હેલ્થ ટિપ્સઃ ત્વચા પર પણ જોવા મળે છે સ્ટ્રેસની અસર

Saturday 02nd March 2024 08:15 EST
 
 

ત્વચા શરીરનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે. વ્યક્તિ પર માનસિક, શારીરિક કે હોર્મોનલ કોઈ પણ સ્તરે થતા પરિવર્તનની અસર સૌથી પહેલા અહીં જોવા મળે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના અનુસાર તમે જ્યારે માનસિક તણાવ (સ્ટ્રેસ)માં હોવ છો ત્યારે શરીર અડધા પ્રમાણમાં કાર્ટિસોલ હોર્મોન બનાવે છે. આ હોર્મોન વિવિધ પ્રકારની અસર તરીકે સામે આવે છે. હેલ્થ મેગેઝિન હેલ્થલાઈન દ્વારા જાણો તણાવ (સ્ટ્રેસ) ત્વચા પર કેવી રીતે અસર કરે છે.
• ત્વચાસંબંધિત રોગોનું એક કારણઃ મગજમાં જ્યારે અનિયંત્રિ રીતે વિચારો દોડવા લાગે છે તો ત્વચાની સુરક્ષાત્મક ક્ષમતા પ્રભાવિત થાય છે. અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિસિનના અનુસાર તણાવને કારણે ત્વચા સંતુલિત રહી શકતી નથી, જેના કારણે તે ખેંચાય છે કે તેના પર ખંજવાળ થવા લાગે છે. જોકે, તેના અન્ય કારણ પણ હોઈ શકે છે.
• પાતળી અને સંવેદનશીલ ત્વચાઃ કાર્ટિસોલને કારણે ત્વચાનું પ્રોટીન ઝડપથી તૂટવા લાગે છે, જેનાથી ત્વચા કાગળની જેમ પાતળી થવા લાગે છે. ત્વચા ફાટી જવી કે ઉતરવા જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે. જેને કુશિંગ સિન્ડ્રોમ કે હાઇપર કાર્ટિસોલિઝમ કહે છે.
• વાળ ખરવા, નખ તૂટી જવાઃ સ્ટ્રેસ દરમિયાન ગ્રંથીઓ કાર્ટિસોલ હોર્મોનનું નિર્માણ કરે છે, અને આ દરમિયાન વાળને તંદુરસ્ત રાખતા હોર્મોનનું ઉત્પાદન ઘટી જાય છે. આ હોર્મોન મેટાબોલિઝમ, મગજની ગતિવિધિઓ, કોશિકાઓના પુનઃ નિર્માણને પણ પ્રભાવિત કરે છે, જેની અસર નખ પર જોવા મળે છે. નખ નબળા થઈને તુટવા લાગે છે.
• ઘા રુઝાવામાં સમય લાગવોઃ હકીકતમાં વધુ પડતા તણાવમાં રહેવાથી ત્વચાનું ઉપરનું પડ નબળું પડે છે, જેના કારણે સંક્રમણથી પ્રભાવિત થવાનું જોખમ વધી જાય છે. પરિણામે ઘા, નિશાન, ખીલ વગેરેને સાજા કરવાની ત્વચાની કુદરતી ક્ષમતા પ્રભાવિત થાય છે.
તો આ સ્ટ્રેસ ઘટાડવા શું કરવું જોઇએ?
માનસિક તણાવ ઘટાડવાના અનેક ઉપાય છે. જોકે સૌથી અકસીર ઉપાય છે - નિયમિત યોગ કે મેડિટેશન કરો. આ ઉપરાંત મનપસંદ ગીત-સંગીત સાંભળો, તણાવ વધારતા પરિબળોને ટાળો, મનગમતી પ્રવૃત્તિ કરો. આર્ટિફિશિયલ ફૂડ્સ કે સ્વીટનરને ટાળો કેમ કે તેમાં એસ્પાર્ટેમ નામનું તત્વ હોય છે, જે માનસિક સમસ્યાઓ વધારી શકે છે. શક્ય તેટલા વધુ પ્રમાણમાં ફળો અને નટ્સનું સેવન કરો, જે બ્લડપ્રેશર ઘટાડે છે. દિનચર્યાને નિયમિત કરવાનો પ્રયાસ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter