હેલ્થ ટિપ્સઃ યાદશક્તિ વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે એરોબિક્સ

Saturday 03rd July 2021 07:06 EDT
 
 

તાજેતરમાં થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ચોક્કસ ઝડપ કરતા વધુ ઝડપે કરવામાં આવતી કસરત મગજના સ્વાસ્થ્યને અસર કરે છે અને યાદશક્તિ સુધારવામાં મદદગાર સાબિત થાય છે.
સંશોધકોના જણાવ્યા પ્રમાણે માત્ર યુવાનોમાં જ નહીં, ઝડપથી કરવામાં આવતી કસરત ૬૦ વર્ષથી વધુના લોકોને પણ લાભદાયક છે. સંશોધકોએ જણાવ્યું કે, ધીમી ગતિએ કરવામાં આવતી કસરત કરતાં સુરક્ષાનું ધ્યાન રાખીને ઝડપથી કરવામાં આવતી કસરત અસર શરીર અને મગજ ઉપર વધારે સકારાત્મક રહે છે. હેમિલ્ટનની મેકમાસ્ટર યુનિવર્સિટીના સંશોધકોએ ૧૨ અઠવાડિયા સુધી ૬૦થી ૮૮ વર્ષ સુધીના ૬૪ જેટલા બેઠાડું જીવન જીવતાં લોકો ઉપર અભ્યાસ કર્યો હતો.
આ લોકોને ત્રણ જૂથમાં વહેંચવામાં આવ્યા હતા, જેમને અલગ અલગ કસરત આપવામાં આવી હતી. કસરત કરતાં પહેલાં અને બાદમાં એકત્ર કરવામાં આવેલા ડેટાના આધારે તારણ મળ્યું હતું કે, ઝડપથી કરવામાં આવતી કસરતથી આ લોકોને અલઝાઈમર થવાની શક્યતા ઘટી જાય છે. તેમને દરરોજ ૪ મિનિટ ટ્રેડ મિલ વોક અને ત્યારબાદ પોણો કલાક મીડિયમ ઝડપ સાથે એરોબિક્સ કરાવવામાં આવતી હતી. તેમને કુલ ૫૦ મિનિટની કસરત કરાવવામાં આવતી હતી.
સંશોધકોનું કહેવું છે કે, ધીમી ગતિની કસરત લાંબા સમય સુધી કરવા કરતાં વધુ ગતિની કસરત ઓછા સમય માટે પણ સતત કરવામાં આવે તો તેની સકારાત્મક અસર મગજ ઉપર વધારે પડે છે. જાણકારોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતી એરોબિક્સ કસરતો માનસિક રોગોને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter