મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર હોય છે. જેની સાથે તેઓ તેમના સ્વાસ્થ્ય અને ભાવનાત્મક બાબતો શેર કરે છે. સરવેમાં એ પણ જાણવા મળ્યું કે, જે લોકો પાસે આ ઉમરે કોઈ નજીકનો મિત્ર ન હતો તેમનું માનસિક સ્વાસ્થ્ય મિત્ર ધરાવતા વ્યક્તિ કરતાં વધુ ખરાબ હતું.
સરવેમાં એ પણ જાણવા મળ્યું કે, સામાન્ય અથવા નબળા માનસિક કે શારીરિક સ્વાસ્થ્યનો અનુભવ કરતા વૃદ્ધ લોકોમાં નજીકના મિત્રો ન હોવાની શક્યતા વધુ હોય છે. તેમને નવા મિત્રો બનાવવાનું પણ વધુ મુશ્કેલ લાગે છે. આ ઉપરાંત, જે લોકોએ કહ્યું કે, તેઓ એકલતા અનુભવે છે અથવા તેમને સાથીનો અભાવ અનુભવાય છે તેમનું કહેવું હતું કે નજીકના મિત્રો સાથે સંપર્ક ઓછો છે. નજીકના મિત્રો ધરાવતા લોકોએ કહ્યું કે જ્યારે તેઓ તેમની વાતો મિત્રો સાથે શેર કરે છે ત્યારે તેઓ ખુશી અનુભવે છે.
આ સરવે 50 થી 94 વર્ષની વયના લોકોમાં કરાયો હતો. આ સરવેમાં 75 ટકા લોકોએ કહ્યું કે, તેમના પૂરતા નજીકના મિત્રો છે, જ્યારે 25 ટકાએ કહ્યું કે તેમના પૂરતા મિત્રો નથી. જેમના મિત્રો નહોતા તેની સરખામણીએ જેમને મિત્રો હતા તેમનું માનસિક સ્વાસ્થ્ય પ્રમાણમાં સારું જોવા મળ્યું હતું. કહેવાનું તાત્પર્ય એટલું જ કે તમારી ઉંમર ગમેતેટલી કેમ ન હોય, મિત્રો બનાવો. વાતો કરો, વિચારો વ્યક્ત કરો. સુખદુખ વહેંચો. મન હળવાશ અનુભવશે, ખુશ રહેશે તો તન પણ એટલે શારીરિક સ્વાસ્થ્ય પણ સરસ રહેશે.