હેલ્થ ટિપ્સઃ પરિવાર સાથે ભોજન કરવાથી તણાવ દૂર થાય છે, ખુશી વધે છે

Saturday 22nd October 2022 07:02 EDT
 
 

હંમેશા ખુશ અને સ્વસ્થ રહેવા માટે દુનિયાભરના દેશોમાં ડિનર થેરપીનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. તેને પારિવારિક તણાવ દૂર કરવા માટેની સિક્રેટ ફોર્મ્યુલા માનવામાં આવે છે. વાસ્તવમાં, અમેરિકન હાર્ટ એસોસિયેશનના સંશોધકોએ રિસર્ચમાં ખુલાસો કર્યો છે કે 91 ટકા માતાપિતા માને છે કે પરિવાર સાથે ભોજન કરવાથી તણાવ દૂર થાય છે. એટલું જ નહીં, વ્યક્તિની ખુશીમાં પણ વધારો થાય છે.
વાસ્તવમાં, વેકફિલ્ડ રિસર્ચ દ્વારા 1,000 અમેરિકન વયસ્કો પર હેલ્ધી ફોર ગુડ મૂવમેન્ટ અંતર્ગત એક સર્વે કરાયો હતો. જે મુજબ 84 ટકા લોકો પ્રિયજનો સાથે મહત્તમ સમય ભોજન કરવા ઇચ્છુક છે, કારણ કે સરેરાશ વયસ્કો લગભગ અડધો સમય એકલા જ ભોજન કરે છે. આમાંના ત્રણમાંથી બે લોકો કેટલાક અંશે તણાવગ્રસ્ત તો 27 ટકા વધુ તણાવગ્રસ્ત જણાયા હતા. સંશોધકો અનુસાર સતત તણાવથી હૃદયરોગ અને સ્ટ્રોકનો ખતરો વધે છે. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં કાર્ડિયોલોજીમાં સહયોગી ડાયરેક્ટર, અમેરિકન હાર્ટ એસોસિયેશનના પ્રો. એમ.એચ.એસ. એરિન મિચોસે કહ્યું કે અન્ય સાથે ભોજનથી તણાવ ઘટે છે. આત્મસન્માન વધે છે. ખાસ કરીને બાળકો માટે સામાજિક સંબંધોમાં સુધારા માટે આ શ્રેષ્ઠ રીત છે. તેનાથી પરિવાર, મિત્રો, સહકર્મીઓ અને પાડોશીઓ સાથેના સંબંધનું મહત્ત્વ સમજાય છે. 54 ટકા લોકોના મતે સાથે ભોજન કરવાથી તેઓને કામ દરમિયાન બ્રેક લેવાની યાદ અપાવે છે.
દર 10માંથી 6 લોકોનું - મતલબ કે 60 ટકા લોકોનું - કહેવું છે કે તેઓ અન્ય લોકો સાથે આરોગ્યપ્રદ ભોજન લેવાનું પસંદ કરે છે. નિષ્ણાતો કહે છે કે જો કોઇક કારણસર તમે પરિવાર સાથે વ્યક્તિગત રીતે ભોજન કરવા સમર્થ ન હોવ તો વીડિયો કોલ કરીને પણ સાથે ભોજનનો અનુભવ કરી શકો છો. આજના જમાનામાં આમાં કંઇક મુશ્કેલ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter