હેલ્થ ટિપ્સઃ બદામનું નિયમિત સેવન ડાયાબિટીસ અને હૃદયરોગનો ખતરો ઘટાડશે

Saturday 19th June 2021 07:30 EDT
 
 

ઘણા લોકો બ્રેકફાસ્ટમાં નિયમિત સૂકોમેવો લેતા હોય છે, અને બદામને વિશેષ સ્થાન આપતા હોય છે કેમ કે બદામ એક સંપૂર્ણ આહાર ગણાય છે. બદામમાં કેટલાય પોષક દ્રવ્યો છે. એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિ ઇન્ફ્લેમેટ્રી ગુણોને કારણે બદામ ત્વચા અને વાળ માટે ખૂબ જ સારી છે. બદામને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાવાથી વધુ ફાયદો થાય છે. બદામમાં વિટામિન ઇ, ફાઇબર, ઓમેગા-૩ ફેટી એસિડ અને પ્રોટીન જેવા તત્ત્વો હોય છે. કેટલાક લોકો તેના ગુણને કારણે તેને સુપર ફૂડ પણ કહે છે. બદામ પ્રોટીનનો સારો સ્રોત છે. એ ઉપરાંત બદામમાંથી મેન્ગેનિઝ અને પોટેશિયમ પણ મળે છે. તે હાડકાને મજબૂત બનાવે છે. સાથે સાથે જ બદામ બ્લડસુગરને નિયંત્રિત કરવામાં પણ ઉપયોગી થાય છે.
બદામ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાતા લોકો માટે પણ ખૂબ જ લાભકારી છે. બદામમાં રહેલા ફાઈબર અને પ્રોટીન પેટને ભરેલું રાખે છે અને તમે ઓવરઇટિંગથી બચી શકો છો. તેનાથી પાચનક્રિયા સારી રહે છે. વિશેષ તો બદામના સેવનથી વજન નિયંત્રણમાં રહે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ ડાયાબિટીસથી બચાવે છે.
હૃદયની બીમારી માટે કોલેસ્ટ્રોલને મુખ્ય કારણ માનવામાં આવે છે. બદામ ખાવાથી તમારી હૃદય સંબંધિત બીમારી થતી નથી અને હાર્ટ એટેકનું જોખમ પણ ઓછું થઈ જાય છે કેમ કે તે શરીરમાં કોલેસ્ટ્રોલના પ્રમાણને નિયંત્રણમાં રાખે છે.
આ ઉપરાંત બદામમાં રહેલું વિટામિન ઇ હૃદય અને મોટી ઉંમરે આંખને થતા નુકસાનને અટકાવવામાં મદદ કરે છે. બદામમાં જોવા મળતા પોષકતત્ત્વો આરોગ્ય સાથે સાથે વાળને મજબૂત કરે છે. ઓમેગા - ૩ ફેટી એસિડ બદામમાં પૂરતા પ્રમાણમાં હોય છે, જે શરીરમાં લોહીના પ્રવાહને ઠીક કર છે. હવે તમે જ કહો કે બદામને સુપર ફૂડ ગણી શકાય કે નહીં?!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter