હેલ્થ ટિપ્સઃ ડાયાબિટીસનું જોખમ ઘટાડવાની ૩ રીત

Saturday 05th June 2021 08:11 EDT
 
 

ડાયાબિટીસ અંગે મોટા ભાગના લોકોમાં એક માન્યતા એવી પ્રવર્તે છે કે, એ જેને થવાનો છે તેને જરૂર થશે. જોકે વિશેષજ્ઞો હજુ આ વાત માનતા નથી. હાર્વર્ડ મેડિકલ સ્કુલના પ્રોફેસર અને હાર્વર્ડ વૂમન્સ હેલ્થ વોચના એડિટર ઇન ચીફ ડો. હોપ રિકીઓટી કહે છે કે, પ્રી-ડાયાબિટીસનો ઇલાજ શક્ય છે. પ્રી-ડાયાબિટીસ એક એવી સ્થિતિ હોય છે, જ્યારે વ્યક્તિનું શરીર ગ્લૂકોઝને સરળતાથી ઊર્જામાં બદલી શકતું નથી. તેનાથી શૂગરનું સ્તર વધી જાય છે, પરંતુ એટલું નહીં કે તેને ડાયાબિટીસ કહી શકાય.
જોકે, આ સ્થિતિ આગળ જતાં બીમારીમાં બદલાઇ જાય છે. ડો રિકીઓટી કહે છે કે, એ સમયે જો તેમ વજન પાંચથી સાત ટકા ઘટાડી લીધું અને ખાણીપીણી સુધારી લીધી તો ડાયાબિટીસથી લાંબા સમય સુધી બચી શકાય છે. આવી વ્યકિતએ સપ્તાહમાં ઓછામાં ઓછી ૧૫૦ મિનિટ કસરત કરવી જોઇએ. ભોજનમાં ફળ, શાકભાજી, આખું અનાજ, હેલ્ધી ફેટ સામેલ કરવા જોઇએ, શુગર ઘટાડવી જોઇએ.
• કેલરી ઘટાડી દોઃ ભોજનમાં એડેડ શુગર ઘટાડો. આખું અનાજ લો, ફાઇબરનું પ્રમાણ વધારો, શાકભાજી અને ફળને ડાયેટમાં ખાસ સામેલ કરો. રેડ મીટથી દૂર રહો. કુલ મળીને તમારી કેલરી ઇનટેકને ઘડાડી દો.
• એક્સરસાઇઝ કરોઃ નિષ્ણાતો કહે છે કે, દરરોજ કસરત કરવાથી ડાયાબિટીસનું જોખમ ટળી જાય છે. સપ્તાહમાં ઓછામાં ઓછી ૧૫૦ મિનિટ એક્સરસાઇઝ કરીને ડાયાબિટિસને રિવર્સ પણ કરી શકાય છે.
• ૧૦ ટકા વજન ઘટાડોઃ જો ડાયાબિટીસનો ડર છે અને વજન વધારે છે તો તરત જ લગભગ ૧૦ ટકા જેટલું વજન ઘટાડવાના પ્રયાસ શરૂ કરો. વજન વધુ નથી તો આ કામ ૫ ટકા થી ૭ ટકા સુધી વજન ઘટાડવાથી પણ થઇ જશે.
આ ઉપરાંત લો-કેલેરી ડાયેટનો અમલ પણ લાભકારક સાબિત થઇ શકે છે. ઇંગ્લેન્ડમાં અભ્યાસમાં જાણવા મળ્યું કે, જે લોકોને નવો ડાયાબિટીસ છે, તેઓ લો કેલરી ડાયેટ પર જઇને બીમારીનો ઇલાજ કરી શકે છે. એક અભ્યાસમાં આવા દર્દીઓને બેથી પાંચ મહિના સુધી ૬૨૫થી ૮૫૦ કેલરીનો લિક્વિડ ડાયેટ અપાયો. ત્યાર પછી તેમને સામાન્ય ડાયેટ લેવા કહેવાયું. જોકે તેમાં પણ હેલ્ધી વસ્તુઓ જ લેવાની, જેથી વજન ન વધે. જોવા મળ્યું છે કે, લગભગ ૫૦ ટકા લોકોનું શુગર લેવલ એક વર્ષ સુધી વધ્યું ન હતું. જોકે, આવો ડાયેટ ડોક્ટરની સલાહ પર જ લેવો જોઇએ.
જોકે સૌથી શ્રેષ્ઠ બાબત છે - હેલ્ધી લાઇફસ્ટાઇલ. અહીં જણાવેલા તમામ ઉપાયો કરતાં પણ ડાયાબિટીસથી બચવા માટે સૌથી જરૂરી છે તંદુરસ્ત જીવનશૈલી. મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના ફિઝિશિયન ડો. મોનિક ટેલા કહે છે કે ‘ધ ડાયાબિટીસ પ્રિવેન્શન પ્રોગ્રામ’ એક લાંબા ગાળાનો અભ્યાસ છે. ૨૦ વર્ષના મેડિકલ રિસર્ચમાં એ સાબિત થયું છે કે, હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવો તો ડાયાબિટીસના ખતરાથી બચી શકાય છે. જો ડાયાબિટીસની બીમારી નવી છે તો તેને રિવર્સ પણ કરી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter