હેલ્થ ટિપ્સઃ પલાળેલા ચણા ખાવાના ફાયદા

Saturday 30th May 2020 08:40 EDT
 
 

રોજ સવારે એક નાનો બાઉલ પલાળેલા ચણા ખાવાથી અનેક બીમારી સામે રક્ષણ મળે છે. ચણામાં વિવિધ પ્રકારના વિટામિન અને મિનરલ્સ હોય છે જેથી તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.
• બ્લડ સુગર નિયંત્રિત રહેઃ બ્લડ સુગરને નિયંત્રિત રાખવા પલાળેલા ચણાનું સેવન કરવું જોઇએ. તેમાં ફાઇબર હોવાથી બ્લડ સુગરને નિયયંત્રિત રાખે છે.
• પાચનક્રિયા સુધારેઃ પલાળેલા ચણામાં પ્રચૂર માત્રામાં ફાઇબર સમાયેલા હોય છે. ફાઇબરનું મુખ્ય કામ ભોજન પચાવવાનું હોય છે, તેથી ચણા પાચનક્રિયા સુધારે છે.
• વજન અંકુશમાં રાખેઃ વધેલા વજનથી કંટાળેલા લોકો માટે ચણા લાભકારક છે. ચણામાં ગ્લાઇસેમિક ઇન્ડેકસ નામનું તત્વ હોય છે જે ભૂખ ઓછી કરે છે, તેથી વજન ઘટે છે.
• કેન્સરનું જોખમ ઘટાડેઃ પલાળેલા ચણાનું સેવન કેન્સરના જોખમને ઓછું કરે છે. તેમાં બ્યૂટિરેટ નામનું ફેટી એસિડ સમાયેલું છે, જે કેન્સરનો ઉદભવ કરતી કોશિકાઓનો નાશ કરવામાં મદદ કરે છે.
• આંખ માટે ગુણકારીઃ ચણાનું સેવન આંખની જ્યોતિ વધારે છે. તેમાં સમાયેલું બીટા કેરોટિન તત્વ આંખની કોશિકાઓને નુકસાન થતાં બચાવે છે. જેથી દૃષ્ટિની ક્ષમતા સ્વસ્થ રહે છે.
• હિમોગ્લોબિનની ઊણપ નિવારેઃ લોહીમાંના રક્ત કણની ઊણપ ધરાવતી વ્યક્તિને એનિમિક કહેવામાં આવે છે. પલાળેલા ચણા રોજ ખાવાથી ચણામાં મોજૂદ આયર્ન મળે છે. જે આપણા શરીરમાં હિમોગ્લોબિનની પર્યાપ્ત માત્રાને જાળવી રાખે છે.
• ગર્ભવતી મહિલાઓ માટે ગુણકારીઃ ગર્ભવતી મહિલાઓ માટે ચણાનું સેવન ગુણકારી છે કેમ કે તેમાં પ્રોટીન પ્રચૂર માત્રામાં છે. તે ઉદરમાં ઉછરી રહેલા શિશુ માટે પણ ફાયદાકારક પુરવાર થાય છે તેમજ માતાને પણ સ્ફૂર્તિ રહે છે.
• વાળ માટે લાભકારકઃ પલાળેલા ચણામાં વિટામિન-એ, બી અને વિટામિન-ઈ હોય છે જે વાળને સ્વસ્થ અને મજબૂત રાખે છે. ચણા પચવામાં ભારી હોય છે, તેથી પોતાની પાચન શક્તિ અનુસાર ખાવા જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter