હેલ્થ ટિપ્સઃ પ્રદૂષણના પ્રભાવથી બચાવતા ખાદ્ય પદાર્થો

Saturday 23rd November 2019 05:27 EST
 
 

દુનિયાભરમાં લોકો દિન-પ્રતિદિન વધી રહેલા પ્રદૂષણથી પરેશાન છે. આ પ્રદૂષણનો સામનો કરવામાં અમૂક ખાદ્ય પદાર્થ ખૂબ મદદરૂપ થઈ શકે છે. તેના નિયમિત સેવનથી પ્રદૂષણથી શરીરને થતું નુકસાન મહંદ અંશે ઓછું થઈ શકે છે. તો ચાલો જાણીએ એવાં ખાદ્ય પદાર્થો વિશે...
• કેળાંઃ પોટેશિયમની ઉણપના કારણે શ્વાસ સેવામાં તકલીફ થાય છે. કેળા તેની કમી પૂરી કરે છે. કેળાંમાં પાયરીડોક્શન મતલબ કે વિટામિન બી-૬ ભરપૂર પ્રમાણમાં હોય છે. પાયરીડોક્સિન બ્રોન્કાયલ મસલ ટીસ્યૂને આરામ મળે તે માટે બનતા મોલેક્યુલસનું નિર્માણ કરે છે. કેળાં ઉપરાંત સીતાફળમાંથી પણ વિટામીન બી-૬ સારા પ્રમાણમાં મળી શકે છે. તેથી કેળાની અવેજીમાં તમે સીતાફળ પણ ખાઈ શકો છો.
• લવિંગઃ વાતાવરણમાં ખરાબી, પ્રદૂષણ આ બધું જ્યારે શ્વાસમાં જાય છે ત્યારે તમને ઇન્ફેકશન લાગે છે અને તેનાથી સૌથી પહેલાં તમને શરદી થતી હોય છે. આ સ્થિતિ નિવારવા માટે લવિંગને મોઢામાં રાખો. લવિંગ ગળા અને અન્નનળીમાં જમા થતાં કફને દૂર કરવાનું કામ કરશે. તેમજ શ્વાસનળીમાં પ્રદૂષણથી થતાં ઇન્ફેકશનને રોકવાનું પણ કામ કરે છે. જો તમારે લવિંગ સીધું મોઢામાં રાખવું ન ગમતું હોય તો તમે લવિંગવાળી ચા પણ પી શકો છો. જોકે સૌથી શ્રેષ્ઠ ઉપાય એ જ રહેશે કે બહાર જતી વેળાએ તમે માત્ર એક લવિંગને જીભ નીચે રાખો અને તેનો રસ ચુસતાં રહો. લવિંગ માઉથફ્રેશનરનું કામ પણ બખૂબી કરે છે. આથી તમે મોઢાંમાંથી આવતી ગંદી વાસથી પણ બચી શકો છો.
• લસણઃ ફેફસા સુધી લોહી પહોંચાડતી નળીઓને મજબૂત રાખવાનું અને હેલ્ધી રાખવાનું કાર્ય કરે છે લસણ. લસણનો નિયમિત ઉપયોગ પ્રદૂષણથી થતાં ઇન્ફેક્શનથી પણ શરીરને બચાવે છે. એટલું જ નહીં, હાઈ બીપીવાળા પેશન્ટને પણ લસણ ખાવાની ડોક્ટર સલાહ આપતાં હોય છે.
• દ્રાક્ષઃ દ્રાક્ષમાં રિસ્વેરાટ્રોલ ભરપૂર પ્રમાણમાં હોય છે. તે ફેફસાંની કોશિકાઓની દીવાલની થીકનેસને ઓછી કરે છે. તેની ઉપર ચડેલા સોજાને ઘટાડે છે, જેથી ફેફસાં હવામાં રહેલા પ્રદૂષિત કણોથી લડવા માટે મજબૂત બને છે.
• આમળાંઃ શરીરને પ્રદૂષણથી બચાવવામાં વિટામીન-સીનો મોટો ફાળો હોય છે. ખાસ તો પ્રદૂષણથી ફેફસાંને જે નુકસાન પહોંચે છે તેને ઓછું કરવામાં વિટામીન-સી સક્રિય ભાગ ભજવે છે અને આમળાંમાં વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે. આમ આમળાં શરીર માટે ખૂબ લાભદાયી છે. આમળા સિવાય સંતરા, મોસંબી વગેરેમાં પણ વિટામિન-સીનું પ્રમાણ ઘણું હોય છે. આથી તમે આમળાંની અવેજીમાં સંતરા, મોસંબી કે બીજા ખાટાં ફળ પણ આરોગી શકો છો.
• ફૂદીનોઃ પ્રદૂષિત કણોથી શરીરને બચાવવા આપણું શરીર હિસ્ટેમાઈન નામના રસાયણનો સ્રાવ કરતું રહે છે. પ્રદૂષણ શ્વાસમાં જતાં જ ઘણાનું નાક બંધ થઈ જાય છે. શરીદની તકલીફ થાય છે કે છીંક જેવી તકલીફ શરૂ થઈ જાય છે. ઇન્ફેકશન શરીરમાં વધી જતાં આ તકલીફમાં વધારો થાય છે. ફુદીનામાં રહેલા એન્ટિહિસ્ટેમાઈન શ્રેષ્ઠ એન્ટિડોટનું કામ કરે છે. જે તમારા શરીરમાં બનતાં હિસ્ટેમાઈનને મજબૂતી આપે છે. એટલું જ નહીં, શરીરમાં ઇન્ફેક્શનને કારણે તેનું પ્રમાણ ઘટી જાય તો ફૂદીનો તેનું પ્રમાણ વધારવાનું કાર્ય પણ કરે છે. આથી જ ફુદીનાવાળી ચા, ફુદીનાની ચટણી, લીંબુ શરબતમાં ફૂદીનો નાખીને અથવા તો ફુદીનાનો જ્યૂસ પીવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter