હેલ્થ ટિપ્સઃ વરિયાળીના વિવિધ ગુણ

Saturday 04th May 2019 06:19 EDT
 
 

વરિયાળી મુખવાસ તરીકે ભારતીય પરિવારોમાં ખૂબ વપરાય છે. એનું કારણ એ છે કે, એ પાચનક્રિયામાં મદદરૂપ થવાની સાથે મોઢામાંથી આવતી વાસ કે શરીરની દુર્ગંધ પણ ઓછી કરે છે અને પેટના દુઃખાવા કે થાકમાં પણ રાહત આપે છે. ઉનાળાની શરૂઆત થાય ત્યારે વરિયાળીનું શરબત એ સામાન્ય રીતે મોટા ભાગે ગુજરાતમાં દરેક ઘરમાં પીવાતું ઠંડું પીણું છે.

વરિયાળી એ શરીરને ઠંડક આપે છે. એ ઘણાં પોષક તત્ત્વોનું મિશ્રણ છે, જે એને શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ બનાવે છે. એ આંતરડામાં પાચકરસને ઉત્તેજિત કરે છે અને પાચનક્રિયા ઝડપી બનાવે છે. પેટમાંથી એસિડને ઉપર પાછો આવતા અટકાવે છે. તેથી જમતા પહેલાં અને જમ્યા પછી એક ચમચી વરિયાળી ખાવામાં આવે છે. હવે આપણે વરિયાળીના કેટલાક ફાયદાઓ જોઇએ.

• વરિયાળીની ખાસિયત શરીરની તંદુરસ્તી વિષયક તકલીફો સામે રાહત આપે છે. જેમ કે, અપચો, અસ્થમા, ડાયાબિટીસ, ગેસ અને પાચનક્રિયાને લગતી મુશ્કેલીઓમાં રાહત આપે છે.

• વરિયાળી શરીરનું વજન વધતું અટકાવવામાં મદદ કરે છે. વરિયાળીનું પાણી પીવાથી શરીરની ચરબીને કુદરતી રીતે ઓછી થાય છે, જે વજન ઘટાડે છે.

• વરિયાળીનું પાણી પીવાથી શરીરમાંની ગરમી ઓછી થાય છે, મોંમાંથી દુર્ગંધ આવતી નથી.

• વરિયાળી ત્રણેય દોષો (વાત, પિત્ત અને કફ)નો નાશ કરે છે. વરિયાળીમાં રહેલું તેલ શરીરના જ્ઞાનતંતુઓને શાંત રાખવામાં મદદ કરે છે.

• વરિયાળી બીજા ઘણાં પોષકતત્ત્વો અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ જેમ કે, ફોસ્ફરસ, ઝિંક, કોપર, મેગેંનીઝ, સેલેનિયમ, નિયાસીન, પેન્ટોથેનિક એસિડ, ફોલેટ, કોલીન, બીટા-કેરોટીન, લ્યુટિન અને ઝિકસેન્થિન ધરાવે છે.

• રેસાથી ભરપૂર હોવાને લીધે, વરિયાળી પાચનતંત્રમાં ‘બલ્કિંગ એજન્ટ’ તરીકે કામ કરે છે. તે મેટાબોલિઝમ વધારે છે અને શરીરને વધારે ચરબી વાપરવા પ્રેરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter