હેલ્થ ટિપ્સઃ કફ અને ખાંસી મટાડે હળદર-આદું

Saturday 14th March 2020 05:26 EDT
 
 

ઠંડીના દિવસોમાં ગળામાં બળતરા, કફ, ઉધરસ વગેરે જેવી શારીરિક તકલીફોનું પ્રમાણ વધે છે. તેમાં પણ અસ્થમા-બ્રોન્કાઇટીસ જેવી તકલીફોવાળી વ્યક્તિને તેની અસર વધુ વર્તાય છે. આ તકલીફથી રક્ષણ મેળવવા માટે જ મોટા ભાગે શિયાળામાં ચ્યવનપ્રાશનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં રહેલી ઔષધિઓ શરરીનું રક્ષણ પણ કરે છે અને કફ-ખાંસી વગેરે થવા દેતા નથી. આ ઉપરાંત આવા સમયે નિયમિત લેવાતી પારંપરિક ઘરેલું ઔષધિઓમાં સૂંઠની ગોળીનો ઉપયોગ પણ ફાયદાકારક બને છે. ડ્રાય જીંજર એટલે કે સૂંઠ પાઉડર તેમજ ગોળને સરખા ભાગે લઇ થોડું ઘી નાખીને ગરમ કરી તેને એકદમ મિક્સ કરીને સોપારી જેવડી નાની લાડુડી વાળી લેવી. આ લાડુડી સવારના ભાગે લેવામાં આવે તો કફમાં રાહત થાય છે.
આદું-હળદર એ ખાસ કરીને કફ માટે એન્ટિ-બાયોટિક દવા જેવું કામ કરે છે. કફના કારણે ગળામાં થતી બળતરા તેમજ સોજાને ઓછા કરવામાં મદદરૂપ બને છે. હળદર એ ખૂબ જ તેજ એન્ટિ-ઓક્સિડેન્ટ છે. ગરમ દૂધ કફ સમયે નુકસાનકર્તા થઈ શકે છે કારણ કે તેમાં રહેલા પ્રોટીન કફ વધારવામાં મદદરૂપ બને છે, પરંતુ તેમાં હળદર ઉમેરવાથી તે શરદી-ઉધરસમાં ઔષધ સમાન સાબિત થઈ શકે છે.
ગરમ પાણીમાં મીઠું - હળદર પણ એેટલા જ અસરકારક છે. કફની તકલીફ વખતે રાત્રે સૂતા પહેલાં હળદરવાળું દૂધ જૂના જમાનાની સારવાર મુજબ ઝડપથી મદદરૂપ બને છે. હળદરની જેમ આદું પણ ગળાની બળતરા, ઉધરસ, કફને ઝડપથી મટાડવામાં મદદરૂપ બને છે. ઠંડીના દિવસોમાં ચામાં વધારે આદું નાખો તો તે શરીરના ગરમાવો આપે છે અને ખાંસી મટાડે છે.
આદુંના ઉપયોગથી કફ ઉત્પન્ન કરતા રીનો વાયરસનો નાશ થાય છે. આ જ રીતે હળદર દ્વારા મ્યૂકસની ઉત્પત્તિ વધે છે જે શ્વાસતંત્રમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ કે જે કફ ઉધરસને આમંત્રે છે તેને સાફ કરે છે. આવી રીતે આ બંને પ્રકારની ઔષધીઓ એન્ટિ-વાયરલ (વાયરસથી રક્ષણ આપનારી) તેમજ એન્ટિ-બેક્ટેરિયલ (બેકટેરિયાથી બચાવનારી) છે. જેના દ્વારા શરીરને થતાં ચેપથી રક્ષણ મળી શકે છે.
આ ઉપરાતં કફથી બચવા માટે મધ પણ ઉપયોગી છે. બે ચમચી મધને હુંફાળા પાણીમાં ભેળવીને તેમાં થોડું આદું અથવા સૂંઠનો પાવડર ઉમેરીને દિવસમાં બે વખત લઈ શકાય.
કફથી બચવા પ્રોબાયોટિક્સનો ઉપયોગ કરવો. પા ચમચી મરી પાઉડર, પા ચમચી સૂંઠનો પાવડર, બે ચમચી મધ, બે ચમચી લીંબુનો રસ અથવા એપલ સાઈડર વિનેગરને મિક્સ કરીને એક નાની ચમચી કફ સમયે ઉપયોગમાં લેવાથી કફમાં રાહત થાય છે.
એસિડિક પદાર્થો જેવા કે ખટાશવાળા ખોરાક, ડુંગળી-લસણ, વધુ મસાલાયુક્ત પદાર્થો, ટમેટા, તળેલા કે વધુ પડતી ચરબી ધરાવતા ખાદ્યોપદાર્થોનો ઉપયોગ કફ-ઉધરસ હોય તેવા સમયે ટાળવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter