હેલ્થ ટિપ્સઃ ધાણાઃ હૃદયને પ્રિય અને અઢળક ગુણોથી ભરપૂર

Saturday 18th July 2020 06:07 EDT
 
 

આયુર્વેદ પ્રમાણે ધાણા હદ્ય અર્થાત્ હૃદયને પ્રિય અને હિતકારી છે. આથી જ શુભ પ્રસંગોએ શુકન દ્રવ્ય તરીકે ‘ગોળધાણા’ અચૂક ખવડાવવામાં આવે છે. તો વળી ભારતીય પરિવારોની રસોઇમાં વપરાતા મસાલામાં ધાણાનું આગવું મહત્ત્વ છે. રસોઇમાં સ્વાદ અને સુગંધ લાવવા માટે આપણે તેનો દરરોજ ઉપયોગ કરીએ છીએ. પ્રાચીન કાળથી અત્યાર સુધી આયુર્વેદીય ચિકિત્સકો પણ તેનો ઔષધ તરીકે ઉપયોગ કરતા આવ્યા છે. ધાણામાં અનેક ઔષધીય ગુણો રહેલા છે અને આ ગુણોને જોઇને જ તેને આપણા રસોડામાં સ્થાન આપવામાં આવ્યું છે. આ વખતે આપણા રસોડામાં બિરાજતાં આ દ્રવ્યનો આયુર્વેદની દૃષ્ટિએ પરિચય મેળવીએ.
ધાણા ભારતમાં સર્વત્ર ખેતર, વાડીઓ તથા ઘરના આંગણામાં પણ ખૂબ થાય છે. ઊંડી, કાળી જમીનમાં તે સારા પ્રમાણમાં થાય છે. ધાણાના છોડ એકથી દોઢ ફૂટ ઊંચા, અનેક પાતળી શાખાઓવાળા અને સુગંધિત હોય છે. લીલા છોડને આપણે ત્યાં ‘કોથમીર’ કે ‘કોથમરી’ અને તેનાં ફળને ‘સુકા ધાણા’ કહે છે.
ધાણા સ્વાદમાં તૂરા, કડવા, મધુર અને તીખા, ભૂખ લગાડનાર, આહાર પચાવનાર, પચવામાં હળવા, મુત્ર ઉત્પન્ન કરનાર, ઝાડાને રોકનાર અને ત્રિદોષનાશક છે. ધાણા તરસ, દાહ-બળતરા, ઝાડા-ઊલટી, દમ, હરસ, કૃમિ, તાવ, ઉધરસ વગેરેને મટાડનાર છે. પિત્તના રોગ અને શરીરની ખોટી ગરમીમાં ધાણાનો ઉપયોગ કરવા જેવા છે.
રાસાયણિક દૃષ્ટિએ ધાણામાં સ્વાદ અને સુગંધ તેમાં રહેલા એક સુગંધિત તેલને આભારી છે. આ તેલનો મુખ્ય ઘટક ‘કોરિએન્ડ્રોલ’ છે.
હવે આપણે ધાણાના કેટલાક ઉપયોગ જોઇએ. આમવાતથી પીડાતા રોગીઓ માટે આયુર્વેદમાં એક ખૂબ જ ઉત્તમ ઉપચાર દર્શવાયો છે. આમવાત એક ગંભીર વ્યાધિ છે. આહારવિહારમાં સંયમ રાખીને આ ઉપચાર લાંબો સમય કરવો. સૂંઠ, ધાણા અને એરંડાના મૂળને સરખા વજને લાવી ભેગાં ખાંડી લેવા. રોજ સવારે એક ગ્લાસ પાણીમાં બે ચમચી આ ભુક્કો નાખીને ઉકાળવો. એક કપ પ્રવાહી બાકી રહે એટલે આ ઉકાળો ગાળી, ઠંડો પાડીને પી જવો. આ પ્રમાણેના ઉપચારથી આમવાતના દર્દીઓને અવશ્ય લાભ થાય છે.
ધાણાને અધકચરા ખાંડીને તેનો ભુક્કો કરી લેવો. બે ચમચી જેટલો આ ભુક્કો એક કપ પાણીમાં મેળવીને આખી રાત ઢાંકીને રહેવા દેવો. આયુર્વેદમાં આને ‘ધાન્યકહિમ’ કહે છે. સવારે ગાળીને આ હિમમાં એક ચમચી સાકર મેળવીને પીવાથી શરીરની આંતરિક ગરમી અને તરસ મટે છે. આ હિમ પેશાબ છૂટથી લાવે છે અને મૂત્રવાહી માર્ગની શુદ્વિ કરે છે. પિત્તના રોગો અને શરીરમાં ખૂબ જ બળતરા થતી હોય તેમના માટે આ ઉપચાર ઘણો જ લાભદાયી છે.
આયુર્વેદ પ્રમાણે તાવમાં જઠરાગ્નિ મંદ થઇ જાય છે. જો જઠરાગ્નિ ખૂબ જ મંદ થઇ જાય તો સાદું પાણી પણ પચવામાં ભારે પડે છે. આ સમયે રોગીને પીવા માટે સાદા પાણીને બદલે ધાણાનું પાણી આપવું હિતકારી છે.
આ માટે એક લિટર પાણીને ખૂબ ઉકાળી, તેમાં એક ચમચી ધાણાનું ચૂર્ણ મેળવી દેવું. આ પાણીને ઢાંકીને ઠરવા દેવું. તાવના દર્દીને આ જ પાણી થોડું થોડું પીવા આપવું. આ પાણી જઠરાગ્નિને ધીમે ધીમે પ્રદીપ્ત કરનાર અને શરીરના સૂક્ષ્મ માર્ગોની શુદ્વિ કરનાર છે.
આ જ પ્રમાણે માત્ર ધાણા અને સૂંઠનો ઉકાળો કરીને પીવાથી અજીર્ણના દર્દીઓને લાભ થાય છે. અજીર્ણમાં એકાદ દિવસ ઉપવાસ કરી, માત્ર ઉકાળેલું પાણી અને આ ઉકાળાનું સેવન કરવામાં આવે તો આમનું પાચન થઇ જઠરાગ્નિ પ્રદીપ્ત
થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter