તો પાણીમાં થોડાક ટીપાં નીલગીરીનું તેલ નાખીને વરાળ લેવાથી બંધ નાક ખુલે છે.
શરીરને હૂંફાળું રાખશે બાજરી, તલ અને સૂકો મેવો
બાજરીમાં આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા મિનરલ્સ ઉપરાંત વધુ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. તેનાથી શરીરને ઊર્જા મળે છે. શરીરમાં ઉષ્મા પેદા થાય છે. એ જ રીતે તલ અને સુકા મેવા પણ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.
શરદી-ખાંસીમાં આરામ આપે પમ્પકીન સિડ્સ, કાજુ અને દાળ
શિયાળાની ઠંડીના દિવસોની વાત કરીએ તો, આ દિવસોમાં હળદર, આદું, તુલસી, આમળા, લસણ, કાળા મરીનું સેવન ફાયદાકારક છે. હળદર શરીરમાં સોજો ઘટાડે છે. આમળામાં વિટામિન-સી હોય છે, જે ઈમ્યુનિટી સુધારે છે. લસણ અને કાળા મરીમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. જે શરીરની સુરક્ષા પદ્ધતિ મજબૂત કરે છે. પમ્પકીન સિડ્સ (કોળાના બી), કાજુ અને દાળ શરદી-ખાંસીની તકલીફમાં ઝડપી સુધારો આપે છે. આ ઉપરાંત શક્ય હોય ત્યારે દરરોજ સવારે 20થી 30 મિનિટ તડકો લેવાથી વિટામિન-ડી મળે છે.


