ચેતતા નર સદા સુખી આ ઉક્તિ મેડિકલ ટેસ્ટને એકદમ લાગુ પડે છે. જો સમયસર નિદાન થઇ જાય તો તેનો ઉપચાર પણ થઇ શકે. પરંતુ એક વર્ગ એવો પણ છે જે મેડિકલ ટેસ્ટથી ડરે છે. તેમના મનમાં ખરાબ સમાચાર મળવાનો ડર રહે છે. પરિણામે તેઓ બ્લડ ટેસ્ટ, કેન્સર સ્ક્રીનિંગ, મેમોગ્રામ અથવા એસટીડી જેવા ગંભીર ટેસ્ટ પણ મુલતવી રાખે છે. જ્યારે હકીકત એ છે કે જો કોઈ રોગના સંકેત દેખાતા જ સારવાર શરૂ થઇ જાય તો બીમારીને ઉગતી જ ડામી શકાય છે.
બીમારીની આશંકા એક સામાન્ય માનસિક ડર છે. લોકો ડોકટરો અને હોસ્પિટલોથી ડરે છે. ઘણીવાર, તેઓ ધારે છે કે જો તેઓ ટેસ્ટ કરાવતા નથી તો તેમને કોઈ બીમારી નથી, અને ટેસ્ટ કરાવશે તો કેટલીક બીમારી અચૂક આવી જ પડશે. ખરેખર આવું નથી. મેડિકલ ટેસ્ટ ટાળવાનો વિચાર ખતરનાક બની શકે છે. મેડિકલ ટેસ્ટ ન કરાવવાથી મોડું નિદાન થઈ શકે છે, જે સારવાર મુશ્કેલ અને ખર્ચાળ બનાવી શકે છે. જો તમને પણ ટેસ્ટ કરાવવાથી ડર લાગતો હોય તો આ ચાર પગલાં અનુસરો...
• લાભ અને ગેરલાભ વિશે વિચારો
મેડિકલ ટેસ્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે રોગ વહેલા શોધી કાઢવામાં આવશે અને સમયસર સારવાર શરૂ થઈ શકશે. તમે હેરાનગતિથી બચી જશો. ટેસ્ટ મુલતવી રાખવાથી ફક્ત કામચલાઉ રાહત મળે છે. તે લાંબા ગાળે ફક્ત નુકસાન જ કરે છે.
• ડરને તમારો નિર્ણય ન લેવા દો
જ્યારે આપણે ડોક્ટર પાસે જવાનું અને ટેસ્ટ કરાવવાનું ટાળીએ છીએ, ત્યારે આપણો ડર પ્રબળ બને છે. આપણે તેના પરિણામો પછીથી ભોગવીએ છીએ.
• પોતાની જાતને બિરદાવો, યોગ્ય સપોર્ટ મેળવો
કોઈપણ ટેસ્ટ કરાવ્યા પછી, તમારી જાતને એક ટ્રીટ અથવા ભેટ આપો. આનાથી મનોબળ મજબૂત બનશે. ટેસ્ટ કરાવવા જાઓ ત્યારે એવી વ્યક્તિને સાથે રાખો જેના પર તમે વિશ્વાસ કરો છો.
• ડોક્ટર સાથે ખુલીને વાત કરો
તમારી ચિંતા કે ડર ખુલ્લેઆમ શેર કરો. તમારા ડોક્ટર સાથે મળીને કેવી રીતે અને ક્યારે ટેસ્ટ કરાવવો તેની યોજના બનાવો. ટેસ્ટ કઇ રીતે તમારા માટે ઉપયોગી બની શકે છે તે જાણશો તો તમારો ડર - આશંકા જતા રહેશે.


