હેલ્થ ટિપ્સઃ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા પાંચ ઘરેલુ ઉપાય અજમાવો

Sunday 07th March 2021 06:23 EST
 
 

બ્લડ પ્રેશર એ મુખ્યત્વે મોડર્ન જીવનશૈલીનો રોગ કહેવામાં આવે છે. બીપીની તકલીફ થવા પાછળ બીજાં પરિબળો કરતાં આપણી બેદરકારીથી ભરપૂર લાઇફસ્ટાઇલ વધારે જવાબદાર હોય છે. એક સમય હતો જ્યારે બ્લડ પ્રેશરની સમસ્યાને ગંભીર સમસ્યા માનવામાં આવતી હતી. અત્યારે પણ માત્ર ૩૫ વર્ષની ઉંમરમાં બ્લડપ્રેશર આવે તે સારી વાત ન જ કહેવાય પણ હવેનો સમય એવો છે કે આપણા દેશમાં ૩૫થી ૪૦ વર્ષની ઉંમરે જ બીપીની સમસ્યા થઇ ગઇ હોય તેવા અનેક લોકો હશે. અલબત્ત, આ સારી વાત નથી જ. આપણે આ સમસ્યા બહુ બધાને થતી હોવાથી તેનાથી ટેવાઇ રહ્યા છીએ, પણ ખરું પૂછો તો બીપીની સમસ્યા થઇ હોય તો તે ગંભીર બાબત તો છે જ, કારણ કે આગળ જતાં તેના કારણે પેરાલિસીસની સમસ્યાનો ભય, બ્રેઇન સ્ટ્રોકનો ભય આવા કેટલાય ભય હેઠળ તમારે જીવવું પડતું હોય છે. તેથી સૌપ્રથમ તો આપણે આપણી લાઇફસ્ટાઇલ એવી જ રાખવી કે જેનાથી બીપીની તકલીફ કમસે કમ નાની ઉંમરથી તો ન જ થાય. તેમ છતાં જો થાય તો તમે અહીં આપેલા ઘરેલુ ઉપાય અજમાવીને પણ બ્લડ પ્રેશરની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.
• મેથીના દાણાઃ મેથીના દાણાને ઘણાં જ અકસીર માનવામાં આવે છે. જેમ પેટમાં વાયુની તકલીફ હોય અને મેથીના દાણા ગળી જવાથી થોડા સમયમાં જ વાયુની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે તેમ બ્લડપ્રેશરમાં પણ આ દાણા કારગત નીવડે છે. મેથીમાં વિટામિન ઇ, બી, સી, આયર્ન, ફોસ્ફરસ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, વળી તેમાં પોટેશિયમ પણ હોય છે. આ તમામ તત્ત્વો બીપી કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. બીપીની તકલીફ રહેતી હોય તેણે રોજ પાંચથી સાત દાણા મેથીના ખાવા જોઇએ.
• લસણઃ લસણની ગંધ ભાગ્યે જ કોઇકને ગમતી હશે. અલબત્ત, તે ભોજનમાં ઉત્તમ ટેસ્ટ અને સોડમ માટે જાણીતું છે, પણ તે ખાઇને આપણે અચૂક બ્રશ કરી નાખવું પડતું હોય છે. તેમ છતાં લસણને બ્લડપ્રેશર કંટ્રોલ કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. જેને બીપીની સમસ્યા હોય તેણે કાચા લસણની ત્રણથી પાંચ કળી રોજ ભોજન સમયે ખાવી જોઇએ. તે ખાવાથી બીપી ચોક્કસપણે કંટ્રોલમાં રહેશે. લસણની કળી કોલેસ્ટેરોલને કંટ્રોલમાં રાખવા માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
• કેળાંઃ કેળાં જેમ વજન વધારવા માટે, હાડકાં મજબૂત બનાવવા માટે, એસિડિટીની તકલીફમાં રાહત મેળવવા માટે ઉત્તમ માનવામાં આવે છે તેમ બ્લડપ્રેશર માટે પણ તે ઉપયોગી જણાયાં છે. કેળાંમાં પોટેશિયમની ભરપૂર માત્રા હોય છે. પોટેશિયમને બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. વળી કેળા શરીરમાં સોડિયમની માત્રા ઓછી કરે છે, પરિણામે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. બીપીની તકલીફ હોય તે પેશન્ટે દિવસમાં બેથી ત્રણ કેળાં તો ચોક્કસ ખાવાં જોઇએ. કેળાંથી પેટમાં અપચાની સમસ્યા પણ નથી થતી. આમ, રોજ ખાવામાં આવતાં કેળાં બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખવાની સાથે સાથે બીજી પણ ઘણી રીતે શરીર માટે લાભદાયી બની રહેશે.
• ડુંગળીઃ લસણની માફક જ ડુંગળીને ખોરાકનો ટેસ્ટ અને સોડમ વધારનાર માનવામાં આવે છે, પણ સાથેસાથે તે ખાધા પછી પણ તમારે બ્રશ અચૂક કરવું પડે છે. જોકે તે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. કાંદામાં કેટલાય પ્રકારના એન્ટિ ઓક્સિડેન્ટ હોય છે જે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. કાંદાની સારી બાબત એ છે કે તેને તમારે કાચા ખાવાની જરૂર નથી. અલબત્ત, તમે કાચા સલાડ રૂપે ખાઇ જ શકો છો, પણ કાચા ન ખાવા હોય તો પણ દાળ કે શાકમાં તેનો ઉપયોગ કરશો તો પણ તે ફાયદાકારક જ સાબિત થશે. જોકે, ગરમીની સિઝનમાં લૂ ન લાગી જાય તે માટે તેને કાચા જ ખાવા જરૂરી છે. પણ વાત બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવાની છે તો તમે દાળ કે શાકમાં નાંખીને પણ તેને ખાઇ શકો છો.
• મધઃ મધને આમ તો શરદી કે ઉધરસના ઇલાજ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, પણ તેનો ઉપયોગ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે પણ થાય છે. આ માટે રોજ એક ચમચી મધ દૂધમાં નાખીને પીવું. આમ કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter