આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય છે અને વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવે છે. આ બધા સિવાય વિટામિન B12ની ઊણપને કારણે ચક્કર આવવા, હાથ-પગમાં કળતર, યાદશક્તિમાં ઘટાડો જેવી સમસ્યાઓ પણ સામાન્ય બની જાય છે. જો તમે પણ આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો અહીં કુદરતી રીતે શરીરમાં વિટામિન B12ની માત્રા વધારવાનો એક સરળ ઉપાય જણાવ્યો છે. જો તમારા શરીરની તાસીરને માફક આવે તેમ હોય તો આ ઉપાય અજમાવવા જેવો છે.
જો તમે કોઈ મોંઘા સપ્ટિમેન્ટ વગર નેચરલ રીતે વિટામિન B12ની માત્રા વધારવા ઇચ્છો છો તો તે માટે દરરોજ દહીંમાં એક નાની ચમચી આંબળા પાઉડર નાખી સેવન કરી શકો છો. રિસર્ચ જણાવે છે કે દહીંમાં વિટામિન B12ની સારી માત્રા હોય છે. 100 ગ્રામ દહીંમાં લગભગ 0.5 માઈક્રોગ્રામ બી-12 હોય છે. તેવામાં દરરોજ દહીં ખાવાથી તમને નેચરલ રીતે વિટામિન બી12ની કમી દૂર કરવામાં મદદ મળી શકે છે. સારું પરિણામ મેળવવા માટે દહીંમાં 1 ચમચી આંબળા પાઉડર નાખીને ખાઈ શકો છો. આમળામાં વિટામિન સી અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે ખાવાથી વિટામિન B12ને શોષવામાં મદદ કરે છે. આ સિવાય આમળામાં કોબાલ્ટ નામનું મિનરલ પણ થોડી માત્રામાં જોવા મળે છે, જે વિટામિન B12નો એક જરૂરી ભાગ છે. તેનાથી શરીરને B12ને એક્ટિવ રૂપમાં ઉપયોગ કરવામાં મદદ મળે છે. આમ દહીં અને આમળાનું કોમ્બિનેશન શરીરમાં વિટામિન B12ની માત્રા વધારવામાં મદદરૂપ થઈ શકે છે.