હેલ્થ ટિપ્સઃ ઊંડા શ્વાસ લેવાના પાંચ ફાયદા

Saturday 26th June 2021 08:12 EDT
 
 

દરરોજ થોડાક સમય માટે ઊંડાં શ્વાસ લેવાથી તમારું સ્વાસ્થ્ય અને લાઈફસ્ટાઈલમાં સુધારો થાય છે. જ્યારે પણ તમે ચિંતિત કે કોઈ તકલીફમાં હો છો ત્યારે તમારા ધબકારા ઝડપી બની જાય છે. બ્લડ ફ્લો હાર્ટ અને મગજ તરફ વધી જાય છે. તેનાથી બચવા માટે ઊંડાં શ્વાસ લેવાનો અભ્યાસ તમારે દરરોજ કરવો જોઈએ. ભલે સ્ટ્રેસ હોય કે ના હોય, પણ તેનાથી તન અને મનને આરામ મળે છે, ઊંઘ સારી આવે છે. સૌથી મહત્ત્વની વાત એ કે રોગ સામે લડવાની શક્તિ વધે છે.
• શરીરમાંથી ઝેરી તત્ત્વો ઘટે છેઃ ધીમા, ઊંડાં અને લાંબા શ્વાસ લેવાથી સ્વભાવ શાંત બને છે. સારી ઊંઘ આવે છે. જો અનિંદ્રાની તકલીફ હોય તો સૂતા પહેલાં ઊંડાં શ્વાસ લો. કાર્બન ડાયોક્સાઈડ પ્રાકૃતિક ઝેરી કચરો છે અને તે શ્વાસથી બહાર આવે છે. ટૂંકા શ્વાસ દરમિયાન ફેફસાં ઓછા કામ કરે છે. અન્ય અંગોને આ કચરાને બહાર ફેંકવા માટે વધારે મહેનત કરવી પડે છે.
• ઈમ્યુનિટી મજબૂત બને છેઃ ઊંડાં શ્વાસ લેવાથી લોહીમાં તાજો ઓક્સિજન ભળે છે સાથે સાથે જ ઉચ્છશ્વાસમાં ઝેરી તત્વો અને કાર્બન ડાયોક્સાઈડ બહાર ફેંકાય છે. લોહીમાં ઓક્સિજનનું પૂરતું પ્રમાણ હોય છે ત્યારે તે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. શરીરનાં મહત્ત્વપૂર્ણ અંગો યોગ્ય કામ કરતા થાય છે. એક ક્લિન ટોક્સિન-મુક્ત અને હેલ્ધી બ્લડ સંક્રમણ ફેલાવતા તત્ત્વોનો નાશ કરે છે.
• પીડા ઓછી થાય છેઃ જ્યારે તમે ઊંડાં શ્વાસ લો છો તો શરીરમાં એન્ડોર્ફિન બને છે. આ ગુડ હોર્મોન છે અને શરીર દ્વારા બનાવેલું એક પ્રાકૃતિક દર્દ નિવારક છે. તમારી કોઇ પણ જાતની પીડામાં ઘટાડો થાય છે.
• સ્ટ્રેસ ઓછો થાય છેઃ ઊંડાં શ્વાસ લેવાથી ચિંતાજનક વિચારો અને ગભરામણથી આરામ મળે છે. હાર્ટની ગતિ ધીમી પડે છે આથી શરીર વધારે ઓક્સિજન લઇ શકે છે. હોર્મોન સંતુલિત રહે છે. કોર્ટીસોલનું લેવલ ઓછું થાય છે. આ એક સ્ટ્રેસ હોર્મોન છે. જ્યારે તેનું લેવલ શરીરમાં વધી જાય ત્યારે તે સૌથી વધુ નુકસાન પહોંચાડે છે.
• બ્લડ ફ્લો યોગ્ય થાય છેઃ ડાયાફ્રામ ઉપર-નીચે થવાથી બ્લડ ફ્લોની ગતિ વધે છે. તેનાથી ઝેરી તત્ત્વો શરીર બહાર કાઢવામાં મદદ મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter