એસિડિટીની તકલીફ હવે કોમન બનતી જાય છે. આ સમસ્યા આમ તો નોર્મલ ગણાય છે, પણ જો તે અમુક સમયથી વધારે લાંબો સમય રહે તો અલ્સરની શક્યતા રહે છે. આથી જેમને એસિડિટી રહેતી હોય તેણે ગેસ્ટ્રો સ્પેશિયાલિસ્ટ પાસે ચેક-અપ કરાવવું જ જોઇએ. વ્યક્તિએ વ્યક્તિએ એસિડિટી થવાનાં કારણો પણ અલગ-અલગ હોય છે. ઘણાંને વધારે પડતું જમી લેવાથી, તીખું-તળેલું ખાવાથી થતી હોય છે, તો ઘણાંને ભૂખ્યા પેટે થાય છે. અમુકને ટેન્શનના કારણે અથવા તો વધારે પડતું વિચારવાને કારણે પણ એસિડિટી થતી હોય છે. ટેન્શન રહેતું હોય તો શરીરમાં બનતાં એસિડનું પ્રમાણ વધી જાય. પરિણામે પેટમાં બળતરા ને માથાનો દુખાવો શરૂ થઇ જાય છે. આ સમસ્યાથી કઇ રીતે બચી શકાય તે વિશે થોડુંક...
• વધુ પડતા ચા-કોફી ટાળોઃ ઘણાં લોકો મગજને વધારે સમય સુધી એલર્ટ રાખવા, ઊંઘ આવતી હોય તો તેને દૂર કરવા ચા કે કોફી પીતા હોય છે. ખાસ તો વિદ્યાર્થીને રાત્રે મોડે સુધી વાંચવા જાગવાનું હોય ત્યારે ચા-કોફીનો સહારો લે છે. જો વધારે માત્રામાં ચા-કોફી પીવાય તો એસિડિટી થાય છે. મતલબ કે તમે સવારે એક વાર તેનું સેવન કરો, પછી બપોરે ને પછી રાત્રે જાગવાનું હોય ત્યારે તેનું સેવન કરો તો કોઈ તકલીફ નથી થતી. પણ દિવસમાં ત્રણ-ચારથી વધારે વાર તેના સેવનથી એસિડિટી થઇ શકે છે. આ જ રીતે કોફીનું સેવન કબજિયાતનું કારણ બને છે અને કબજિયાતને કારણે એસિડિટી થતી હોય છે.
• નિયત સમયે ભોજનઃ ઘણાંને ભૂખ્યા પેટે એસિડિટી થતી હોય છે. આનાથી બચવા યોગ્ય સમયે ભોજન કરી લો. ઘણાંને બપોરે જમ્યા બાદ સીધું રાત્રે જમવાની ટેવ હોય છે. આ ટેવ ખોટી છે, કેમ કે સાંજના સમયે આપણું પેટ ખોરાક માંગે જ છે. આપણને ભૂખ લાગે જ છે, જો તે સમયે ભોજન ન કરીએ તો એસિડિટી થાય. ભોજનના સમયમાં બહુ અંતર ન રાખવું, કેમ કે જેટલું પેટને ભૂખ્યું રાખશો તેટલું પેટ અને મગજ સ્ટ્રેસ અનુભવશે. પરિણામે શરીરમાં એસિડનું ઉત્પાદન વધશે અને એસિડિટી થશે. આથી ભલે થોડુંક ખાવ પણ સમયાંતરે ખાવ, પેટને ખાલી ન રાખો.
• મોડી રાત્રે ભોજન ન લેવુંઃ આપણું પેન્ક્રિયાઝ મોડી રાત્રે કરેલા ભોજનને પચાવવા સક્ષમ નથી. તેથી જો તમે મોડી રાત્રે ભોજન કરશો તો તેનાથી તમને અપચાની અને એસિડિટીની તકલીફ થશે. આથી જ ડોક્ટર્સ પણ સમયસર ભોજનની સલાહ આપતાં હોય છે. રાત્રે સૂતાં પહેલાં કમસે કમ બે કલાક પહેલાં ભોજન અવશ્ય કરી લેવું જોઇએ.
• સરખું ચાવીને જ ખાવુંઃ પેટમાં ભોજન જાય એટલે તેને પચાવવા માટે એસિડ ઉત્પન્ન થાય છે. આ એસિડથી જ ભોજન પચે છે. એવામાં જો તમે સરખું ચાવ્યા વગર ભોજનને ગળે ઉતારી જાવ તો પેટને તેટલું વધારે એસિડ ઉત્પન્ન કરવું પડે. પરિણામે એસિડિટીની તકલીફ સર્જાશે. ખોરાકને બને તેટલો ચાવવો. કહેવાય છે કે એક કોળિયાને ઓછામાં ઓછો ૩૨ વાર ચાવવો જોઇએ.
• મસાલેદાર ભોજન અને ટેન્શનઃ મસાલેદાર ભોજન સ્વાદમાં ચટાકેદાર હશે, પણ પેટ માટે નુકસાનકારક છે. આથી બને તેટલું મસાલેદાર ભોજન ટાળવું અને સ્ટ્રેસ તેમજ ટેન્શનથી પણ દૂર રહેવું. તેના કારણે પણ એસિડિટી થઇ જતી હોય છે. ઘણી વાર પૂરતી ઊંઘ ન થવાથી પણ તકલીફ થાય છે. આથી ટેન્શન અને સ્ટ્રેસ કંટ્રોલમાં કરવા મેડિટેશન કરો અને પૂરતી ઊંઘ લો.


