(અગાઉથી ચાલુ...)
વીતેલા પખવાડિયે આપણે વાત કરતાં હતાં કે જ્યારે પણ પથરીની સમસ્યા સર્જાય ત્યારે કઇ કઇ બાબતની તપાસ કરાવવી જરૂરી બની જતી હોય છે.
• લોહીની તપાસઃ પથરીનું કારણ જાણવા લોહીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, યુરિક એસિડની તપાસ કરાવવી પડે છે. પથરીને લીધે કિડનીનું કામકાજ ખોરવાયું હોય તો લોહીમાં યુરિયા અને ક્રિએટીનીનનું પ્રમાણ વધુ જોવા મળે છે.
પેટના એક્સ-રેની તપાસ
દર્દીને ઊભો રાખીને પાડેલા પેટના સાદા એક્સ-રેમાં પથરીઓ જોઈ શકાય છે, સિવાય કે યુરિક એસિડની પથરી હોય. યુરિક એસિડની પથરીમાંથી ક્ષ-કિરણો પસાર થઈ જતા હોવાથી આ પથરી સાદા એક્સ-રેમાં જોવા મળતી નથી.
પેટનો સાદો એક્સ-રે પાડતાં પહેલાં રાત્રે સૂતી વેળા જુલાબ આપીને દર્દીનું પેટ સાફ કરવું પડે છે, નહીંતર પાચનમાર્ગમાં રહેલો ગેસ નિદાનમાં મુશ્કેલી સર્જે છે. કિડનીમાં અને મૂત્રવાહિનીમાં પડેલી કેટલીક પથરી જેવી જ પરિસ્થિતિઓમાં નિદાન દરમિયાન ભૂલ થવાનું જોખમ સંભવ છે. જે નીચે મુજબ છે.
(૧) કિડનીના એરિયામાં આવેલી આંતરડાની બરડ થયેલી લસિકા ગ્રંથિઓ.
(૨) કેટલીક કોટિંગવાળી કેપ્સ્યૂલ, આયર્નની ગોળી જે આંતરડામાં આખી પડેલી હોય.
(૩) જમણી બાજુની કિડનીની પથરીને પિત્તાશયની પથરીથી જુદી પાડવી પડે છે.
(૪) સુકાયેલા મળની નાની ગોળીઓ
(૫) બારમી, એટલે કે છેલ્લી પાંસળીનો બરડ થયેલો છેડો.
(૬) કિડનીના ટીબીને લીધે બરડ થઈ ગયેલો કિડનીનો ભાગ.
(૭) કિડનીની ઉપર આવેલી અધિવૃક્ક ગ્રંથિ, જે બરડ થઈને કેલ્સિફાઈડ થયેલી હોય.
(૮) કરોડરજ્જૂના મણકાનો તૂટેલો છેડો.
આ તમામ પરિસ્થિતિને પથરીથી જુદી પાડવી જરૂરી છે. કિડનીની આગળ રહેલો ડાઘ જુદો પાડવા ‘લેટરલ વ્યૂ’ લેવાથી નિદાન સરળ બને છે.
IVPની તપાસ
જે ડાઇમાંથી ક્ષ-કિરણો પસાર ન થાય અને કિડનીમાંથી ત્વરિત નીકળવા માંડે તેવી ડાઇ દર્દીને નસમાં ઇંજેક્શન રૂપે આપી જુદા-જુદા સમયે પેટના એક્સ-રે પાડવામાં આવે છે. આ તપાસ કરવાની હોય છે ત્યારે દર્દીને ૮ કલાક પહેલાંથી કોઈ પ્રવાહી આપવું નહીં અને ડાઈ નાખતા પહેલાં પેશાબ કરાવીને કોથળી ખાલી કરવામાં આવે છે.
જો દર્દીને ડાઈની એલર્જી હોય, દમ હોય કે પછી કિડની સાવ કામ ન કરતી હોય તો આ તપાસ કરી શકાતી નથી. ઇંજેક્શન આપ્યા પછી ૫, ૧૦, ૧૫ અને ૨૫ મિનિટના અંતરે ફોટા પાડવાથી ડાઈ કિડનીમાં પેશાબ સાથે નીકળતી જોઈ શકાય છે.
આ તપાસથી તમામ પ્રકારની પથરીઓ માર્ગમાં વચ્ચે ડાઘ રૂપે જોઈ શકાય છે. આ ડાઇ જ્યારે મૂત્રાશયમાં આવે છે ત્યારે તેની સાથે પથરી પણ ડાઘ રૂપે દેખાય છે. દર્દી પેશાબ કરતો હોય ત્યારે ફોટા પાડવાથી મૂત્રનલિકાની પથરી પણ દેખાય છે. આ તપાસને ‘સિસ્ટો યુરેથ્રોગ્રાફી’ કહે છે.
એન્ડોસ્કોપીની તપાસ
હવે તો જુદા-જુદા પ્રકારના અત્યાધુનિક એન્ડોસ્કોપ સાધન આવી જવાથી છેક મૂત્રવાહિનીના ઉપરના ભાગ સુધીની તપાસ કરી શકાય છે. અંદર સ્કોપ પસાર કરતી વેળા જો સામે પથરી અથડાય તો ‘ક્લિક’ અવાજ થાય છે. પથરીનું સ્વરૂપ, આકાર અને સાઈઝ એન્ડોસ્કોપી દરમિયાન જોઈ શકાય છે. નાની પથરીઓને તો એન્ડોસ્કોપ મશીના ‘ક્રશર’ વડે તોડીને બહાર કાઢી પણ શકાય છે.


