હેલ્થ ટિપ્સઃ આંખો બળે છે? કમ્પ્યુટર સિન્ડ્રોમ હોઇ શકે

Saturday 20th June 2020 07:36 EDT
 
 

સ્માર્ટ ફોન અને કમ્પ્યુટર, લેપટોપનો વપરાશ આપણાં જીવનમાં દિનપ્રતિદિન વધતો જાય છે. નોકરિયાત વર્ગને ઓફિસમાં કલાકોના કલાકો સુધી કમ્પ્યુટર સ્ક્રીન સામે બેસવું પડતું હોય છે, તો વિદ્યાર્થીઓ પણ હવે લેપટોપ અને સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. યુવાનોથી લઇને બાળકો સુધી બધા સ્માર્ટ ફોન અને લેપટોપનો પોતાના મનોરંજન માટે હદથી વધારે સમય સુધી વપરાશ કરતાં થયા છે. આ સમયે આંખો બળવાની, ડ્રાય થઇ જવાની, આંખમાંથી વારંવાર પાણી આવવાની, વિઝન બ્લર થવાની, માથાના દુખાવા સહિતની તકલીફો રોજિંદી બની છે. તમને પણ આંખોમાં આવી કોઇ પીડા સતાવતી હોય તો બને કે તમને કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ હોઇ શકે છે. આવો આપણે જાણીએ કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ વિશે, લક્ષણો વિશે અને ઉપાયો વિશે.
કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમને ડિજિટલ આઇ સ્ટ્રેનના નામે પણ ઓળખાય છે. લાંબા સમય સુધી સ્માર્ટ ફોન, ટેબ્લેટ, ઇ-રીડર, લેપટોપ કે કમ્પ્યૂટર સામે બેસી રહેવાના કારણે આ તકલીફ થાય છે. તમે સતત લાઇટવાળી સ્ક્રીન ઉપર જોઇ રહો તો આંખોને થાક લાગે, તેને કારણે આ સમસ્યા ઉદ્ભવતી હોય છે.
કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમનાં લક્ષણો
• આંખો ભારે લાગવી, થાકેલી લાગવી • માથાનો દુખાવો • બ્લર વિઝન • આંખો સુકાઇ જવી • ગરદન, પીઠ અને ખભાનો દુખાવો • દૂરની દૃષ્ટિ અને નજીકની દૃષ્ટિમાં બરાબર ફોકસ ન થવાની તકલીફ • આંખો બળવી • લાલ થઇ જવી.
અહીં જણાવેલાં કોઇ પણ લક્ષણ તમને વર્તાઇ રહ્યાં હોય તો સમજવું કે તમને આ તકલીફ છે.
આ તકલીફ સતત સ્ક્રીન ઉપર જોઇ રહેવાની સાથે સાથે પૌષ્ટિક આહાર અને વિટામિનયુક્ત ખોરાક ન લેવાને કારણે પણ થાય છે. આપણી જીવનશૈલી આજકાલ એવી થઇ ચૂકી છે કે આપણે પહેલાંની માફક પૌષ્ટિક આહાર નથી લઇ શકતા. સાથેસાથે અલગ અલગ વિટામિનયુક્ત આહારની કમી પણ આપણામાં હોય જ છે. ખોરાક પહેલાં જેવો નથી રહ્યો, કામનો ભાર વધતો ચાલ્યો છે, રાત્રે અપૂરતી ઊંઘ વગેરે સહિતના અનેક કારણોના લીધે આ તકલીફ ઊભી થાય છે. હવે આપણે તકલીફના નિવારણ વિશે જાણીએ.
કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમની
સમસ્યા અને તેના ઉપાય
• સતત કમ્પ્યુટર સ્ક્રીન ઉપર બેસીને કામ કરવાનું થતું હોય તો તમે એન્ટિગ્લેર ચશ્માં અચૂકપણે પહેરો. • કમ્પ્યૂટર સ્ક્રીનને આંખોના લેવલથી ૧૫ – ૨૦ ડિગ્રી નીચે રાખો. • ડિજિટલ સ્ક્રીનને એકીટશે લાંબો સમય ન જોવી.
• અંધારામાં મોબાઇલનો વધારે ઉપયોગ ન કરવો. • સળંગ બે કલાક કામ કર્યાં બાદ આશરે પંદર મિનિટનો નાનો બ્રેક લઇને આંખોને શાંતિથી બંધ કરીને બેસવું. • કમ્પ્યુટર સ્ક્રીનને તમારાથી આશરે ૧૦થી ૧૫ ઈંચ દૂર રાખવી. • મોબાઇલનો ઉપયોગ કરો તો તે પણ વધારે નજીકથી ન જુઓ. • થોડા થોડા સમયે ઠંડું પાણી આંખો પર છાંટો.
• આંખોને આરામ આપવા માટે દરરોજ રાત્રે બરફના એક ટુકડાને રૂમાલમાં વીંટાળીને થોડી વાર આંખો બંધ કરી તેની ઉપર ફેરવવો. • બહુ આંખો બળતી હોય કે ડ્રાય થઇ ગઇ હોય તો ડોક્ટરની સલાહ લઇને નેચરલ ટીઅર ડ્રોપ્સ નાખવા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter