વિટામીન-સી અને એન્ટિ-ઓક્સિડન્ટસથી ભરપૂર આ ફળના એટલા ફાયદા છે કે એ લગભગ દરેક રોગમાં વિવિધ અનુપાન સાથે ચમત્કારિક કહી શકાય એવું પરિણામ આપે છે. ઠંડીમાં માત્ર બે-ત્રણ મહિના જ એ ફ્રેશ મળે છે, પરંતુ એને વિવિધ સ્વરૂપે સાચવી રાખી શકો અને ત્રણેય ઋતુમાં તેનું સેવન કરી શકો છો. એક આંબળામાં ૨૦ સંતરા જેટલું વિટામીન-સી હોય છે એવું તાજેતરમાં બ્રિટનના ન્યુટ્રિશન જર્નલમાં નોંધાયું છે. જોકે આયુર્વેદે તો અનાદિકાળથી આંબળાને શ્રેષ્ઠ ઔષધીમાંના એક ગણ્યા છે, પરંતુ હવે આધુનિક વિજ્ઞાને પણ આંબળાના ગુણગાનને સમર્થન આપવાનું શરૂ કર્યું છે. એમાં વિવિધ પ્રકારના પોલિફિનોલ્સ, ફ્લેવેનોઈડ્સ અને ટેનિન નામનાં રસાયણો રહેલાં છે, જે આપણા શરીરમાં છૂટાં ફરતાં રેડિકલ્સને શરીરના કોષો સાથે ઓક્સિડેશનની પ્રક્રિયા દ્વારા જોડાઇને ડેમેજ કરતા અટકાવે છે. આ જ કારણોસર આધુનિક વિજ્ઞાને આંબળાને ઇમ્યુન સિસ્ટમ, ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, સોજો, લિવરની સમસ્યાઓ, બ્રેઈન ડીજનરેશન, ડાયજેશન અને વૃદ્ધત્વ સાથે સંકળાયેલી આંખોની સમસ્યામાં શ્રેષ્ઠ કામ આપનારું કહ્યું છે. ચાલો જાણીએ તેને કઈ રીતે અને ક્યારે લઈ શકીએ.
જ્યુસ નિયમિત પીઓ, પણ તાજો
શિયાળામાં આંબળાનો શુદ્ધ અને તાજો જ્યુસ મળી શકે એમ હોય તો ચોક્કસ પીવો જ જોઈએ. શિયાળાના ત્રણ મહિના રોજ આંબળાનો જ્યુસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ પ્રબળ થાય છે એટલે એ કોઈ પણ પ્રકારના ઘાને ઝડપથી રુઝાવે તેમજ શરીરમાં આયર્નનું એબ્ઝોર્પ્શન સુધારીને હિમોગ્લોબિન પણ વધારે છે. જોકે પ્રિઝર્વ કરી રાખીને બારેમાસ એ પીવાનું હિતાવહ નથી.
જ્યુસ ઉત્તમ તો છે, પરંતુ એ પીવામાં ધ્યાન રાખવું જરૂરી છે. સિઝનમાં ફ્રેશ લો તો સારું, પણ વરસઆખા માટે સંઘરી રાખેલા હોય તો એમાં જરા વિચારવું. વળી, યુરિક એસિડના દર્દીઓ માટે જ્યુસ ઠીક નથી. જ્યુસ પીવાથી કફ અને સંધિવાના દર્દીઓને પણ તકલીફ થઈ શકે છે. આમ જ્યૂસનું કોણે કેટલું સેવન કરવું એ બાબતે સાવ આંખ બંધ કરીને ન ચાલવું તેમાં નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ રહેશે.
કઈ-કઈ રીતે લેવાય?
આંબળાનું સેવન કરવાની અનેક રીતો છે અને એમાં ચૂર્ણ લેવાનું સરળ અને સુલભ છે. ચૂર્ણના સ્વરૂપે આંબળાને વિવિધ ઔષધદ્રવ્યો સાથે મેળવી શકાય. આમળા ધાત્રી રસાયણ છે અને ઘણી બીમારીમાં કામ કરે છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર એમ અનેક સમસ્યાઓમાં અક્સીર બને છે. એનો ચ્યવનપ્રાશ અને મુરબ્બો પણ લેવાય. અલગ અલગ રોગ અને અવસ્થાઓ માટે ખડી સાકર, સૂંઠ, ગોળ, હળદર, ભાંગરો જેવાં દ્રવ્યોનું મિશ્રણ કરી શકાય.
મુરબ્બાની રેસિપી...
પહેલા આખાં આંબળાને કાપા પાડીને બાફી લેવાના. બફાઈ જાય એટલે એને ફોડીને તેમાંથી ઠળિયા અલગ કરી દેવાના અને એનું છીણ તૈયાર કરવું. જેટલું છીણ હોય તેનાથી અડધોઅડધ ઓર્ગેનિક ગોળ છીણીને તેના ઉપર પાથરી દેવો. આ મિશ્રણને તપેલીમાં ભરીને જેમ કેરીનો છૂંદો બનાવવા માટે કપડું અને ચાળણી બાંધીને તડકે મૂકીએ એમ તૈયાર કરવું. આઠથી દસ દિવસ આ તપેલું સૂર્યના આકરા તાપમાં રહેશે એટલે ગોળ-આંબળા એકરસ થઈ જશે. એ દ્રવ્ય શુદ્ધ અને અસરકારક હશે. એમાં જો સૂંઠ નાખી હશે તો એના ગુણ વધશે.
અચૂક કરવા જેવા ઔષધ પ્રયોગો
• જો ડાયાબિટીસ ન હોય તો રોજ સવાર-સાંજ બે-બે ગ્રામ આંબળાનું ચૂર્ણ અને ખડી સાકર મિક્સ કરીને લેવાનું. જો ડાયાબિટીસ હોય તો હળદર અને આંબળાને સમભાગ મેળવીને સવાર-સાંજ લેવાનું રાખશો તો ઘણા લાભ થશે.
આંબળા, સૂંઠ અને ગોળ મિક્સ કરીને જમતાં પહેલાં લેવાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે. જઠરાગ્નિ મજબૂત થાય તો અનેક વિકારો દૂર થાય છે અને દોષોનું શોધન થાય છે.
આંબળા, ભાંગરો અને કાળાં તલ સમપ્રમાણમાં લેવા. કાળાં તલને પહેલાં શેકીને પછી ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ જમ્યા પછી એક-એક ચમચી લેવામાં આવે તો એ વાળ માટે ખૂબ જ સારું. જો તમને ગરમી ન હોય તો એમાં આમળાંના ચોથા ભાગની ક્લોંજી લેવી. રોજ એક વર્ષ સવાર-સાંજ આ ચૂર્ણનું જમીને સેવન કરશો તો વાળ સરસ થઈ જશે.
હળદર અને આંબળાનું સમપ્રમાણ મિશ્રણ કરીને લેવાથી ડાયાબિટીસ અને આંખના વિકારો તેમ જ રેટિનોપથીમાં ઉત્તમ કામ રહે.
આંબળા વરસાદમાં ગોળ સાથે, ગરમીમાં ઘી સાથે અને ઠંડીમાં મધ સાથે લેવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ વધે. એ હાર્ટ, બ્રેઈન, કિડની, આંખ જેવા અવયવોને સ્વસ્થ રાખે છે અને અલ્ઝાઈમર્સ, પાર્કિન્સન્સ જેવા રોગોને પ્રિવેન્ટ કરે છે.
કેન્સરના પ્રિવેન્શનની વાત કરીએ તો આંબળાનો ઉપયોગ અશ્વગંધા, ગળો અને હળદર સાથે કરવામાં આવે તો ફરીથી ઊથલો મારવાની શક્યતા ઘટી જાય છે.