હેલ્થ ટિપ્સઃ શરદી-ઉધરસથી રાહત આપતા અસરદાર આયુર્વેદિક ઉપાય

Saturday 20th December 2025 11:40 EST
 
 

વાતાવરણમાં બદલાવની શરૂઆત થઈ ગઈ છે. વાતાવરણ જ્યારે બદલાતું હોય ત્યારે શરદી-ઉધરસ થઈ જતા હોય છે. આ દિવસોમાં મોટાભાગે શરદી, ઉધરસ, તાવ જેવી વાઇરલ બીમારીઓનું પ્રમાણ વધી જતું હોય છે. ઘણા લોકોને ઠંડીની શરૂઆતમાં પણ શરદી-ઉધરસ થાય છે. આ શિયાળામાં તમારે શરદી-ઉધરસથી બચીને રહેવું હોય તો એક આયુર્વેદિક કાઢો તમારી મદદ કરી શકે છે. આ આયુર્વેદિક ઉકાળાથી ગળું સાફ થાય છે સાથે સાથે જ કફ-ખાંસીથી રાહત મળે છે. શરદી-ઉધરસ દવા વિના મટી જાય તેવી ઇચ્છા હોય તો આ રીતે ઉકાળો બનાવીને દિવસમાં બે વખત પીવો.
આ માટે એક ગ્લાસ પાણીમાં આદુ, મરી, હળદર અને તુલસીના પાન ઉમેરી બરાબર ઉકાળો. પાણી અડધું બચે એટલે ગેસ બંધ કરી દો. આ પાણી થોડું ગરમ હોય ત્યારે જ પી લો. જો તમે ઉકાળાનો સ્વાદ વધારવા માગો છો તો તેમાં એકાદ ચમચી મધ પણ ઉમેરી શકો છો. દિવસમાં બે વખત આ રીતે બનાવેલો કાઢો પીશો એટલે શરદી-ઉધરસ મટી જશે.
શરદી, ઉધરસ મટાડવા માટે સ્ટીમ લેવાનું પણ ફાયદાકારક સાબિત થશે. જો શરદીના કારણે નાક બંધ થઈ જાય તો સ્ટીમ લેવાથી શ્વસન નળીઓ ખૂલી જાય છે અને બંધ નાકથી રાહત મળે છે. જો છાતીમાં કફ જામી ગયો હોય તો રાતના સમયે આ ટ્રાય કરી જૂઓ. સરસવના તેલમાં અજમો અને લસણ ઉમેરીને ગરમ કરો. તેલ બરાબર ગરમ થઈ જાય પછી ગેસ બંધ કરો અને થોડું ઠરવા દો. તેલ હૂંફાળું ગરમ હોય ત્યારે ગરદન અને છાતી પર લગાવી માલિશ કરો. તેનાથી શરીરને ગરમી મળશે અને કફ પણ છૂટો પડવા લાગશે. શરદી-ઉધરસ થઈ ગયા હોય ત્યારે દિવસ દરમિયાન પણ હૂંફાળું પાણી પીવાનું રાખવું. તેનાથી શરીર ગરમ રહેશે અને સંક્રમણથી બચાવ થશે. શરદી-ઉધરસ વધારે થઈ ગયા હોય તો મુલેઠીનો ઉકાળો બનાવીને પણ પી શકાય છે. મુલેઠી ઉધરસને જડમૂળથી દૂર કરવામાં મદદ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter