હેલ્થ ટિપ્સઃ ક્યારેક ફોન, ચાવીને પર્સ મૂક્યા પછી ભૂલી જવાય છે? તો તે બીમારી નથી, સામાન્ય વાત છે

Saturday 30th September 2023 06:50 EDT
 
 

શું ક્યારેક ફોન, ચાવીને પર્સ મૂક્યા પછી ભૂલી જવાય છે? આપણને અચાનક ક્યાંક કોઈ પરિચિત મળે છે ત્યારે આપણને તેનો ચહેરો યાદ આવે છે, પણ તેનું નામ યાદ નથી આવતું? જો તમારી સાથે પણ આવું બનતું હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ બીમારી નથી, પણ સામાન્ય બાબત છે. આપણા સહુનો અનુભવ છે કે ઘણી વખત સામાન રાખ્યા પછી ભૂલી જતાં હોઈએ છીએ, જરૂરિયાતના સમયે ક્યાં રાખ્યો તે યાદ નથી આવતું. વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને જાય છે, પરંતુ પરીક્ષા હોલમાં પ્રશ્નોના જવાબો યાદ આવતા નથી. આવી સ્થિતિમાં થોડી મૂંઝવણ થાય છે અને વિચાર આવે છે કે શું ભૂલવાની બીમારી કે પછી ડિમેન્શિયા તો નથી ને? આવા વિચારોમાંને વિચારોમાં લોકો આત્મવિશ્વાસ ગુમાવવા લાગે છે. જોકે, કેટલાક નિષ્ણાતો તેને સામાન્ય ગણાવે છે. નિષ્ણાતોના મતે મગજની આ સામાન્ય પ્રક્રિયા છે અને આમ થવાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ તમારી યાદશક્તિને મજબૂત બનાવવાના પ્રયાસ સતત કરતા રહેવા જોઈએ.

ન્યૂરોસાયન્સના પ્રોફેસર ડો. રોનાલ્ડ ડેવિસના જણાવ્યા અનુસાર આપણે દરરોજ ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ, વાંચીએ છીએ અને સાંભળીએ છીએ. આવી સ્થિતિમાં મગજ માહિતીથી ભરાઈ જાય છે અને યાદોને મેનેજ કરવી પડે છે. ભૂલી જવું એ કોઇ પણ વ્યક્તિના મગજના કાર્યનો સામાન્ય ભાગ છે, તેથી યાદશક્તિમાં ફેરફાર સામાન્ય છે.
ડેવિડ ગેફેન સ્કૂલ ઓફ મેડિસિનના ડિપાર્ટમેન્ટ ઓફ બિહેવિયરલ ન્યૂરોલોજીના ડિરેક્ટર ડો. મારિયો મેન્ડેઝના જણાવ્યા અનુસાર આ મગજની સમસ્યા નથી, પરંતુ એક પ્રકારનો ફેરફાર છે. એવું જરૂરી નથી કે તે પછીથી ગંભી૨ સમસ્યામાં ફેરવાઇ જશે. આમ છતાં યાદશક્તિ વધારવા માટે ખાસ પદ્ધતિઓ નિયમિતપણે અપનાવતા રહો.

તો આ માટે શું કરવું?
યેલ સ્કૂલ ઓફ મેડિસિનના ન્યુરોલોજી અને સાઈકોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. અરમાન ફેશાર્કી ઝાદેહના જણાવ્યા અનુસાર જો તમારે યાદશક્તિમાં સુધારો કરવો હોય તો જીવનશૈલીમાં ફેરફાર કરો. પ્રથમ તો મલ્ટિટાસ્કિંગ મર્યાદિત કરો. મગજના સ્વાસ્થ્ય માટે આ સારું નથી. જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ મલ્ટિટાસ્ક કરવાની ક્ષમતા સામાન્ય રીતે ઘટતી જાય છે. હું દર્દીઓને હંમેશા કહું છું કે એક સમયે એક કામ કરવાનો પ્રયાસ કરો.
તો પછી જોખમ ક્યારે સમજવું?
જો તમે કોઇને એક જ પ્રશ્નો વારંવાર પૂછો અથવા તો કોઇ તમને એકની વાત વારંવાર યાદ કરાવે અને છતાં તમે થોડીક સેકન્ડમાં તેને ભૂલી જાવ. આ સિવાય ખાસ પરિચિતો કે નજદીકના સ્વજનોનાં નામ પણ ભૂલી જતા હોવ તો આ લક્ષણો ચિંતાજનક ગણવા રહ્યા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter