આજકાલ લોકોની શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા વધી છે. લોકો ખાણીપીણી પ્રત્યે વધુ જાગ્રત થયા છે તે સાથે આ મુદ્દે ગેરમાન્યતા પણ વધી છે. લોકો વધુ પડતી સુગર વાળું ભોજન ટાળી રહ્યા છે ને સુગર-ફ્રી અપનાવી રહ્યા છે, રોજિંદા ભોજનમાંથી ચરબી ટાળવા માટે લો-ફેટ ફૂડ પર પસંદગી ઉતારી રહ્યા છે. લોકો માને છે કે ‘આ બધું સ્વાસ્થ્યપ્રદ છે...’ પણ ખરેખર એવું નથી. આવી મિથ (ગેરમાન્યતા) અને હકીકતના લેખાંજોખાંઃ
• મિથઃ સુગર-ફ્રી અને ડાયેટ ફૂડ હંમેશા આરોગ્યપ્રદ હોય છે.
- હકીકતઃ આ ઉત્પાદનો ઘણીવાર આર્ટિફિશયલ સ્વીટનર્સ અને પ્રિઝર્વેટિવ્સથી ભરેલા હોય છે. સુગર-ફ્રી પીણામાં ઝીરો કેલરી હોય શકે છે, પરંતુ તે મેટાબોલિક હેલ્થ બગાડી શકે છે તે ન ભૂલશો.
• મિથઃ લો ફેટ - ડાયટ ફૂડ હેલ્ધી છે.
- હકીકતઃ જ્યારે ભોજનમાંથી ફેટ દૂર કરાય છે ત્યારે કંપની સ્વાદ વધારવા માટે તેમાં સુગર કે કોર્ન સિરપ (મકાઇ ચાસણી) ઉમેરે છે. આવી પ્રોડક્ટમાં કેલરી ભલે ઓછી લાગે, પરંતુ તે બ્લડ સુગરને ઝડપી વધારે છે. લો ફેટ દહીંમાં લગભગ 18 ગ્રામ સુગર હોય છે!
• મિથઃ સારા સ્વાસ્થ્ય માટે ફાઇબર સપ્લિમેન્ટ પૂરતાં છે.
- હકીકતઃ ફક્ત ફાઇબર પાવડર લઇ લેવાથી શરીરને વિટામિન સી, ફોલેટ, પોટેશિયમ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ મળી જાય છે એવું નથી. એક વાટકી ફણગાવેલા મગમાં જેટલું ફાઇબરનું પ્રમાણ હોય છે તેટલું ફાઇબર સપ્લિમેન્ટ કે અન્ય પોષક તત્વો નથી હોતા. હંમેશા યાદ રાખો કે ફાઇબર સપ્લિમેન્ટ્સ કરતાં વધુ કુદરતી છે.
• મિથઃ દરેક સ્મૂધી કે જ્યુસ હેલ્ધી હોય છે.
- હકીકતઃ એક રેડિમેડ મેન્ગો સ્મૂધીમાં સરેરાશ 250-300 કેલરી અને 25-30 ગ્રામ સુગર હોઇ શકે છે, જે કોલ્ડ ડ્રીન્ક કરતાં વધુ છે. વળી તેને લાંબો સમય ટકાવી રાખવા માટે પ્રિઝર્વેટિવ્સ ઉમેરાયા હોય એ તો ઉલગ. આની સામે ઘરે બનાવેલી પાલક, લીંબુ, કાકડીની સ્મૂધીમાં માત્ર 80-100 કેલરી હોય છે. એટલું જ નહીં, તેમાં સુગરનું પ્રમાણ પણ નહીંવત્ હોય છે.