હેલ્થ ટિપ્સઃ શરદી-ખાંસી છે? ડોન્ટ વરી, ઉપચાર તમારા કિચનમાં જ છે

Saturday 16th May 2020 05:09 EDT
 
 

ઋતુના સંધિકાળમાં વાઇરસ માથું ઉચકતાં હોવાથી શરદી-ખાંસીની તકલીફ સૌ કોઈને સતાવતી હોય છે. જોકે સામાન્ય શરદી-ખાંસીનો ઉપચાર તમારા કિચનમાં જ છે. આ સરળ ઘરેલુ ઉપચારોથી તમને શરદી-ખાંસીમાં અવશ્ય રાહત મળશે.
• આદુ: યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના એક સંશોધન મુજબ આદુમાં એવા કેમિકલ્સ રહેલાં છે, જે શરદી-ખાંસી અને સોજા ઉપર ખૂબ પ્રભાવક ઢંગથી કામ કરે છે. ઉકળતા પાણીમાં થોડું તાજું આદુ છીણીને નાંખો અને તેની ગરમ વરાળનો નાશ લો, જેનાથી શરદીમાં રાહત થશે. જો ખાંસી અને કફ હોય તો આદુ-તુલસીની ચા પીઓ.
• મરી: જો ખાંસી સતાવતી હોય તો એક ચમચી મધમાં થોડો મરીનો ભૂકો ભેળવી દિવસમાં બેથી ત્રણ વાર ચાટો. મધ કફને ઓગાળે છે. વળી તેમાં રહેલા એન્ટીબાયોટિક તત્વો બેક્ટેરિયાનો સફાયો કરે છે. જ્યારે મરી રક્તપરિભ્રમણ સુધારે છે. તમે તેનો ઉકાળો પણ પી શકો છો. એક કપ ઉકળતા પાણીમાં ૧ ટીસ્પૂન મરીનો ભૂકો અને બે ટેબલસ્પૂન મધ નાંખી થોડી વાર ઢાંકી રાખો. પછી તેને ગાળી લો અને આ ગરમ ઉકાળો પીઓ.
• અળસી: ગળાનું અને બ્રોન્કાઈટલ ટ્રેકનું ઇન્ફેક્શન દૂર કરવા માટે અળસી અકસીર છે. એક કપ પાણીમાં બે ટેબલસ્પૂન અળસી નાંખીને તે ઘટ્ટ પ્રવાહી બને ત્યાં સુધી તેને ઉકાળો. હવે તેને ગાળી લો અને તેમાં ત્રણ ટેબલસ્પૂન મધ અને થોડો લીંબુનો રસ નાંખો. દિવસમાં થોડી થોડી વારે આ પીતા રહો.
• લીલાં મરચાં: જો ખૂબ શરદી હોય તો ભોજનમાં થોડાં લીલાં મરચાં સામેલ કરો. તીખું ખાવાથી જામેલો કફ પીગળે છે. લીલાં મરચાં ખાવાથી જે પસીનો આવે છે અને નાકમાંથી જે પાણી નીકળે છે, તે તમારી શરદીને શરીરની બહાર કાઢે છે.
• મધ: લાંબા સમયની સૂકી ખાંસી માટે મધ એક ઉત્તમ ઔષધ છે. ગાઢું અને ચીકણું મધ ગળામાં ચચરાટી પેદા કરનાર મ્યૂકસ મેમ્બ્રેન પર ચોંટી જાય છે અને તરત આરામ પહોંચાડે છે. મધ એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ ધરાવતું હોવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શનને મટાડવામાં મદદરૂપ થાય છે.
• અજમો: ઉકળતા પાણીમાં થોડોક અજમો અને થોડા તુલસીના પાન નાંખીને થોડી વાર રહેવા દો. થોડુંક ઠંડુ થયા પછી આ પાણી નવશેકું જ પીઓ. શરદી-ખાંસીમાં ખૂબ રાહત થશે. અજમાનું ચૂર્ણ બનાવી તેને ગોળ સાથે મિક્સ કરીને પણ લઈ શકાય છે. દિવસમાં બે વાર એક ચમચી આ ચૂર્ણ લેવાથી બંધ નાક તરત ખૂલી જશે.
• હળદર: હળદર એ ઉત્તમ એન્ટીસેપ્ટિક, એન્ટીબાયોટિક છે. તે શરદી-ફ્લૂ જેવા વાઇરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનને દૂર કરવા માટે ખૂબ કારગત છે. જો ગળામાં બળતરા થતી હોય તો એક કપ નવશેકા પાણીમાં થોડું મીઠું અને હળદર નાંખી દિવસમાં બે-ત્રણ વાર તેના કોગળા કરો. રાત્રે એક ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર નાંખી પી જાઓ. સવારે ગળાના દર્દમાં ઘણી રાહત મહેસૂસ કરશો. હળદર પણ મધની જેમ કફને છૂટો પાડે છે.
• લસણ: એક કપ પાણીમાં લસણની ચાર-પાંચ કળીઓ નાંખીને તેને ઉકાળો, તેને ઠંડુ થવા દો. હવે તેમાં એક ચમચી મધ નાંખો. દિવસમાં બે-ત્રણ વાર આ પાણી પીઓ. ત્રણ-ચાર દિવસ આમ કરવાથી તમને શરદી-ખાંસીમાંથી છૂટકારો મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter