હેલ્થ ટિપ્સઃ પ્લાન્ટિંગનો શોખ વિકસાવી જીવનને બનાવો હરિયાળું

Sunday 30th January 2022 06:11 EST
 
 

જીવનમાં કોઈને કોઈ વસ્તુનો શોખ વિકસાવવો જરૂરી છે. આ વણલખ્યો નિયમ સહુ કોઇને લાગુ પડે છે, અને તેમાંય ખાસ કરીને વડીલોને. તેનાથી જીવન વ્યસ્ત રહે છે અને આપણને એ કામ કરવાની મજા પણ આવે છે. પ્લાન્ટિંગ નાના-મોટા સૌને ગમતો શોખ છે. તેનાથી ઘર સુંદર લાગે છે અને ઘરમાં પોઝિટિવ વાઈબ્સ આવે છે. આથી જ જિંદગીભરની દોડધામ બાદ ઘડપણમાં શોખ વિકસાવવા માટે પ્લાન્ટિંગ સારો વિકલ્પ છે. નવરાશના સમયમાં ઘરમાં નાના-નાના ફૂલ-છોડ રોપીને ઘરમાં એક નાનું ગાર્ડન બનાવી શકો છો. તેનાથી તમારા સમયનો સદુપયોગ થાય છે, વાતાવરણ ખુશનુમા લાગે છે અને હકારાત્મક માહોલ સર્જાય છે. ઘરમાં ફૂલ-છોડ રોપવાના શારીરિક અને માનસિક રીતે અનેક ફાયદા છે.
Z સમયનો કરો સદુપયોગ: ઘડપણમાં વડીલો પાસે સમય જ સમય હોય છે. આ સમયનો સદુપયોગ કરીને તમે પ્લાન્ટિંગનો શોખ વિકસાવી શકો છો. તેનાથી ઘરની શોભામાં વધારો થશે અને ફૂલ - છોડ રોપવાથી તમે સ્વચ્છ હવા મેળવી શકો છો. ઘડપણમાં જ્યારે કરવા માટે કોઈ કામ ન હોય ત્યારે સમય જલ્દી પસાર થતો નથી. સમય જાણે ત્યાં જ થંભી ગયો હોય એમ લાગે છે, પણ જ્યારે તમે તમારી જાતને કાર્યરત રાખશો ત્યારે તમારો સમય ક્યાં નીકળી જશે એ ખબર પણ નહીં પડે. તમને જે પ્રવૃત્તિ ગમતી હોય તેમાં કાર્યરત રહો. તેનાથી તમારો સમય પણ પસાર થઈ જશે અને એ કાર્ય કરવાની તમને મજા પણ આવશે.
Z આંખોનું જતન: એ તો આપ સહુએ સાંભળ્યું જ હશે કે, રોજ લીલા ઘાસ પર ચાલવાથી આંખોનું તેજ વધે છે. વહેલી સવારે છોડવાઓની ગ્રીનરી જોવાથી પણ આંખોને ઘણા ફાયદા થાય છે. મન તરોતાજગીનો અહેસાસ કરે છે. ઘરમાં નાના ફૂલ-છોડ રોપવાથી પણ તેનાં લાભ જ લાભ છે. આ ઉપરાંત ઘરની બહાર ગાર્ડનમાં રોજ ચાલવા જાવ. તેનાથી આંખોની સમસ્યામાં કેટલાક અંશે ફાયદો થાય છે.
Z પોઝિટિવ વાઈબ્સ: ઘરમાં પ્લાન્ટિંગ કરવાથી એક અનેરો આનંદ મળે છે. નાના-નાના કૂંડામાં માટી અને ખાતર નાખીને સરસ મજાના નાના ફૂલ-છોડ રોપવાથી તમે તાજગી અનુભવશો. ફૂલ-છોડ રોપતી વખતે તો આનંદ મળે જ છે, પણ સાથે સાથે રોજ તેમાં પાણી નાંખવાથી માંડીને તેને મોટા થતાં જોવાની પણ એક અહલાદક લાગણી હોય છે. જ્યારે છોડવા થોડા મોટા થઈ જાય અને તેના પર સરસ મજાના ફૂલ બેસે ત્યારે એક અલગ જ આનંદ મળતો હોય છે. તેને જોઈને પોતાનામાં એક હકારાત્મક અભિગમ આવે જ છે, પણ સાથે સાથે ઘરમાં પણ હકારાત્મક માહોલ સર્જાય છે.
Z સ્વાસ્થ્યમાં ઉજાસ : તમારા મનગમતા ફૂલ-છોડ વાવીને ઘરની બહાર પણ એક નાનું સરખું ગાર્ડન બનાવી શકો છો. આ ઉપરાંત ઘરની બહાર નાની ખાલી જમીન પર ખાતર નાખીને ઘાસ પણ ઊગાડી શકો છો. આમ તમે તમારું નાનું સરખું સરસ મજાનું ગાર્ડન બનાવી શકો છો. જેમાં તમે બે ખુરશી અને એક ટેબલ મુકીને આરામની પળો વિતાવી શકો છો. આ ઉપરાંત સવારનો કૂણો તડકો છોડવાની લીલોતરીમાંથી પસાર થઈ આપણી પર આવે ત્યારે શરીર પર તેની હકારાત્મક અસર પડે છે. રોજ વહેલી સવારે ખુલ્લા પગે ગાર્ડનમાં બેસી યોગ અને કસરત કરવાથી શરીર સ્વસ્થ અને મસ્ત રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter