હેલ્થ ટિપ્સઃ ઓટીટી પર બિન્જ વોચિંગની ટેવ સ્ટ્રેસ અને એકલતાનું કારણ બની શકે છે

Saturday 28th March 2026 10:37 EDT
 
 

આજકાલ ઓટીટી પ્લેટફોર્મ પર એકસાથે અનેક એપિસોડ જોવાનું (બિન્જ વોચિંગ) સામાન્ય થઈ ગયું છે, પરંતુ તેની માનસિક અસર નકારાત્મક થઈ શકે છે. અમેરિકન મનોવિજ્ઞાની મેનિજે બોડુરિયન-ટર્નરના મતે, વધુ બિન્જ વોચિંગ વ્યક્તિની શારીરિક અને ભાવનાત્મક રીતે મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓથી ધ્યાન ભટકાવી શકે છે, જેના કારણે ચિંતા, હતાશા અને ઊંઘ સંબંધિત સમસ્યા વધી શકે છે. ભારતની વાત કરીએ તો, કન્ઝ્યુમર ઇન્ટેલિજન્સ કંપની નેલ્સનાઆઇક્યુના સંશોધન મુજબ, દેશના મોટા શહેરોમાં 66 ટકા લોકો સપ્તાહના અંતે બિન્જ વોચિંગ પસંદ કરે છે. ચાલો, તેના નુકસાન અને કેવી રીતે સંતુલિત કરવું તે જાણીએ...
• ટીવી જોવાનું કારણ જાણોઃ અમેરિકાના સાઈકોલોજિકલ એસોસિએશનના અનુસાર ટીવી કેટલો સમય જોયું એ જરૂરી નથી, પરંતુ જોવાનું કારણ મહત્ત્વનું છે. વ્યક્તિ તણાવથી બચવાની એકમાત્ર રીત ટીવી જોવાનું માનવા લાગે અને પોતાની જવાબદારીઓને નજરઅંદાજ કરે તો આ જોખમી સંકેત હોઈ શકે છે.
• આ રીતે ચિંતાનું કારણ બને છેઃ કેટલાક લોકો માનસિક શાંતિ માટે બિન્જ વોચ કરે છે, પરંતુ તેનાથી વાસ્તવિક સામાજિક જોડાણ ઘટી શકે છે. લાંબા સમય સુધી સ્ક્રીન સામે રહેવાથી ચિંતા અને ડિપ્રેશન જેવા લક્ષણ પણ વધી શકે છે. ચીનની હુઆંગશાન યુનિવર્સિટીના અભ્યાસમાં જોવા મળ્યું છે કે, જે લોકોને બિન્જ વોચિંગની ટેવ હતી તેઓ એકલતાની સમસ્યાથી વધુ પીડાતા હતા.

કઇ રીતે ઘટાડી શકાય બિન્જ વોચિંગની આદત?

નિષ્ણાતો કહે છે કે ટીવી જૂઓ ત્યારે ખુદને પુછો - કેવું અનુભવી રહ્યા છો? ક્યારે સૌથી વધુ ટીવી જુઓ છો? અને કઇ વાત કે ચિંતાને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છો? આ ઉપરાંત, ટીવીમાં ઓટોપ્લે બંધ કરો. ડિવાઈસથી દૂર રહો. એકલા એકલા ઓટીટી સીરિઝ જોવાને બદલે મિત્રો સાથે વોચ પાર્ટી જેવી રીતો અપનાવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter