હેલ્થ ટિપ્સઃ તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા

Sunday 07th June 2020 08:45 EDT
 
 

વર્ષો પહેલાં તાંબાના વાસણનું બહુ ચલણ હતું. અરે, ઘણા લોકો તો પોતાના ઘરમાં તેને સજાવીને પણ મૂકતાં અને આપણાં બાપ-દાદા તો તેમાં જ ભોજન કરતાં. આમ તો તે સમયે તાંબાનાં વાસણને સ્ટેટસ સિમ્બોલ ગણવામાં આવતાં, પણ ખરું પૂછો તો આ વાસણનો સ્વાસ્થ્ય સાથે ઊંડો સંબંધ છે. આજકાલ ભલે આપણે સ્ટીલ અને નોનસ્ટિકનો ઉપયોગ કરતાં હોઈએ પણ ખરેખર તો તાંબુ સ્વાસ્થ્ય માટે ઘણું ગુણકારી છે. તેના વાસણમાં પાણી પીવાથી તેમજ ભોજન કરવાથી શરીરને શું શું ફાયદા થઇ શકે તે વિશે વાત કરીએ.
• તાંબુ કઇ રીતે ફાયદાકારક છે?
તાંબાને નેચરલ એન્ટિ-ઓક્સિડેન્ટ માનવામાં આવે છે. તેની અંદર સ્ટરીલાઇઝીંગના ગુણ સમાયેલા છે, જે બેક્ટેરિયાને પાણી અને ખોરાકથી દૂર રાખે છે. આયુર્વેદ પ્રમાણે તાંબુ શરીરના ત્રણ દોષ - વાત, પિત્ત અને કફને પણ શરીરથી દૂર રાખે છે તેમજ તે બોડી ડીટોક્સનું પણ કામ કરી જાણે છે.
• શરીરના દુખાવાથી રાહત
તાંબુ પાણી સાથે મળીને રાસાયણિક પ્રક્રિયા કરે છે. જેનાથી પાણીની અંદર એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ પેદા થાય છે. તેનાથી શરીરના દુખાવાની તકલીફ દૂર થાય છે.
• ગર્ભાવસ્થામાં ફાયદાકારક
તાંબાના વાસણમાં પાણી પીવું ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક છે. તે લાલ રક્તકોષિકાઓનું નિર્માણ કરે છે. આ ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે જરૂરી છે. ગર્ભવતી મહિલાના શરીરમાં લોહી અને રક્તકોષિકાઓ વધે એ તેના માટે જરૂરી છે.
• વજન ઘટાડવા માટે
તાંબામાં એવાં તત્ત્વ મળી આવે છે જે મેટાબોલિઝમને વધારવાની સાથેસાથે પાચનક્રિયા પણ મજબૂત બનાવે છે. તેનાથી ફેટ જલદીથી અને આસાનીથી બર્ન થઇ જાય છે. ફેટ બર્ન થાય એટલે વજન પણ આપોઆપ ઘટવા લાગે છે. આમ વજન ઘટાડવામાં પણ તાંબુ મદદરૂપ થાય છે.
• કેન્સરથી બચાવે
શોધ અનુસાર તાંબુ કેન્સરની શરૂઆતને રોકવામાં મદદરૂપ થાય છે, કેમ કે તેમાં કેન્સરવિરોધી તત્ત્વો ઉપલબ્ધ હોય છે. તે શરીરને ડીટોક્સ કરવાનું કામ પણ કરે છે, જેથી શરીરનો કચરો બહાર નીકળી જવાથી કેન્સરનું જોખમ પણ ઘટી જતું હોય છે.
• ઘાવ જલદી સાજા કરે
તાંબામાં એન્ટિ-વાઇરલ, એન્ટિ-બેક્ટેરિયલ તેમજ એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે વાગ્યાના ઘાવને જલદી રૂઝાવામાં મદદ કરે છે.
• થાઇરોઇડમાં લાભકારક
જેમને થાઇરોઇડની તકલીફ હોય તેના માટે તાંબુ અકસીર માનવામાં આવે છે. શરીરમાં થાઇરોક્સિન હોર્મોનના અસંતુલનના કારણે થાઇરોઇડની સમસ્યા થતી હોય છે. પણ તાંબાના વાસણમાં પાણી પીવાથી આ હોર્મોન્સ કંટ્રોલમાં રહે છે, જેથી થાઇરોઇડ વકરતો નથી. સ્ત્રીઓને આ સમસ્યા ન થાય તે માટે ખાસ તેમણે તાંબાના વાસણમાં જ પાણી પીવું જોઇએ.
• યાદશક્તિ વધારવા
નાનાં બાળકોને પણ તાંબાના વાસણમાં પાણી પીવડાવવું જોઇએ, કારણ કે તેનાથી યાદશક્તિ મજબૂત બને છે. દિમાગ તેજ બને છે. આમ નાનાં બાળકો અને વૃદ્ધો માટે તાંબાના વાસણનો ઉપયોગ જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter