હેલ્થ ટિપ્સઃ કુદરતની આપણને ઉત્તમ ભેટ દાડમ

Sunday 07th November 2021 10:23 EST
 
 

આપણને કુદરતે અનેક ઉત્તમ ફળો ભેટરૂપે આપ્યાં છે. જેમાંનું એક ઉમદા અને સુંદર ફળ છે ‘દાડમ’. આ દાડમની આપણા સંસ્કૃત કવિઓએ પોતાના ગ્રંથોમાં અનેક વાર પ્રશંસા કરી છે. ઉપમા અલંકારમાં તો એનો ભરપૂર પ્રયોગ કર્યો છે, કારણ કે એના નાના-નાના દાણા મણિસમાન, કાંતિયુક્ત અને વિશિષ્ટ શોભા ધરાવે છે. દાડમના આ દાણા અને તેના છોડનાં બીજાં અંગો ઔષધ ઉપચારમાં ઘણાં ઉપયોગી છે.
ભારતની વાત કરીએ તો, દાડમના ૫થી ૧૫ ફૂટના છોડ - મધ્યમ કદનાં વૃક્ષો સર્વત્ર થાય છે. જે બે પ્રકારનાં થાય છે - નર જાતિનાં અને નારી જાતિ. જેમાંથી નર જાતિના છોડને માત્ર ફૂલ જ્યારે નારી જાતિને ફૂલ અને ફળ બંને આવે છે. સ્વાદ પ્રમાણે દાડમ મીઠાં, ખટમીઠાં અને ખાટાં એમ ત્રણ પ્રકારનાં હોય છે. મીઠાં દાડમ પચવામાં હળવાં, ત્રિદોષનાશક, કબજિયાત કરનાર, મધુર અને તૂરા, બળવર્ધક, ભૂખ લગાડનાર તેમજ હૃદયરોગ, દાહ, તાવ, કૃમિ, ઊલટી તથા કંઠરોગ મટાડનાર છે. ખાટાં દાડમ પિત્ત કરનાર, વાત-કફ નાશક અને રક્તપિત્તકારક છે.
ખટમીઠાં દાડમ ભૂખવર્ધક, પચવામાં હળવાં, વાત-પિત્તનાશક તથા લૂ, તૃષા અને ઝાડા મટાડનાર છે. ફળની છાલ મળાવરોધક, ઉધરસ, કૃમિ તથા લોહીયુક્ત ઝાડા મટાડનાર છે.
ઉપયોગો
દાડમ ‘ગ્રાહિ’ (એટલે કે ઝાડાને અટકાવનાર) છે. આયુર્વેદના મહર્ષિ શારંગધરે એટલા માટે જ ઝાડામાં ‘લઘુ દાડિમાષ્ટક ચૂર્ણ’નો નિર્દેશ કર્યો છે. દાડમના સૂકા દાણા ૮૦ ગ્રામ, સાકર ૪૦૦ ગ્રામ, તજ, તમાલપત્ર અને એલચી એ ત્રણે થઈને ૪૦ ગ્રામ તથા સૂંઠ, મરી અને પીપર એ ત્રણે ૪૦-૪૦ ગ્રામ લઈને આ ઔષધોનું ચૂર્ણ બનાવી લેવું. ઝાડાના રોગીએ આ ચૂર્ણ તાજી મોળી છાસ સાથે અડધી ચમચી દિવસમાં ત્રણ વખત લેવું. આ ચૂર્ણ જઠરાગ્નિવર્ધક, કંઠ વિશોધક તેમજ ખાંસી અને તાવને પણ મટાડનાર છે.
દાડમનાં ફળની છાલ લોહીના ઝાડાનું ઉત્તમ ઔષધ છે. દાડમનાં ફળની છાલ અને કડાછાલ એક-એક ચમચી લઈ બંનેને ખાંડી, મિશ્ર કરી એક ગ્લાસ પાણીમાં ઉકાળવી. ઊકળતા અડધો કપ જેટલું પાણી બાકી રહે એટલે તેને ગાળીને, ઠંડું પાડી, એક ચમચી મધ મેળવીને પી જવું. સવારે અને સાંજે આ રીતે ઉકાળો કરીને પીવાથી ભયંકર રક્તાતિસાર પણ મટે છે.
દાડમનાં ફૂલ પણ ઔષધ ઉપચારમાં બહુ ઉપયોગી છે. દાડમનાં ફૂલ અને લીલી ધરોને વાટીને, કપડામાં દબાવીને એનો રસ કાઢવો. આ રસનાં બે-બે ટીપાં નાકમાં મૂકવાથી થોડા સમયમાં રક્તસ્ત્રાવ - નસકોરી ફૂટી હોય તો બંધ થાય છે. દાડમનાં ફૂલનો રસ એકલો પણ શરીર માટે એટલો જ લાભકારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter