હેલ્થ ટિપ્સઃ મોટી બીમારીઓને ટાળવા આટલી કાળજી અવશ્ય લો...

Sunday 21st February 2021 07:09 EST
 
 

આજના દોડધામભર્યા જીવનમાં તન-મનના સ્વાસ્થ્યની જાળવણી કરવી જરૂરી છે. શારીરિક-માનસિક સ્વાસ્થ્યની ઉપેક્ષાની ઘણી વખત બહુ જ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. અને આવો સમય આવશે ત્યારે તમને એમ થશે જ કે આપણે આપણી તંદુરસ્તી માટે જો થોડાક વધારે જવાબદાર અને જાગ્રત બની ગયા હોત તો કદાચ આ દિવસ જોવાનો કે પીડા સહન કરવાનો વારો જ ન આવ્યો હોત. વેલ, હજી પણ મોડું નથી થયું, જાગ્યા ત્યારથી જ સવાર એ કહેવતને યાદ કરીને શરીર અંગે ફરી કાળજી લેવાનું શરૂ કરો. આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે આપણે શું શું કરવું જોઈએ તે અંગે નીચે મુજબ વાત કરીએ.

• સમતોલ ભોજનઃ ઘણાં લોકોને ખૂબ વધારે ખાઈ લેવાની કે જરૂરિયાત કરતાં એકદમ ઓછું ખાવાની આદત હોય છે. વ્યક્તિ - વ્યક્તિએ ખોરાક લેવાની આદત બદલાઈ જતી હોય છે. સૌ પ્રથમ તમે કઈ કેટેગરીમાં આવો છો તે ચેક કરો. તમે તમારી તાસીર જાણો. શું તમે ભૂખ લાગી હોય એ કરતાં વધારે જમો છો? જો આ સવાલનો જવાબ ‘હા’માં હોય તો તમારે સજાગ બનીને ખોરાકની માત્રા ઘટાડી દેવી જોઈએ. વધારે પ્રમાણમાં ભોજન કરવાથી બોડી ફેટ વધે છે તેમજ પાચનની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. આ જ રીતે તમારા બોડીને જરૂરી હોય તેના કરતાં ઓછું ભોજન ખાવાથી નબળાઈ લાગવા માંડે છે. આથી આહારમાં સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે.
• પૂરતી ઊંઘઃ શારીરિક તંદુરસ્તી જાળવવા માટે જે બે પાયાની બાબત વિશે આયુર્વેદમાં ઉલ્લેખ છે તેમાંથી એક એટલે યોગ્ય આહાર અને બીજો પાયો એટલે પર્યાપ્ત નિદ્રા. દરેક માણસે રોજ ઓછામાં ઓછી ૭થી ૮ કલાક ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. જો તમે ૭થી ૮ કલાક ઊંઘ નહીં લો તો તમે અનેક બીમારીના ભોગ બની શકો છો, તમને શરીરમાં અસુખ જેવું વર્તાશે. આંખો બળે છે કે અણગમો લાગ્યા કરે છે. મેડિકલમાં ઘણાં કેસમાં સામે આવ્યું છે કે ડિપ્રેશન પાછળનું એક મહત્ત્વનું કારણ ઓછી ઊંઘ પણ છે. આથી રોજ કમસે કમ ૭થી ૮ કલાકની ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. એ કરેલા ઉલ્લેખ મુજબ ૨૦૨૦ સુધીમાં ડિપ્રેશનના કેસ ત્રણ ગણા વધી જશે. તેથી જો ડિપ્રેનથી બચવું હોય તો ઊંઘ પૂરી કરવી જ રહી.
• ઉપવાસઃ ઘણા લોકો અઠવાડિયામાં ત્રણ વાર ઉપવાસ કરતાં હોય છે. ખાસ તો વડીલો, ઉપવાસ કરવા બાબતે હંમેશાં બધાને ટોક્યા કરે છે. ઉપવાસ પણ અમુક વાર કરવામાં આવે તો શરીરને લાભદાયી બની રહે છે, પણ ઉપવાસનો અતિરેક થાય તો તેનાથી પણ શરીરને હેરાનગતિ થતી હોય છે. એટલું જ નહીં, ઉપવાસ દરમિયાન ફરાળ વધારે પડતું કરવામાં આવે તો તે પણ શરીરને એટલું જ નુકસાન પહોંચાડે છે. ઉપવાસના દિવસે જો તમે ફ્ળ આરોગવાનું વિચારતા હોવ તો પણ એક સાથે એક બેઠકે ફ્રૂટ ડિશ પતાવવાના બદલે થોડા થોડા સમયના અંતરે ફ્ળફ્ળાદી ખાવાનું રાખો.

• બોડી ચેકઅપઃ ૩૫ વર્ષની ઉંમર પછી ડોક્ટરની સલાહ લઈને વર્ષમાં એક વાર રૂટિન બોડી ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે, કારણ કે આપણે બધા જ લગભગ બોડી ચેકઅપ માટે ખૂબ આળસુ હોઈએ છીએ. ખાસ કોઈ તકલીફ શરીરમાં વર્તાતી ન હોય તો આપણે એવું જ ધારી લઈએ છીએ કે આપણે એકદમ ફીટ એન્ડ ફાઈન છીએ. આ કારણે ઘણાં કેસમાં એવું બનતું હોય છે કે બીપી, ડાયાબિટીસ, થાઈરોઈડ કે કેન્સરના દર્દીને ઘણાં સમય પછી જાણ થતી હોય છે કે તેમને બીમારી છે. આથી સમયાંતરે બોડી ચેકઅપ કરાવડાવી લેવું, જેથી મોટી બીમારીથી બચી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter