તમારી ઉંમર ભલે કંઇ પણ હોય, લાંબા સમય સુધી બેસવાનું ટાળો. દિવસ દરમિયાન થોડા થોડા સમયે હરતા-ફરતા રહેવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા મહત્ત્વપૂર્ણ ફાયદા થઈ શકે છે. જુદા જુદા સંશોધનો પણ આ બાબતોને સમર્થન આપે કરે છે. ચાલો, આ વિશે થોડું વધુ વિગતે જાણીએ...
1) હૃદયનું સ્વાસ્થ્યઃ અમેરિકાની નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન સંચાલિત PubMed મેગેઝિનના એક તબીબી અભ્યાસના તારણ અનુસાર જો તમે લાંબા સમય સુધી એકધારા બેસી રહેવાના બદલે વચ્ચે વચ્ચે થોડું ચાલવા જેવી પ્રવૃત્તિઓ કરો છો તો તમારા બ્લડપ્રેશર અને હૃદયનું કાર્ય સુધરે છે.
2) વૃદ્ધોના સ્વાસ્થ્યમાં સુધારોઃ જે વડીલો કે વૃદ્ધો લાંબા સમય સુધી બેસી રહેવાને બદલે વારંવાર ઉઠતા રહે છે અને ફરતા રહે છે તેમના સ્નાયુઓની શક્તિ અને સંતુલન શારીરિક નિષ્ક્રિય લોકોની સરખામણીએ વધુ સારાં હોય છે. આનાથી રોજિંદા કાર્યો કરવામાં સરળતા રહે છે.
3) કમરના સ્વાસ્થ્યમાં સુધારોઃ લાંબા સમય સુધી ખુરશી પર બેસવાથી કરોડરજ્જુ પર દબાણ આવે છે અને સ્લિપ ડિસ્ક, સર્વાઇકલ અને પીઠનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ જો તમે શારીરિક મૂવમેન્ટ રાખો છો આવી બધી તકલીફોથી બચી શકો છો.
4) આયુષ્યમાં વધારોઃ મેડિકલ રિસર્ચના તારણ મુજબ, જે લોકો રોજ આઠ કલાક કે તેથી વધુ સમય બેસી રહે છે અને ઓછું હલનચલન કરે છે તેમને વહેલા મૃત્યુનું જોખમ 15 થી 30 ટકા વધારે હોય છે. પરંતુ જો આ જ લોકો શારીરિક સક્રિયતા જાળવે છે તો અન્ય તકલીફો દૂર રહેવાની સાથોસાથ વ્યક્તિ દીર્ઘાયુ બને છે.