વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન સાયન્ટિફિક ચેર ઓફ એન્ડિંગ લોનલીનેસ’નાં મિશેલ લિમ કહે છે કે, એકલવાયાપણ માટે કોઈ એક ફોર્મ્યુલા નથી, જે દરેક પર એક સમાન રીતે લાગુ થાય. આમ છતાં કેટલાક સામાન્ય ઉપાય ફાયદાકારક છે. જેમ કે,
• મજબૂત સંબંધ બનાવોઃ ઓછામાં ઓછો એક સંબંધ એવો જરૂર બનાવો, જેમાં ઘનિષ્ઠતા હોય, પછી ભલે તે ભાઈ કે બહેન હોય, માતા-પિતા હોય કે કોઈ સ્કૂલનો મિત્ર હોય. સંબંધોનું આ જોડાણ એકલવાયાપણાને ઘણી હદ સુધી દૂર કરે છે.
• બીજાંની મદદઃ મેગેઝિન ‘નેક્સ્ટ ડોર’ દ્વારા કોરોના મહામારી દરમિયાન કરાયેલા રિસર્ચમાં જોવા મળ્યું કે, બીજાંની મદદ કરનારા લોકોમાં એકલવાયાપણાની સમસ્યા ઓછી જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો બીજા લોકોને મદદરૂપ થવું પોતાનું એકલવાયાપણું દૂર કરવાની સૌથી શ્રેષ્ઠ રીત છે.
• જાતે પહેલ કરોઃ એક સર્વેનો નિષ્કર્ષ કહે છે કે એકલવાયાપણાથી પીડિત લોકોએ એ વાતની રાહ ન જોવી જોઈએ કે, બીજા લોકો આવે અને તેમની મદદ કરે, પરંતુ પોતે જ લોકો સાથે હળવા-મળવાનું શરૂ કરીને સર્કલ વધારવું જોઈએ. આનાથી એકલવાયાપણાની સમસ્યા ઘણા અંશે દૂર થશે.