હેલ્થ ટિપ્સઃ ટાઇપ-૨ ડાયાબિટીસમાં પણ આપે રાહત દાડમ

Sunday 18th October 2020 06:15 EDT
 
 

તબીબી નિષ્ણાતોના મતે દાડમનો દડો પ્રોટીન, ફાઇબર, વિટામિન-સી, વિટામિન-કે, ફોલેટ અને પોટેશિયમ જેવા ગુણોનો પાવરહાઉસ છે. દાડમના સેવનથી તમને આ દરેક પોષકતત્ત્વની પ્રાપ્તિ થાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. દાડમના દાણા અને જ્યૂસ બંને તમે આરોગી શકો છો પણ જ્યૂસના બદલે તે દાણા સ્વરૂપે વધારે ગુણકારી સાબિત થાય છે, તેથી બને ત્યાં સુધી તેના દાણા જ ખાવા જોઇએ. દાડમ વયસ્ક લોકો માટે જેટલું લાભદાયી છે તેટલું જ બાળક માટે પણ છે જ, તેનાથી બાળકના મગજનો વિકાસ સારી રીતે થતો હોવાથી બાળકને ચોક્કસપણે રોજ દાડમ ખવડાવવું જોઇએ. વયસ્ક લોકો માટે તે કઇ કઇ રીતે લાભદાયી સાબિત થાય છે તે જોઇએ.
• દાડમમાં અનેક એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ છે. તે માનવશરીરને ટાઇપ–૨ ડાયાબિટીસ અને મોટાપાથી બચાવવાનું કામ કરે છે. તે બ્લડમાં સુગર લેવલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.
• રેગ્યુલર ડાયટમાં દાડમનો સમાવેશ કરવાથી બ્લડ સરક્યુલેશન સારું બને છે. શરીરની નળીઓમાં લોહી અવિરતપણે વહ્યા કરે છે. ઘણી વાર આ લોહીનું પરિભ્રમણ શરીરના અમુક ભાગમાં ધીમું પડી જતું હોય છે, તેને પહેલાં જેવું જ કરવામાં દાડમનું સેવન મદદરૂપ થાય છે.
• બે અઠવાડિયાં સુધી સતત તેના સેવનથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. તેથી જેને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે પણ ડાયાબિટીસના દરદીની માફક રોજ દાડમ ખાવું જોઇએ.
• જે વ્યક્તિ પોતાનું વજન ઘટાડવાના પ્રયત્નો કરતી હોય તેમણે રોજ એક કપ દાડમના દાણા ખાવા જોઇએ, તેનાથી વજન ઘટશે તેમજ સ્વાસ્થ્ય પણ સુધરશે.
• દાડમના નિયમિત સેવનથી આંતરડાનું સ્વાસ્થ્ય સુધરે છે. તેની કામગીરી મજબૂત બને છે. આંતરડાની કામગીરી મજબૂત બનવાથી પાચન સંબંધિત તકલીફો અને આંતરડાના રોગથી દૂર રહી શકાય છે. અપચાની સમસ્યા દાડમ ખાવાથી દૂર થઇ શકે છે.
• આપણે આગળ જાણ્યું તે પ્રમાણે દાડમમાં વિભિન્ન વિટામિન અને ખનિજનો ભરપૂર સ્ત્રોત હોય છે, જે શરીર માટે ખૂબ ગુણકારી છે, તે શરીરને કેન્સર અને હૃદયરોગની સમસ્યાથી પણ દૂર રાખવામાં મદદરૂપ થાય છે. આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદ વારંવાર કહેતાં આવ્યાં છે કે તમે કુદરતે બનાવેલાં ફળફળાદી તેમજ શાકભાજીનું સેવન જેટલું વધારે કરશો તેટલું જ તમારા શરીરને લાંબા ગાળા સુધી મજબૂત રાખી શકશો. તમે વિટામિન્સ કે ખનીજની દવા લેવાને બદલે તેના કુદરતી સ્રોતનું સેવન કરશો તેટલું જ શરીર માટે તે વધારે લાભદાયી બનશે. શરીરને મોટી મોટી બીમારીથી બચાવવું હોય તો પોષણથી ભરપૂર ખાદ્યપદાર્થનું સેવન કરવું જરૂરી છે.
• દાડમમાં ફાઇબરની માત્રા પણ ખાસ્સા પ્રમાણમાં હોવાથી તેના સેવનથી કબજિયાતની સમસ્યામાંથી પણ છુટકારો મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter