હેલ્થ ટિપ્સઃ બરફ જેવી ફટકડી છે નેચરલ ડિઓડરન્ટ

Saturday 30th October 2021 08:16 EDT
 
 

પાણીની શુદ્ધિ માટે ફટકડી (એલમ)નો ઉપયોગ કરવામાં આવતો હોવાનું તો આપણે સહુ જાણીએ છીએ, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે તે નેચરલ ડિઓડરન્ટ છે. આથી સિવાય પણ ફટકડીના બીજા ઘણાં ઉપયોગો છે, જે આપણા માટે ઘણાં લાભદાયી સાબિત થઈ શકે એમ છે. તો આવો આજે તેના વિશે જાણી લઈએ.
બરફ જેવી દેખાતી આ ફટકડીનું રાસાયણિક નામ પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ છે. તેને મુખ્યત્વે પાણીને શુદ્ધ કરવામાં વાપરવામાં આવે છે. તેને બનાવવા માટે એલમ શેલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમીના દિવસોમાં પરસેવાની વાસથી પરેશાન રહેતાં લોકો ફટકડીને ડીઓ તરીકે વાપરી શકે છે. ડીઓ ન હોય ત્યારે ફકટડીને ડાયરેક્ટ અન્ડરઆર્મ્સમાં ઘસવાથી પરસેવાની વાસથી છૂટકારો મળી જશે. એ સિવાય ફટકડીને ખાંડીને તેનો પાઉડર બનાવી પાણીમાં નાંખી અઠવાડિયામાં એક વાર નહાવું જોઈએ, તેનાથી શરીરની દુર્ગંધ દૂર થાય છે.
• લોહી રોકવાઃ રસોડામાં કે ઘરમાં કંઈક કામ કરતાં હોઇએ કંઈ વાગી જાય, નાનાં બાળકોને પડવાથી થોડું વાગ્યું હોય અને લોહી નીકળ્યું હોય તો વાગેલી જગ્યાએ ફટકડી ઘસવાથી લોહી તરત બંધ થઈ જાય છે, પણ વધારે વાગ્યું હોય અને કોઈ રીતે લોહી બંધ ન થતું હોય તો ફટકડીનો પાઉડર કરી તે જગ્યાએ લગાવી દેવાથી દવાખાને પહોંચવા સુધીમાં લોહી બંધ થઈ જશે.
• મોઢાનાં ચાંદાઃ મોઢામાં ચાંદાં પડ્યાં હોય એવા સમયે હૂંફાળા પાણીમાં ફટકડી નાખીને તે પાણીને મોઢામાં ભરી થોડી ક્ષણ માટે રહેવા દઈને કોગળા કરી લેવા. આ ઉપાય દિવસમાં ત્રણ વાર અજમાવવાથી મોઢાના ચાંદાંમાં રાહત મળશે.
• યુરિન ઇન્ફેક્શનઃ યુરિન ઇન્ફેક્શનથી બચવા અને તેમાંથી છુટકારો મેળવવા માટે તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. વજાઈનાના ભાગમાં ઇન્ફેક્શન થયું હોય તો હૂંફાળા પાણીમાં ફટકડી નાખીને તે પાણીથી પ્રાઇવેટ પાર્ટ ધોવાથી ત્યાંનું ઇન્ફેક્શન દૂર થઈ જશે. ફટકડીયુક્ત પાણીમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોવાથી ઇન્ફેક્શન દૂર થાય છે.
• ફંગલ ઇન્ફેક્શનઃ ફટકડીમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે, તે પ્રાઇવેટ પાર્ટના ઇન્ફેક્શન દૂર કરવાની સાથે ચામડીની ફંગસને પણ દૂર કરવાનું કાર્ય કરે છે. જો પગમાંથી બહુ દુર્ગંધ આવતી હોય કે બે આંગળીઓની વચ્ચે અથવા તો પગના કોઈ પણ ભાગમાં ફંગસ થઈ હોય તો ગરમ પાણીમાં અડધી ચમચીથી પણ ઓછી ફટકડીનો પાઉડર નાખી તે પાણીમાં પગ રાખવાથી પગની સમસ્યા દૂર થશે.
• દાંતનો દુઃખાવોઃ મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો કે દાંતનો દુઃખાવો થતો હોય ત્યારે ગરમ પાણીમાં ફટકડી પાંચ વાર બોળી તે પાણીના કોગળા કરવાથી આ બંને સમસ્યા દુર થઈ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter